બર્કલી, જ્યૉર્જ (જ. 1695; અ. 1753) : આયર્લૅન્ડના ઍંગ્લિકન ચર્ચના બિશપ, આઇરિશ ફિલસૂફ. બર્કલી ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાંથી 19 વર્ષની વયે સ્નાતક થયા હતા. 1707માં તે જ સંસ્થામાં તેઓ ‘ફેલો’ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારપછીનાં છ વર્ષોમાં જ તેમણે તત્વજ્ઞાનમાં યુવાન વયે જ વિવિધ ગ્રંથો દ્વારા મહત્વનું યોગદાન કર્યું હતું. તેમનાં ‘એસે ટોવર્ડ્ઝ એ ન્યૂ થિયરી ઑવ્ વિઝન’ (1709), ‘પ્રિન્સિપલ્સ ઑવ્ હ્યૂમન નૉલેજ’ (1710) અને ‘થ્રી ડાય્લૉગ્સ્ બિટ્વીન હાય્લાસ ઍન્ડ ફિલોનસ’ (1713) એ મુખ્ય પુસ્તકો છે.
જૉન લૉક (1632–1704) અને ડેવિડ હ્યૂમ(1711–76)ની સાથે બર્કલીને આધુનિક અનુભવવાદ(empiricism)ના મુખ્ય પ્રવક્તા ગણવામાં આવ્યા છે. તમામ જ્ઞાનનું મૂળ પ્રત્યક્ષાનુભવમાં જ છે તેવો અનુભવવાદી ર્દષ્ટિકોણ સ્વીકારનારા આ ત્રણે ચિંતકો વચ્ચે જોકે ઘણા મૂળભૂત મુદ્દાઓ અંગે જ મતભેદો પ્રવર્તે છે. દા.ત., લૉક વાસ્તવવાદી છે, બર્કલી વિજ્ઞાનવાદી (idealist) છે અને હ્યૂમ સંશયવાદી છે.
ડેકાર્ટ અને લૉકે ભૌતિક પદાર્થના, મનથી સ્વતંત્ર એવા અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો. બર્કલી બાહ્ય પદાર્થની મનથી સ્વતંત્ર એવી સત્તા (reality) સ્વીકારતા નથી. તેથી તેઓ સ્વતંત્ર બાહ્ય અર્થનો (વસ્તુનો) નિષેધ કરનારા બાહ્યાર્થનિષેધવાદી ગણાય છે. જે કંઈ છે તે મનની સામગ્રીરૂપે જ છે અને મનની સામગ્રી સાથે અનિવાર્ય રીતે સંલગ્ન છે, તેવું માનનારા બર્કલી વિજ્ઞાનવાદી છે.
બર્કલીનો આ અભિગમ સમજવા માટે પહેલાં સર્વસામાન્ય-સમજણની કક્ષાએ બાહ્ય ભૌતિક પદાર્થના અસ્તિત્વ વિશે શું માનવામાં આવે છે તે સમજવું જરૂરી છે.
