બર્કૉવિટ્સ, ડેવિડ (જ. આશરે 1953) : માનસિક વિકૃતિ ધરાવતો અમેરિકાનો નામચીન ખૂની. ન્યૂયૉર્કના પોલીસખાતાને લખેલી એક નોંધમાં તેણે પોતાની જાતને ‘સન ઑવ્ સૅમ’ તરીકે ઓળખાવી હતી. 1976–77ના આખા વર્ષ દરમિયાન તેણે ન્યૂયૉર્ક શહેરને ભય અને આતંકના ભરડાથી હચમચાવી મૂક્યું હતું. પ્રેમાલાપમાં મગ્ન થયેલાં યુગલો અથવા એકલદોકલ મહિલાને તે ખૂનનો શિકાર બનાવતો.
એક વખત પાર્કિંગ ટિકિટના કારણે આકસ્મિક રીતે જ તે ઝડપાઈ ગયો. પોતાની કાર ઉપર પાર્કિંગ માટેની ટિકિટ ચોડવામાં આવી તે જોઈ રહ્યો હતો અને ટિકિટ ચોડાઈ ગયા પછી કાર પાસે જઈ તેણે તે ટિકિટના ટુકડેટુકડા કરી નાખ્યા. એક મહિલા એક સ્થળેથી આ બધું જોઈ રહી હતી; તેણે બર્કૉવિટ્સના મુખભાવમાં ન સમજાય તેવું હાસ્ય જોયું અને તુરત પોલીસને આ ઘટનાની જાણ કરી. બર્કૉવિટ્સની કાર શોધી કાઢી પોલીસે તેની ધરપકડ કરી.
ઉન્માદથી પીડાતો હોવાનું બહાનું કાઢી, તેણે પોતાનો કેસ ચાલ્યો ત્યારે એમ જણાવ્યું કે શેતાનનો અવાજ તેને આવાં ખૂન કરવા પ્રેરતો હતો. 1977માં અદાલતના ચુકાદામાં ઉન્માદનું કારણ અસ્વીકાર્ય ઠેરવી, 1977માં તેને 365 વર્ષની કદાચ સૌથી લાંબી કેદની સજા કરવામાં આવી.
મહેશ ચોકસી