બર્ગસાં, હેન્રી (જ. 1859; અ. 1941) : સાહિત્ય માટેના 1927ના નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેંચ ફિલસૂફ. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં તે યુરોપના પ્રખર ચિંતક તરીકે જાણીતા થયા હતા. ઍંગ્લો-પોલિશ યહૂદી પરિવારમાં જન્મેલા બર્ગસાં ગણિત અને વિજ્ઞાનમાં આગળ વધવાની શક્તિ ધરાવતા હતા, પરંતુ તેમણે સાહિત્ય અને તત્વચિંતનમાં વિશેષ અભિરુચિ દર્શાવી હતી. પ્રારંભમાં Ecole Normale અને ત્યારપછી 1901થી 1921 સુધી College de Franceમાં પ્રોફેસર તરીકે તેમણે સેવાઓ આપી હતી.

હેન્રી બર્ગસાં

તેમના મહત્વના ગ્રંથોમાં ‘ટાઇમ ઍન્ડ ફ્રી વિલ’ (1896), ‘ક્રિએટિવ ઇવૉલ્યૂશન’ (1907) અને ‘ધ ક્રિએટિવ માઇન્ડ’(1927)નો સમાવેશ થાય છે.

સદવસ્તુ કે સત્ (reality) એ સળંગ સતત પરિણમતી પ્રતિક્રિયા (becoming) છે, એ બર્ગસાંના તત્વચિંતનની મુખ્ય સ્થાપના છે. સદવસ્તુ કોઈ છૂટા છૂટા અલગ ઘટકો કે તત્વોનો યાંત્રિક સમૂહ નથી. બર્ગસાં પ્રમાણે નિત્ય-પરિણામી એવું સત્ ઇન્દ્રિયાનુભવથી ભિન્ન એવા અવ્યવહિત (immediate) અપરોક્ષ (direct) અનુભવ કે અંતર્જ્ઞાન(intuition)થી જ  ગ્રાહ્ય થાય છે; તે વિશ્લેષક બુદ્ધિથી ગ્રાહ્ય થતું નથી.

ગાણિતિક-ભૌતિક વિજ્ઞાનો અને તત્વચિંતનનો ભેદ બર્ગસાંની ર્દષ્ટિએ તેમના કાળ (time) પ્રત્યેના અભિગમની ભિન્નતામાં જોઈ શકાય છે. વિજ્ઞાનોમાં વિશ્લેષક બુદ્ધિ કાળને દિક્ કે અવકાશ(space)ના નમૂના અનુસાર સમજે છે, એટલે કે જેમાં માપનના એકમો ધોરણબદ્ધ છે તેવા સમરૂપ વિસ્તારયુક્ત (extended) માધ્યમ તરીકે કાળનો વિચાર કરવામાં આવે છે. બર્ગસાંની ર્દષ્ટિએ કાળ એ એકબીજા  પછી આવતી છૂટક છૂટક ક્ષણોની અસંબંધિત શ્રેણી નથી. વિજ્ઞાનના ચોક્કસ હેતુઓ માટે કાળને અમૂર્ત, ક્રમિક અને વિભાજિત રીતે વિચારી શકાય છે; પરંતુ તેના અસલ સ્વરૂપમાં કાળને તેના જિવાતા (lived) ધબકતા, મૌલિક અતૂટક રૂપમાં એટલે કે સતત પ્રવાહ(duration)ના રૂપમાં જ સમજી શકાય. વર્તમાનકાળ ભૂતકાળની ક્ષણોને લઈને સાથે ચાલે છે અને ભવિષ્યકાળ બનવા તરફ વહે છે. દરેક ક્ષણ કંઈક નવીનતા લાવે છે. સભાન હસ્તીઓ માટે અસ્તિત્વ ધરાવવું એટલે પરિવર્તન પામવું, પરિવર્તન પામવું એટલે પુખ્તતા પ્રાપ્ત કરવી અને પુખ્તતા મેળવવી એટલે અવિરત પોતાનું નવસર્જન કરતા રહેવું. માણસ વાતાવરણ સાથે નિષ્ક્રિય રીતે સમાયોજિત થતું (adjusted) કોઈ યંત્ર નથી, પણ સભાનતાથી વિકલ્પો વચ્ચે મુક્ત પસંદગી કરીને કાર્યોમાં પોતાના સત્ત્વનો આવિષ્કાર કરનાર હસ્તી છે. યંત્રવાદ, ભૌતિકવાદ અને નિયતિવાદનો બર્ગસાં અસ્વીકાર કરે છે. તેઓ જડતત્વ વિરુદ્ધ ચેતન-તત્વને અને નિયતિવાદ વિરુદ્ધ સંકલ્પસ્વાતંત્ર્યને સ્વીકારે છે. ચેતન અને જીવનને તેઓ સમવ્યાપ્ત ગણે છે. બર્ગસાં જીવનતત્વવાદી કે પ્રાણતત્વવાદી (vitalist) ચિંતક છે. સચેતન રીતે અનુભવાતા પ્રવાહરૂપી કાળ(duration)નું માધ્યમ સ્મૃતિ છે. પસંદગીનું સ્વાતંત્ર્ય (freedom of choice) અમલી બનાવવામાં વિકલ્પો સ્મરણ દ્વારા માણસની ચેતનામાં ઉપસ્થિત થાય છે. તે ઘટના મહત્ત્વની છે.