સર્વસામાન્ય-સમજણ(common-sense)ની કક્ષાએ એક તો આપણે એમ માનીએ છીએ કે સૂર્ય, ચંદ્ર, ખડક, વૃક્ષ કે ટેબલ જેવા બાહ્ય ભૌતિક પદાર્થો આપણે તેનો અનુભવ કરતા હોઈએ ત્યારે તેમજ તેમનો અનુભવ ન કરતા હોઈએ ત્યારે પણ આપણા મનથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં હોય છે, અને બીજું, આપણે આ કક્ષાએ એમ પણ માનીએ છીએ કે કોઈ પણ જાતના વ્યવધાન કે માધ્યમ વગર આપણે વસ્તુને પોતાને જ સીધેસીધી રીતે જાણીએ છીએ; દા.ત., હું ટેબલને જોતો હોઉં કે ફૂલને સૂંઘતો હોઉં ત્યારે હું તે તે વિષયો સાથે જ સીધા સંપર્કમાં આવું છું એટલે કે અનુભવકર્તા અને અનુભવાયેલી વસ્તુ સિવાય ત્રીજું કોઈ ઘટક ધારવાની જરૂર નથી. આ ઉપરાંત, આપણે એમ પણ માનીએ છીએ કે વસ્તુના જે ગુણો જે સ્વરૂપમાં આપણે અનુભવીએ છીએ તે જ ગુણો તે જ સ્વરૂપમાં વસ્તુના પોતાનામાં જ હોય છે. દા.ત., બરફને સફેદ અને ઠંડા પદાર્થ તરીકે આપણે અનુભવીએ છીએ એટલું જ નહિ પણ ઠંડા હોવું અને સફેદ હોવું એ બરફના પોતાના જ ગુણો છે અને આપણે તેનો અનુભવ ન કરતા હોઈએ ત્યારે પણ બરફ ઠંડો જ હોય, કારેલાં કડવાં જ હોય, મરચાં તીખાં જ હોય અને ચંદ્રપ્રકાશ શીતળ જ હોય, તેવું માનવામાં આવે છે.
ઉપર દર્શાવેલી બાબતો અંગે લૉકનો અભિગમ તપાસતાં સમજાય છે કે લૉકે બાહ્ય પદાર્થના ચેતના-નિરપેક્ષ અસ્તિત્વનો તો સ્વીકાર કર્યો જ છે, પણ આપણે બાહ્ય પદાર્થોને જે સ્વરૂપમાં અનુભવીએ છીએ તે જ પદાર્થો આપણે તેને ન અનુભવતા હોઈએ ત્યારે પણ તે જ સ્વરૂપમાં અસ્તિત્વમાં હોય છે તેમ કહી શકાય નહિ. લૉકનો મત વાસ્તવવાદી છે. કારણ કે તેઓ બાહ્ય પદાર્થનું કોઈ પણ વ્યક્તિના મનથી (અનુભવથી) સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારે છે. પરંતુ લૉકનો વાસ્તવવાદ પ્રતિનિધાનાત્મક (representative) વાસ્તવવાદ છે. કારણ કે તેમના મતે આપણે સીધેસીધી રીતે તો હંમેશાં આપણા મનની સામગ્રી(content)ને જ જાણી શકીએ છીએ અને તે સામગ્રી વસ્તુની પ્રતિનિધિરૂપ સામગ્રી તરીકે કામ કરે છે. એટલે કે જ્ઞાતા જ્ઞેયને અવ્યવહિત રીતે જાણતો જ નથી, પણ જ્ઞેય પદાર્થોએ તેના ચિત્તમાં જે અનુભવો ઉત્પન્ન કર્યા હોય તેને જ તે જાણે છે. જ્ઞેય પદાર્થની આપણા ચિત્તે ગ્રહણ કરેલી જે અસરો છે તેને આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં ‘આઇડિયા’ (idea) તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ અર્થમાં ‘આઇડિયા’ શબ્દનો અર્થ વિશાળ છે. જ્યારે વ્યક્તિ વિચારે ત્યારે તેના મનમાં જે કંઈ તાત્કાલિક રીતે ઉત્પન્ન થાય તેને ‘આઇડિયા’ કહેવાય અને આ અર્થમાં પ્રત્યાક્ષાનુભવ, સ્મરણ, કલ્પના, સ્વપ્ન, તરંગ વગેરે જેવી મનની કોઈ પણ બાબતને ‘આઇડિયા’ કહેવાય. દા.