બર્તોલુચી, બર્નાર્ડો

January, 2000

બર્તોલુચી, બર્નાર્ડો (જ. 16 માર્ચ 1940, પર્મા, ઇટાલી) : ઇટાલીના જાણીતા દિગ્દર્શક. રોઝેલિની, દ સિકા અને ઍન્ટોનિયોની પરંપરાને આગળ ધપાવતા બર્નાર્ડોએ યુવાવયે સિનેમા તરફ આકર્ષાતાં અભ્યાસ છોડ્યો અને નિર્દેશક પિયર પૉલો પૅસોલિનીના સહાયક તરીકે ‘ઍકૅટૉન’(1961)થી પ્રારંભ કર્યો.

બર્નાર્ડો બર્તોલુચી

1962માં તેમના ‘ઇન સર્ચ ઑવ્ મિસ્ટરી’ નામક કાવ્યસંગ્રહને ‘પ્રેમિયો વાઇરેગિયો’ પ્રાઇઝ મળ્યું. એ જ વર્ષે તેમની ‘ધ ગ્રિમ રીપર’ નામની ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકેની પોતાની પ્રતિભા બતાવી આપી. આ ચિત્રનું કથાનક એક ગુનેગારની શોધ અંગેનું હોઈ તેની માવજત નોંધપાત્ર છે. તેમનું બીજું ચિત્ર ‘બિફોર ધ રિવોલ્યુશન’ (1964) પણ વખણાયું. ‘ધ કન્ફર્મિસ્ટ’ (1970) અને ‘લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ’(1972)ને સાંપડેલી સફળતાથી પ્રેરાઈને તેઓ માર્કસવાદી મહાકાવ્ય સમા ચિત્ર ‘નૉવેસેન્ટો’નું નિર્માણ કરવા પ્રેરાયા (1976), જેનાથી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. ‘ધ કન્ફર્મિસ્ટ’ને અનુલક્ષીને તેમને ઑસ્કર ઍવૉર્ડ માટેનું નામાંકન મળ્યું હતું. આ ચિત્ર આલ્બર્તો મોરાવિયાની નવલકથા પર આધારિત હતું. ‘લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ’ તેમનું સૌથી વધુ ચર્ચાસ્પદ ચિત્ર નીવડેલું. કેટલાક સમીક્ષકોએ તેને અનૈતિકતાને પ્રોત્સાહન આપનાર છે તેમ કહી વખોડી કાઢેલું. આ ચિત્ર અંગેના જોરદાર વિરોધને કારણે 5 વર્ષ માટે તેમનો મતાધિકાર છીનવી લેવાયેલો. આમ છતાં આ ચિત્રને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો.

તેમણે નિર્માણ કરેલ ‘નૉવેસેન્ટો’ ઇટાલીના સામાજિક–રાજકીય ઇતિહાસ પર આધારિત સાડાપાંચ કલાક લાંબું એક પ્રયોગાત્મક ચિત્ર છે. તેમાં ઇટાલીના એમિલિયા વિસ્તારમાં 70 વર્ષ દરમિયાન થયેલી રાજકીય ઊથલપાથલનું નિરૂપણ કરાયું છે.

1980ના દાયકામાં તેમણે નિર્માણ કરેલ 2 ચિત્રો – ‘લૂના’ અને ‘ધ ટ્રૅજેડી ઑવ્ રિડિક્યુલસ મૅન’ ટિકિટબારી પર નિષ્ફળ નીવડ્યાં હતાં; પરંતુ 1987માં ‘ધ લાસ્ટ એમ્પરર’ ચિત્રે તેમની પ્રતિષ્ઠા પુન: સ્થાપિત કરી; એટલું જ નહિ, પણ તેને શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ ચિત્ર માટેના 9 ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરાયા હતા. ચીનના સામ્રાજ્યવાદી ઇતિહાસને રેખાંકિત કરતા આ ચિત્રમાં ચીનના અંતિમ સમ્રાટ પૂ ચીના જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 1990માં ‘ધ શેલ્ટરિંગ સ્કાય’ એક નવલકથાના સુંદર ચિત્રણ માટે વખણાયું હતું. 1995માં તૈયાર કરેલ ચિત્ર ‘ધ લિટલ બુદ્ધ’ પણ નોંધપાત્ર લેખાયું હતું. 1996માં તૈયાર કરેલી ‘સ્ટીલિંગ બ્યૂટી’ એ તેમના આયુષ્યના ઉત્તરાર્ધનાં વર્ષોની મહત્વની ફિલ્મ છે.

હરસુખ થાનકી

મહેશ ચોકસી