બર્ગસ્ટ્રોન, સૂને (જ. 19 જાન્યુઆરી 1916, સ્ટૉકહોમ, સ્વીડન) : ઈ. સ. 1982ના તબીબી વિદ્યા અને દેહધાર્મિક વિદ્યા અંગેના નોબેલ પુરસ્કાર વિજેતા. બૅન્ગ્ટ સેમ્યુલ્સન અને સર જૉન વેન (Vane) સાથે તેમને પ્રોસ્ટાગ્લૅન્ડિન અને તેને સંબંધિત રસાયણોના સંશોધન માટે તે પુરસ્કાર મળ્યો હતો. તેમણે સ્ટૉકહોમ માટેની કરોલિન ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ ફરી પાછા 1958માં તે જ સંસ્થામાં જૈવરસાયણવિદ્યાના પ્રાધ્યાપક તરીકે નિમાયા. તેઓ વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંકળાયેલા છે. ઈ. સ. 1930માં શરીરનાં પુર:સ્થગ્રંથિના (prostaglandins) નામનાં રસાયણોની ઓળખ થઈ હતી અને તેમાંનાં 2 રસાયણોને શુદ્ધ સ્વરૂપે 1950માં અલગ કરી શકાયાં હતાં.
તેમણે આ જૂથનાં રસાયણોનાં સંબંધિત થ્રૉમ્બોક્ઝેન, પ્રોસ્ટાસાઇક્લિન અને લ્યૂકોટ્રાઇન્સ નામનાં રસાયણોને અલગ કરી બતાવ્યાં. તે ઉપરાંત તેમણે ઉપર્યુક્ત સહવિજેતાઓ સાથે સંશોધન કરીને તેમના બંધારણને ઓળખી બતાવ્યું હતું. આ દ્રવ્યો કોષોની અંદર તથા બહાર, પરસ્પર કોષો વચ્ચેના, સંદેશાઓની આપલે માટેના રાસાયણિક સંદેશાવાહકો (chemical transmitters) તરીકે કાર્ય કરે છે. તેઓ અનેકવિધ આંતરબદ્ધ સંકુલ ક્રિયાઓ કરે છે, પરંતુ તેમની એક સર્વસામાન્ય અસર તેમની અરૈખિક સ્નાયુઓનું સંકોચન કરવાની ઘણી ઉચ્ચ પ્રકારની ક્ષમતા છે. શરૂઆતમાં માનવના વીર્ય(human semen)માં આ દ્રવ્યો શોધી કઢાયાં હતાં. પુર:સ્થગ્રંથિ(prostatic gland)માં ઉત્પન્ન થતાં હતાં માટે તેમને પુર:સ્થગ્રંથિનો કહે છે; પરંતુ તે બીજા અનેક પ્રકારના માનવકોષો અને અન્ય સજીવ કોષોમાં પણ જોવા મળે છે. તેમના રાસાયણિક બંધારણમાં પંચકાર્બની વલયિકા (5-carbon ring) અને તેની સાથે જોડાયેલી કાર્બનના પરમાણુઓની શૃંખલાઓ જોવા મળે છે.
શિલીન નં. શુક્લ