ત., ડેકાર્ટ અને લૉક મુજબ આપણે જ્યારે શીતળતાનો, ઉષ્ણતાનો, સ્વાદનો, ગંધનો, રંગનો કે પીડાનો અનુભવ કરતા હોઈએ ત્યારે તે બધા અનુભવોને પણ ‘ideas’ કહેવાય. કોઈના પણ મનની સામગ્રી તરીકે જે કંઈ પ્રવર્તતું હોય તેને ‘idea’ કહેવાય. એટલે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો પ્રત્યક્ષાનુભવ કરતા હોઈએ ત્યારે પણ આપણે માત્ર ‘આઇડિયા’ને જ અનુભવી રહ્યા હોઈએ છીએ. આપણે ચંદ્રના કદ અને આકારમાં તિથિઓ પ્રમાણે વધઘટ થતી જોઈએ છીએ, પણ ખરેખર ચંદ્ર પોતે તે રીતે બદલાતો હોતો નથી. તેનો અર્થ એવો થયો કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે ‘આપણે ચંદ્ર જોઈ રહ્યા છીએ’ ત્યારે આપણે ચંદ્રની આપણા જ્ઞાનતંત્ર ઉપરની અસરો જ અનુભવી રહ્યા હોઈએ છીએ, ચંદ્રને પોતાને નહિ. ધરતી ઉપરથી આકાશમાં ઊડતું વિમાન આપણને નાનું લાગે છે; વિમાનઘરમાં બેઠાં બેઠાં તેને ઉતરાણ કરતું જોઈએ ત્યારે તે મોટું લાગે છે. તેનો અર્થ એટલો જ કે સીધી રીતે તો આપણે આપણા વસ્તુજન્ય અનુભવોને જ જાણીએ છીએ, વસ્તુને પોતાને નહીં. ટૂંકમાં, લૉકના મતે બાહ્ય પદાર્થો આપણાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં છે (વાસ્તવવાદ). અને છતાં બાહ્ય પદાર્થોને આપણે સીધેસીધી રીતે જાણતા હોતા નથી, પણ તેમણે ઉત્પન્ન કરેલી અસરોને આપણે ગ્રહણ કરીએ છીએ (પ્રતિનિધાનવાદ).
પ્રતિનિધાનાત્મક વાસ્તવવાદ રજૂ કરનાર લૉકે દર્શાવેલો પ્રાથમિક (primary) અને દ્વૈતીયિક (secondary) ગુણોનો ભેદ બર્કલીના વિશ્લેષણનું મુખ્ય લક્ષ્ય બન્યો હતો. કદ, આકાર, વિસ્તાર, ઘનતા, ગતિ અને સંખ્યાને લૉકે પ્રાથમિક ગુણો તરીકે માન્યા હતા. પ્રાથમિક ગુણો વસ્તુ પોતે જ ધરાવે છે, એટલે કે તેવા ગુણો વસ્તુમાં જ હોય છે. રંગ, સ્વાદ, ગંધ, ઉષ્ણતા, શીતતા વગેરેને લૉક દ્વૈતીયિક ગુણો તરીકે ઘટાવે છે. આ ગુણો વસ્તુ પોતે ધરાવતી નથી એટલે કે તે ગુણો વસ્તુના પોતાનામાં હોતા નથી. દ્વૈતીયિક કે ગૌણ ગુણો આપણામાં અમુક પ્રકારનાં સંવેદનો ઉત્પન્ન કરવાની વસ્તુઓની શક્તિરૂપે લૉકે સમજાવ્યા છે. દા.