બર્ગર, જૉન (જ. 1926, લંડન) : બ્રિટનના નવલકથાકાર, કલાવિવેચક તથા નાટ્યલેખક. તેમણે ‘સેન્ટ્રલ ઍન્ડ ચેલ્સા સ્કૂલ ઑવ્ આર્ટ’ ખાતે કલાનો અભ્યાસ કર્યો. પછી તેમણે ચિત્રકાર તરીકે તથા ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પરંતુ થોડા જ વખત પછી તે લેખનપ્રવૃત્તિ તરફ વળ્યા.

તેમની માર્કસવાદી વિચારધારા તથા ચિત્રકલાની પાર્શ્વભૂમિકા તેમની નવલકથાના લેખનમાં સતત અને ભારોભાર ડોકાયા કરે છે એ નવલોમાં ‘એ પેન્ટર ઑવ્ અવર ટાઇમ’ (1958), ‘ધ ફુટ ઑવ્ ક્લાઇવ’ (1962) તથા ‘કાકર્સ ફ્રીડમ’ (1964) મુખ્ય છે. ‘જી’ (1972) નામની નવલકથામાં યુરોપમાંથી સ્થળાંતર કરી આવેલા શ્રમજીવીઓની કથા છે અને તેને ‘બુકર પ્રાઇઝ’ મળ્યું હતું.

ઉત્તરાર્ધનાં વર્ષોમાં ફ્રાન્સમાં ખેડૂતોની એક ખેત-વસાહતમાં વસવાટ કરવાનું તેમણે સ્વીકાર્યું; ત્યાં રહીને તેમણે ‘ઇન્ટુ ધેર લેબર્સ’ નામની કથાત્રયી વિશે પુષ્કળ કાર્ય કર્યું. આધુનિક ખેડૂતજીવનની આ મહાકથા તેમણે 1991માં પૂરી કરી.

મહેશ ચોકસી