મન અને શરીર બંને ભિન્ન તત્વો છે. ચેતના મગજ સાથે સંકળાયેલી છે, પણ તેથી બે બાબતોને એક તરીકે ઘટાવી શકાય નહિ. નદીના પટ (river bed) વગર નદીનો પ્રવાહ શક્ય નથી, પણ તેથી તે બંને વચ્ચે અભેદ સ્થાપી શકાય નહિ.

બર્ગસાંનો વિજ્ઞાનો પ્રત્યેનો અભિગમ વ્યવહારવાદી (pragmatist) છે. વિજ્ઞાનો વસ્તુઓ સાથે આપણે કઈ રીતે કામ પાડવું તે શીખવે છે, પણ વસ્તુના અસલી સ્વરૂપનો તે પરિચય કરાવતાં નથી. વિજ્ઞાન વિશ્લેષક બુદ્ધિથી કામ કરે છે તેથી તે વસ્તુઓનું વર્ગીકરણ કરે છે, વિભાજન કરે છે અને દિક્પરક (spatial) ર્દષ્ટિથી વસ્તુઓને એકબીજીથી ભિન્ન અલગ એકમો તરીકે લે છે; પણ વિજ્ઞાનીઓએ કરેલાં વિભાજનો, વર્ગીકરણો કે તેમણે પ્રયોજેલી વિચારકોટિઓ સદવસ્તુઓના મૂળ સ્વરૂપને યથાતથ સમજે છે તેમ માનવા બર્ગસાં તૈયાર નથી. જગતને અલગ અલગ વસ્તુઓના સમૂહ તરીકે ગણવાનું વિજ્ઞાનોનું ર્દષ્ટિબિંદુ વ્યાવહારિક હેતુઓ માટે ઉચિત હશે, પણ તત્વમીમાંસાની ર્દષ્ટિએ તે અપર્યાપ્ત છે. વ્યાવહારિક વર્ગીકરણ કે વિભાજન પારમાર્થિક સતને સ્પર્શતું નથી. કાળના પ્રવાહમાં આપણને આપણા વ્યક્તિત્વ વિશે જે અંતર્જ્ઞાન થાય છે તેને સદવસ્તુના જ્ઞાનના નમૂના તરીકે બર્ગસાં જુએ છે. અંતર્જ્ઞાનનો શ્રેષ્ઠ નમૂનો આપણું આપણા પોતાના વિશેનું જ્ઞાન છે. સદવસ્તુને ભૌતિકશાસ્ત્ર કરતાં જીવવિજ્ઞાનની વિચારકોટિઓ દ્વારા વધુ સારી રીતે સમજી શકાય છે. દિક્-વિષયક કરતાં કાળ-વિષયક (temporal) પરિભાષામાં તે વધુ સારી રીતે સમજી શકાય છે. વિશ્લેષક બુદ્ધિ કરતાં અવ્યવહિત અંત:પ્રત્યક્ષ (intuition) સદવસ્તુને સમજવામાં વધુ ઉપયોગી છે. બર્ગસાંની ર્દષ્ટિએ જડ પદાર્થની તુલનામાં જીવન કે ચેતનને સમજવા માટે જુદી જ તત્વર્દષ્ટિ વિકસાવવી પડે. બધું જ્ઞાન એકસરખી પદ્ધતિથી મળી શકે નહિ.