ત., સફરજનનું કદ કે આકાર એ સફરજનમાં રહેલા ગુણ છે એટલે કે પ્રાથમિક ગુણ છે, પણ તેનો સ્વાદ એ દ્વૈતીયિક ગુણ છે કારણ કે તે સફરજનમાં રહેલી શક્તિઓ કે વલણોને લીધે આપણામાં સ્વાદનો અનુભવ ઉત્પન્ન કરે છે. લૉકના મતે અવલોકી શકાય તેવી ભૌતિક વસ્તુઓ સૂક્ષ્મ કણો(corpuscles)ની બનેલી હોય છે અને પ્રાથમિક ગુણો અવલોકનગમ્ય વસ્તુઓમાં તેમજ જે કણોની સંરચનારૂપે તે વસ્તુઓ પ્રવર્તતી હોય છે તેમાં પણ હોય છે. માત્ર પ્રાથમિક ગુણો ધરાવતા કણોને લીધે જ તેની સંરચના રૂપે પ્રવર્તતી સ્થૂળ વસ્તુઓ પ્રાથમિક અને દ્વૈતીયિક ગુણો ધરાવી શકે છે. આપણામાં અમુક અનુભવોને (જેવા કે રંગ કે સ્વાદ) ઉત્પન્ન કરનાર વસ્તુની શક્તિઓને તે વસ્તુના દ્વૈતીયિક ગુણો તરીકે લૉકે ઘટાવ્યા છે. આપણા કેટલાક અનુભવો પ્રાથમિક ગુણોનું યથાર્થ પ્રતિનિધાન કરે છે (જેમ કે કદ, આકાર, ગતિના અનુભવો); કેટલાક અનુભવો (રંગ, સ્વાદ) વસ્તુમાં રહેલા. ગુણોનું યથાર્થ પ્રતિનિધાન (correct representation) કરતા નથી. લૉક પ્રમાણે બરફ પોતે સફેદ કે ઠંડો નથી, પણ આકાર અને કદ ધરાવે છે. બરફની સફેદાશ કે ઠંડક માત્ર આપણા અનુભવની જ બાબત છે અને તેવા અનુભવો પ્રાથમિક ગુણો ધરાવતી વસ્તુઓની શક્તિઓને લીધે આપણામાં ઉદભવે છે.
બર્કલી પ્રમાણે જેનો અનુભવ થાય તેનું જ જ્ઞાન શક્ય બને છે તે લૉકનો મત સ્વીકાર્ય છે, પરંતુ લૉકે પોતે જ ગુણોના આશ્રય તરીકે જે અજ્ઞાત ઉપાદાનરૂપ જડ દ્રવ્ય(substance)નો સ્વીકાર કર્યો છે તે તેમના પોતાના અનુભવવાદી અભિગમથી વિરુદ્ધનો છે. એટલે કે લૉકનો અજ્ઞાત ભૌતિક દ્રવ્યનો ખ્યાલ જ બર્કલી સ્વીકારતા નથી. દ્રવ્યના લૉકના ખ્યાલની જેમ જ બર્કલીએ લૉકના પ્રાથમિક અને દ્વૈતીયિક ગુણોના ભેદને જ પડકાર્યો છે. કારણ કે આપણે જો માત્ર સંવેદનોને જ સીધેસીધી રીતે જાણતા હોઈએ તો આપણાં કેટલાંક સંવેદનો વસ્તુના મૂળ ગુણોનું પ્રતિનિધાન કરે છે અને કેટલાંક સંવેદનો વસ્તુના મૂળ ગુણોનું નહિ પણ તેમાં રહેલી શક્તિઓનું પ્રતિનિધાન કરે છે તે પ્રકારનો ભેદ પાડી શકાય તેમ નથી. તેથી જ ચુસ્ત અનુભવવાદી તરીકે અજ્ઞાત ભૌતિક દ્રવ્ય અને તેના બે પ્રકારના ગુણોનો ભેદ સ્વીકારવાનું બર્કલીને માટે અનુભવવાદ સાથે સુસંગત લાગતું નથી. લૉકે દર્શાવેલા પ્રાથમિક અને દ્વૈતીયિક બંને પ્રકારના ગુણો જ્ઞાતાસાપેક્ષ જ છે. આપણા જ્ઞાનના વિષયો આપણાથી