બર્ઝેલિયસ, જૉન જેકબ (જ. 20 ઑગસ્ટ 1779, લિંકોપિંગ પાસે, સ્વીડન; અ. 7 ઑગસ્ટ 1848, સ્ટૉકહોમ) : સ્વિડિશ વૈજ્ઞાનિક અને આધુનિક રસાયણશાસ્ત્રના સ્થાપકો પૈકીના એક. બાળપણથી અનાથ એવા બર્ઝેલિયસનો ઉછેર તેમનાં સગાંસંબંધીઓ દ્વારા થયેલો. નાની વયથી જ તેમને વૈદકમાં રસ હતો. 1802માં તેમણે ઉપસાલામાંથી એમ.ડી.ની પદવી મેળવી. દરમિયાન અફઝેલિયસના હાથ નીચે તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે વખતે (1802માં) રસાયણશાસ્ત્રમાં એક સંશોધનલેખ લખવા બદલ તેમને સ્ટૉકહોમમાં વૈદક, ઔષધશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક નીમવામાં આવ્યા. 1807માં તેઓ વૈદક અને ઔષધશાસ્ત્રના (પાછળથી રસાયણશાસ્ત્ર અને ઔષધશાસ્ત્રના) પ્રાધ્યાપક નિમાયા. 1815માં તેઓ સ્ટૉકહોમમાં રૉયલ મેડિકો-ચિરુર્જિકલ ઇન્સ્ટિટ્યૂટમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા અને 1832 સુધી ત્યાં જ રહ્યા.
1807ના ગાળામાં ફુરસદના સમયમાં તેમણે રાસાયણિક સંયોજનોના સંઘટન અંગે પૃથક્કરણ શરૂ કર્યું અને ટાંચાં સાધનો વડે 10 વર્ષમાં 2,000 જેટલાં સંયોજનોનો અભ્યાસ કર્યો. તેમના આ કાર્યને લીધે રસાયણશાસ્ત્રની દરેક શાખાનો વિકાસ થયો. આધુનિક રસાયણશાસ્ત્ર તેમણે રચેલા પાયા પર ઊભું થયું છે. 1808થી 1812 દરમિયાન તેમણે ડૉલ્ટને અગાઉ રજૂ કરેલા ગુણક પ્રમાણ(multiple proportions)ના અને પરસ્પર અથવા વ્યસ્ત (reciprocal) પ્રમાણના નિયમો પ્રસ્થાપિત કર્યા. પારમાણ્વિક સિદ્ધાંત(atomic theory)ને સ્વીકૃતિ મળવામાં પણ તેમની અસર કારણભૂત હતી.
તેમણે અન્ય તત્વોના પરમાણુભાર ગણવા માટે ઑક્સિજનને સંદર્ભ પરમાણુ તરીકે ગણ્યો અને 1818માં સંયોજક પ્રમાણ તથા પરમાણુભારનું કોષ્ટક બહાર પાડ્યું, જે 1826માં સુધારવામાં આવેલું. કોષ્ટકમાંના પરમાણુભાર ઘણી ચોકસાઈપૂર્વક આપવામાં આવ્યા હતા.
હિસિંજર સાથે તેમણે વિવિધ દ્રાવણોના વિદ્યુત્વિભાજનને લગતા પ્રયોગો કર્યા અને વીજ-દ્વૈતવાદ (electro-dualistic theory) રજૂ કર્યો. તે મુજબ સંયોજનો ધન અને ઋણ – એમ બે પ્રકારના વીજભારિત કણોના બનેલા હોય છે. આ ખ્યાલને લીધે કાર્બનિક રસાયણમાં મૂલક સિદ્ધાંત(radical theory)નો પાયો નંખાયો એમ કહી શકાય.
બર્ઝેલિયસે સિરિયમ (1808), સિલિનિયમ (1817), અને થોરિયમ (1828) તત્વોની શોધ કરી હતી; જ્યારે સિલિકન (1823), ઝિર્કોનિયમ (1824), ટાઈટેનિયમ (1825) તેમજ કૅલ્શિયમ, બેરિયમ, સ્ટ્રૉન્શિયમ તથા ટેન્ટલમ જેવાં તત્વો તેમણે અલગ મેળવ્યાં હતાં. ખનિજોનું રાસાયણિક ર્દષ્ટિએ વર્ગીકરણ કરવા ઉપરાંત તેમણે ટેલ્યુરિયમ, વેનેડિયમ, મોલિબ્ડેનમ, ટંગસ્ટન, યુરેનિયમ તથા અન્ય સંયોજનોનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. ભારાત્મક વિશ્લેષણ(quantitative analysis)ના તેઓ જનક ગણાય છે. જલ-ઉષ્મક (water-bath), જલશોષિત્ર (desiccator), પ્રક્ષાલ શીશી (wash bottle), ગાળણપત્ર (filter paper) રબર-ટ્યૂબ વગેરેનો ઉપયોગ પ્રાયોગિક કાર્યમાં શરૂ કરવા ઉપરાંત ધમન-નળી (blow-pipe) તકનીક પણ તેમણે વિકસાવી હતી.
1808માં તેઓ સ્ટૉકહોમની સ્વિડિશ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના સભ્ય અને 1818માં તેના મંત્રી બન્યા. સંશોધનકાર્યમાં મગ્ન રહેવાને કારણે તેમણે લગ્ન ઘણું મોડું (56મા વર્ષે, 1835માં) કરેલું. લગ્નની ભેટ રૂપે સ્વીડનના રાજાએ તેમને ઉમરાવ (baron) બનાવેલા.
બર્ઝેલિયસે 250 કરતાં વધુ મૌલિક સંશોધન-લેખો ઉપરાંત રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રમાં થયેલી પ્રગતિના અહેવાલો તથા રસાયણશાસ્ત્રનું પાઠ્યપુસ્તક પણ પ્રકાશિત કરેલાં. આ પુસ્તકની પાંચ આવૃત્તિઓ થયેલ તેમજ જર્મન અને ફ્રેંચ ભાષામાં તેનું ભાષાંતર પણ થયેલું. રસાયણશાસ્ત્રના ઇતિહાસમાં તેમનું સ્થાન પ્રશંસનીય હતું અને તેથી તેમનું વચન રોકટોક વિના સ્વીકાર્ય બનતું. આને લીધે વિવાદો પણ ઊભા થયા હતા. તેમના અવસાનનાં 50 વર્ષ બાદ (1898માં) તેમની સ્મૃતિમાં અને તેમના સંશોધનકાર્યને બિરદાવવા યોજાયેલા સમારોહમાં યુરોપ અને અમેરિકાના ઘણા વૈજ્ઞાનિકો હાજર રહેલા.
જ. દા. તલાટી