બરુવા, બીરેશ્વર (જ. 1933, સુંદરિદિયા, જિ. બરપેટા, આસામ) : અસમિયા કવિ, વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અનેક માનુહ અનેક ઠાઈ આરુ નિર્જનતા’ માટે 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કૉટન કૉલેજ, ગુવાહાટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અસમિયા ઉપરાંત અંગ્રેજી, બંગાળી અને હિંદી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ 1956માં આસામ સરકારની રાજ્ય સેવામાં જોડાયા અને 1991માં શિક્ષણ, સંસ્કૃતિ અને રમત-ગમત વિભાગના સચિવપદેથી નિવૃત્ત થયા.
વિદ્યાર્થી અવસ્થા દરમિયાન તેમનાં કાવ્યો અને વાર્તાઓ પ્રખ્યાત ‘રામધેનુ’ માસિકમાં પ્રગટ થતાં. 30 વર્ષની વયમાં તેમણે 2 વાર્તાસંગ્રહો, 1 કાવ્યસંગ્રહ અને 3 નવલકથાઓ આપ્યાં છે. અત્યાર સુધીમાં તેમના 30 ગ્રંથો પ્રગટ થયા છે. તેમાં કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ, નવલકથા, આત્મકથા, નિબંધસંગ્રહ, વિવેચન, સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ, બાલસાહિત્ય અને સ્પૅનિશ, ફ્રાંસીસી, અંગ્રેજી અને જર્મનમાંથી અનૂદિત ‘વિશ્વ-કવિતાસંગ્રહ’ નામક કાવ્યસંગ્રહનો સમાવેશ થાય છે. તેમની મુખ્ય કૃતિઓમાં ‘અચિન અરાય’ (1970), ‘ચરાઈ સમુક અરુ નક્ષત્ર’ (1985), ‘નિર્વાચિત કવિતા’ (1987), ‘અન્ય એક જોનક’ (1990) કાવ્યસંગ્રહો; ‘અનેક પુતલાર નચ’ (1961), ‘સંધિક્ષણ’ (1980) નવલકથા; ‘પ્રથમ રાગિણી’ (1960) વાર્તાસંગ્રહ; ‘રામધેનુ જગ આહુ પરાવર્તી કલ’ (1986), ‘સાહિત્ય સાધનાર આભાસ’ (1994) વિવેચનગ્રંથો છે.
સાહિત્યિક પ્રદાન બદલ તેમને આસામ સાહિત્ય સભા ઍવૉર્ડ, ભારતીય ભાષા પરિષદ, કોલકાતા ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તેમની પુરસ્કૃત કૃતિ ‘અનેક માનુહ અનેક ઠાઈ આરુ નિર્જનતા’માંનાં કાવ્યો પ્રગતિશીલ વાચકોના મનમાં પડઘો પાડતી શાંતિનો અનુભવ કરાવે છે. તેની ભાષા એકદમ સ્પષ્ટ છે. તેમાં કોઈ જટિલ ચિત્રો અભિવ્યક્ત કરવામાં આવ્યાં નથી. છતાં એમાંનાં કાવ્યો વાચકને રોકાઈને વિચાર કરતા કરી મૂકે તેવા અત્યંત સંવેદનશીલ મનને ઉજાગર કરતાં હોવાથી આ કૃતિ અસમિયામાં લખાયેલ ભારતીય કવિતાસાહિત્યમાં જુદી ભાત પાડે છે.
બળદેવભાઈ કનીજિયા