સ્વતંત્ર એવી વસ્તુઓ પોતે નહિ, પણ આપણા પોતાના અનુભવો જ છે. બર્કલી મુજબ કશુંય ‘અસ્તિત્વમાં છે’ તેમ કહેવાનો અર્થ એટલો જ કે તેનો આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે અથવા તો તેનો આપણને પ્રત્યક્ષાનુભવ થઈ શકે છે. આમ ‘હોવું’ (to be) એટલે કોઈના દ્વારા પ્રત્યક્ષીકૃત થવું (to be perceived). ખુરશી, ટેબલ, ખડક, ફૂલ, મકાન કે વૃક્ષ, ‘છે’ એમ કહેવાનો અર્થ એ જ કે તે કોઈના પ્રત્યક્ષાનુભવમાં આવે છે અથવા તો આવી શકે છે. ‘હોવું એટલે અનુભવવામાં આવવું’ એ પ્રખ્યાત સૂત્રથી બર્કલીએ ભૌતિક પદાર્થોના અનુભવનિરપેક્ષ સ્વતંત્ર અસ્તિત્વનો નિષેધ કર્યો છે. આ અર્થમાં તેમને સ્વલક્ષી વિજ્ઞાનવાદી (બાહ્યાર્થનિષેધવાદી) તરીકે ઓળખાવવામાં આવે છે. જડદ્રવ્ય (matter) એ કેવળ કલ્પના જ છે, વાસ્તવિકતા નહિ. ભૌતિક દ્રવ્ય ન સ્વીકારનારા બર્કલી એમ નથી કહેતા કે કશુંય અસ્તિત્વમાં નથી. તેમણે કહ્યું છે કે તેમણે માત્ર ‘અસ્તિત્વમાં હોવું’ એ શબ્દપ્રયોગનો અર્થ સ્પષ્ટ કર્યો છે. ટેબલ, ખુરશી, ખડક વગેરે છે જ, પણ તેનો અર્થ એટલો જ કે સંવેદનગમ્ય ગુણોના સમૂહરૂપે આ વસ્તુઓ આપણા અનુભવના વિષયો તરીકે જ એટલે કે ‘ideas’ તરીકે જ છે. બર્કલી કહે છે કે પોતે ફિલસૂફોએ રજૂ કરેલી ભૌતિક દ્રવ્યની વિભાવના નકારી છે, જગતની વસ્તુઓનું અસ્તિત્વ નકાર્યું નથી. જગતમાં અનુભવકર્તાઓ (perceivers) અને અનુભવો (perceptions) જ છે. અનુભવકર્તાઓ સચેતન તત્વો (spirits) તરીકે અસ્તિત્વમાં છે અને તેમના અનુભવો તેમને અધીન હોવાથી તેમના મનની સામગ્રી તરીકે જ તે અસ્તિત્વમાં હોય છે. આપણને ઇન્દ્રિયો દ્વારા થતા અનુભવોને (સંવેદનોને) ‘ideas’ કહેવાય અને આપણા મનમાં ઉદભવતા અનુભવોને ‘thoughts’ કહેવાય. આપણા મનના વિષયો તરીકે આ જ બાબતો છે. બીજી કોઈ બાબતો નહિ. આપણે ટેબલ કે પ્યાલાનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણે વસ્તુનો અનુભવ કરીએ છીએ તેવું માનીએ છીએ. બર્કલી પ્રમાણે ટેબલ કે પ્યાલો પોતે સંવેદનજન્ય ગુણો(sensible qualities)નો સમૂહ જ છે અને આવા સંવેદ્યગુણો તો જ્ઞાતાના મનની સામગ્રી તરીકે જ હોઈ શકે. એ અર્થમાં કહેવાતી બાહ્ય વસ્તુઓ ખરેખર તો આપણા મનની સામગ્રી જ છે. બર્કલી આ અર્થમાં વિજ્ઞાનવાદી (idealist) છે. (idealist શબ્દને અહીં ‘ideal’ સાથે જોડીને તેનો અર્થ આદર્શવાદી લેવાનો નથી.)
