બર્ક-વાઇટ, માર્ગારેટ (જ. 1906, ન્યૂયૉર્ક સિટી; અ. 1971) : અમેરિકાનાં નામી મહિલા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટી ખાતે કર્યો.
તે પછી તેમણે ઔદ્યોગિક ક્ષેત્રના અને સ્થાપત્ય વિષયના ફોટોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. 1936માં ‘લાઇફ’ સામયિક શરૂ થયું ત્યારે તેનાં સ્ટાફ-ફોટોગ્રાફર અને સહતંત્રી બન્યાં. ‘લાઇફ’ સામયિક માટે તેમણે બીજા વિશ્વયુદ્ધના વિગત-સમાચાર મોકલવાનું કીમતી અને કપરું કાર્ય સંભાળ્યું.

માર્ગારેટ બર્ક-વાઇટ
અમેરિકાનાં સશસ્ત્ર દળો સાથે રહી કામગીરી બજાવનાર તે પ્રથમ મહિલા ફોટોગ્રાફર હતાં. તેમણે મૉસ્કોના ઘેરાના સમાચાર (1941) તથા 1944માં રાજકીય કેદીઓ માટેની અટકાયતી છાવણીઓનો આરંભ થયાના અનોખા હેવાલ મોકલ્યા હતા. કોરિયન યુદ્ધ દરમિયાન તે રાષ્ટ્રસંઘનાં અધિકૃત યુદ્ધ–સંવાદદાતા તરીકે નિમાયાં હતાં.
મહેશ ચોકસી