બર્ગસાં જુદાં જુદાં વિરોધી જોડકાંઓ રજૂ કરે છે – પ્રાણતત્વ વિરુદ્ધ જડ તત્વ, અંત:પ્રત્યક્ષ વિરુદ્ધ તર્કબુદ્ધિ, દિક્ વિરુદ્ધ કાળ, વિજ્ઞાન વિરુદ્ધ તત્વજ્ઞાન વગેરે. સ્થિર કરતાં પ્રવાહરૂપને, ખંડિત કરતાં અખંડને, વિભાજિત કરતાં અવિભાજિતને, અસતત કરતાં સતતને અને અપરિણામી કરતાં પરિણામીને બર્ગસાં વધારે મહત્વ આપે છે. અખંડિત, અવિભાજિત, સતત અને પરિણામી – એ કોટિઓ પરમાર્થ-સતગ્રાહી છે. અંત:પ્રત્યક્ષ પ્રવાહગ્રાહી હોય છે અને તેવા પ્રત્યક્ષથી જ સતનું ગ્રહણ થાય છે, કારણ કે સત્ પોતે જ અવિભાજિત પરિણામી પ્રક્રિયા છે. દિક્-વિષયક બુદ્ધિ કાળ-વિષયક અંતર્જ્ઞાન જેવી હોતી નથી, તેથી  તે વ્યવહારક્ષેત્રે પ્રવર્તે છે અને સફળ રીતે પ્રવર્તે છે, પણ પારમાર્થિક સત્તાને તે પામી શકે તેમ નથી. ચેતના, સંકલ્પ-સ્વાંતત્ર્ય, ઉત્ક્રાંતિ, કાળ અને જીવંત અનુભવ સમજવા માટે યાંત્રિક વિશ્લેષક બુદ્ધિ સમર્થ કે સક્ષમ નથી. બર્ગસાં વિશ્લેષક બુદ્ધિનું સ્થાન અને કાર્ય સ્વીકારે છે, પણ અંત:પ્રત્યક્ષને જ તેઓ સર્વોપરી મહત્વ આપે છે. બર્ગસાં જીવનકેન્દ્રી, ચેતનાકેન્દ્રી અને પ્રવાહકેન્દ્રી ફિલસૂફ છે. સર્જકતા, નવીનતા કે મૌલિકતાને તેઓ વધુ મહત્વ આપે છે. જડ-ચેતનને એકરૂપ કે તાત્વિક રીતે અભિન્ન ગણીને ચેતનાને જડાલયનું યાંત્રિક રૂપાંતર ગણવા તેઓ સંમત નથી.