બર્કલીના મતમાં આપત્તિ એ છે કે જો બાહ્ય વસ્તુઓ જ્ઞાતાના મનની સામગ્રીરૂપે જ અસ્તિત્વ ધરાવતી હોય તો પછી કોઈ જ્ઞાતા કોઈ ફૂલને કે ખડકને ન અનુભવતો હોય ત્યારે શું તે ખડક કે ફૂલનું અસ્તિત્વ રહેતું નથી એવું માનવું ? બર્કલી પ્રમાણે આપણા અનુભવનું કારણ ભૌતિક પદાર્થ નથી, પણ ઈશ્વર છે. કોઈ પર્વત કે ટેબલને ન અનુભવતું હોય ત્યારે તે ઈશ્વરના પ્રત્યક્ષીકરણના વિષય તરીકે અસ્તિત્વમાં હોય છે. પોતાનાથી ઇતર એવાં બીજાં સચેતન તત્વોનું અને ઈશ્વરનું અસ્તિત્વ તર્કબુદ્ધિ(reason)થી સ્થાપી શકાય છે. ઈશ્વર નિરંતર પ્રત્યક્ષાનુભવ કરે છે. તેથી આપણે કોઈ વસ્તુનો અનુભવ ન કરતા હોઈએ તો પણ તે ઈશ્વરના અનુભવમાં તો હોય છે જ તેથી ‘હોવું એટલે પ્રત્યક્ષીકૃત થવું’ એ મતમાં કોઈ આપત્તિ નથી. વસ્તુના આપણા અનુભવમાં ક્રમ, સંગતિ, વ્યવસ્થા વગેરેનું કારણ અજ્ઞાત ભૌતિક દ્રવ્ય નહિ, પણ ઈશ્વર પોતે જ છે.
બર્કલી પ્રમાણે સ્વતંત્ર ભૌતિક પદાર્થો આપણા અનુભવોનાં કારણો તરીકે સ્વીકાર્ય બનતા નથી. કારણ કે જો આપણાં સંવેદનો-વિચારો સિવાય આપણે કશું જાણતા જ ન હોઈએ તો પછી આપણા અનુભવો અને વસ્તુના ગુણો વચ્ચે અનુરૂપતા છે કે કેમ, તે આપણે જાણી શકીએ નહિ. અજ્ઞાત દ્રવ્યની ધારણા વધારાની અને બિનજરૂરી છે. ધારો કે તે ધારણા સત્ય હોય તો પણ આપણે તેને સત્ય તરીકે જાણી શકીએ નહિ. કારણ કે આપણે માત્ર અનુભવોને જ અવ્યવહિત રીતે (immediately) જાણી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત ચૈતન્યયુક્ત વસ્તુઓ જ સક્રિય હોઈને કારણરૂપ બની શકે, ભૌતિક દ્રવ્ય કારણ તરીકે પ્રવર્તી શકે નહીં. ઈશ્વરના સંકલ્પને લીધે જ આપણને બરફ હંમેશાં ઠંડો અને અગ્નિ ગરમ લાગે છે. આપણે આપણી મરજીથી લીંબુને કારેલા તરીકે કે બરફને અગ્નિ તરીકે અનુભવી શકીએ નહિ. સંવેદનગ્રાહ્ય ગુણોના સમૂહ તરીકે જ બરફ કે ખડક અસ્તિત્વમાં છે અને આવા ગુણો પરિમિત (finite) કે અપરિમિત (infinite) સચેતન તત્વો(spirits)ના ચિત્તની સામગ્રી (contents) તરીકે હોઈ શકે છે. અનુભવકર્તા તરીકે જ્ઞાતાઓના મનનું અસ્તિત્વ બર્કલી સ્વીકારે છે. અનુભવોના મૂળ કારણ તરીકે અજ્ઞાત ભૌતિક ઉપાદાનરૂપ દ્રવ્યને ધારીને અનુભવોનો ખુલાસો કરી શકાય છે, તેવું બર્કલી સ્વીકારતા નથી.
બર્કલી પ્રમાણે ધર્મ અને નીતિ માટે જોખમરૂપ એવા યાંત્રિકવાદનો અને ભૌતિકવાદનો તેમણે સુસંગત વિકલ્પ રજૂ કર્યો છે. મોટાભાગના ફિલસૂફોને જોકે બર્કલીનો આ દાવો અસ્વીકાર્ય લાગે છે. કારણ કે ઈશ્વરની વિભાવના દ્વારા બર્કલી બાહ્ય વસ્તુઓમાં અસ્તિત્વનો ખુલાસો આપે છે જે બુદ્ધિગ્રાહ્ય નથી.
મધુસૂદન બક્ષી