ઉત્ક્રાંતિ વિશે લેમાર્ક, ડાર્વિન કે સ્પેન્સર કરતાં જુદી રીતે બર્ગસાં વિચારે છે. સંપાદિત (acquired) લક્ષણો વારસા દ્વારા નવી પેઢીમાં ઊતરી આવે છે તેવો લેમાર્કનો મત તેમને માન્ય નથી. અનુકૂળ પરિવર્તનો (variations) કે વિચલનો કુદરતી પસંદગીથી નવા જીવો કે જીવસમૂહોમાં નવા અવયવો પેદા કરે છે તેવો મત પણ બર્ગસાંને માન્ય નથી. ઉત્ક્રાંતિ જડ, અંધ કે યાંત્રિક પ્રક્રિયા નથી. તે બર્ગસાં પ્રમાણે સર્જનાત્મક પ્રક્રિયા છે. કોઈ કલાકારના કલાકૃતિના સર્જન જેવી તે પ્રક્રિયા છે. તેમાં ઘણું નવીન, અણધાર્યું, યાર્દચ્છિક અને અનિયત બને છે. યંત્રવાદ કે હેતુવાદથી ઉત્ક્રાંતિને સમજી શકાય નહિ. બર્ગસાં ઉત્ક્રાંતિના ઉચ્ચતર આવિષ્કારો તરફ દોરી જતા આદિમ મૌલિક પ્રાણતત્વ(elan vital)નો સ્વીકાર કરે છે.

દેશ અને કાળ, જડ અને ચેતન, તર્કબુદ્ધિ અને અંત:પ્રત્યક્ષ, પ્રત્યક્ષ અને સ્મૃતિ, અનુભવાતો કાળપ્રવાહ અને અમૂર્ત કાળ, નિયતિવાદ અને સ્વાતંત્ર્ય વગેરેના અત્યંત તીવ્ર ભેદો રજૂ કરનાર બર્ગસાંનો કાળ અને અંત:પ્રત્યક્ષનો સિદ્ધાંત જ્ઞાનવિષયક તાત્વિક વિવાદોમાં ઠીક ઠીક ચર્ચાયા કરે છે, પરંતુ ઘણા ચિંતકોની ર્દષ્ટિએ બર્ગસાંની વિચારણા વિજ્ઞાનવિરોધી અને મહ્દઅંશે કલ્પનાપ્રધાન (speculative) હોવાથી અસ્વીકાર્ય બની છે. ખરેખર તો પાશ્ચાત્ય તત્વવિચારમાં વિજ્ઞાન ઉપર તત્વમીમાંસા(metaphysics)ની સરસાઈનો આગ્રહ જ બર્ગસાં પછીના દાયકાઓમાં પડતો મુકાયો છે તે જોતાં તેમના કેટલાક આગ્રહો હવે અપ્રસ્તુત ગણાય છે.

બર્ગસાં પછીના ફ્રેન્ચ તત્વચિંતનમાં છેલ્લા પાંચ દાયકાઓમાં હેગેલવાદ, પ્રતિભાસવિચાર (phenomenology), અસ્તિત્વવાદ, નવ્ય માર્કસવાદ, સંરચનાવાદ, અનુસંરચનાવાદ, અનુઆધુનિકતાવાદ વગેરે વિચારપ્રવાહો પ્રચલિત થયા. બર્ગસાં પછી આ પ્રવાહોમાં લેવિનાસ, મારલો પોન્તી, સાર્ત્ર, આલ્થૂસર, રિકૂર, બાર્થ, દેરિદા, ફૂર્કો, લ્યોતાર, બૉદ્રિલાર વગેરે ચિંતકોનું યોગદાન નોંધપાત્ર છે. આ તમામ ચિંતકો જુદી જુદી રીતે મુખ્યત્વે હેગેલ, નિત્શે, માર્કસ, હુસેર્લ અને હાયડેગર – એમ પાંચ જર્મન ફિલસૂફોથી પ્રભાવિત થયા છે. આ સંદર્ભમાં બર્ગસાંની વિચારકોટિઓને લઈને વીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેન્ચ તત્વવિચાર કેમ આગળ ન ચાલ્યો તે સમજી શકાય છે. સમકાલીન યુરોપીય ચિંતનમાં અંત:પ્રત્યક્ષ અંગેના બર્ગસાંના સિદ્ધાંત કરતાં જર્મન ચિંતક હુસેર્લનો તે અંગેનો સિદ્ધાંત વધુ પ્રભાવક રહ્યો છે.

મધુસૂદન બક્ષી