બરુવા, બિરંચિકુમાર

January, 2000

બરુવા, બિરંચિકુમાર (જ. 1910, ગૌહત્તી; અ. 1964) : અસમિયા લેખક. તેઓ ‘બીના બરુવા’ના તખલ્લુસથી પણ લખતા હતા. માધ્યમિક શિક્ષણ ગૌહત્તીમાં તથા ઉચ્ચ શિક્ષણ કલકત્તામાં. કલકત્તા વિશ્વવિદ્યાલયમાં એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ આવતાં જ ગૌહત્તી વિશ્વવિદ્યાલયમાં અસમિયાના અધ્યાપક તરીકે નિયુક્ત થયા અને મૃત્યુ સુધી અધ્યાપન કર્યું.

એમની 2 નવલકથાઓ, 2 નવલિકાસંગ્રહો અને 5 વિવેચનસંગ્રહો પ્રકાશિત થયા છે. એમની પ્રથમ નવલકથા ‘જીવનાર બાતાત’(જીવનના ધોરી રસ્તા પર, 1944)માં આસામના ગ્રામીણ જીવનનાં બધાં પાસાંનું ચિત્રણ થયું છે અને એના દ્વારા અસમિયા જાનપદી નવલકથાનાં પગરણ મંડાયાં. એમાં એમણે લોકબોલીનો જ પ્રયોગ કર્યો છે. એમની બીજી નવલકથા ‘સેઉજી પાનાર કાહિની’ (લીલાં પાંદડાંની કહાણી, 1951) એમણે ‘રસના બરુવા’ના તખલ્લુસથી લખી છે. તેમાં એમણે આસામના ચાના બગીચામાં કામ કરતા મજૂરોની કરુણ અને હૃદયદ્રાવક અવસ્થાનું માર્મિક ચિત્રણ કર્યું છે. એમના 2 વાર્તાસંગ્રહો છે. ‘પથપરિવર્તન’(1948)માં કૉલેજકન્યાઓના પ્રણયસંબંધોનું વિવિધ ર્દષ્ટિકોણથી ચિત્રણ કર્યું છે. એમના બીજા સંગ્રહ ‘અંઘોની બાઈ’(1950)માં દૂરના ગ્રામાંચલના તથા આદિવાસી વિસ્તારના જનજીવનને સ્પર્શતી સમસ્યાઓનું નિરૂપણ છે. એમના વિવેચનસંગ્રહો ‘કાવ્ય આરુ અભિવ્યંજના’ (1941), ‘અસમિયા સાહિત્ય’ (1959) અને ‘અસમેર લોકસંસ્કૃતિ’ (1961) ઉલ્લેખનીય છે. ‘અસમેર લોકસંસ્કૃતિ’ને 1961ના વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તક તરીકે કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી ઍવૉર્ડ મળ્યો છે. એ એ પ્રકારનું અસમિયા ભાષાનું પ્રથમ પુસ્તક છે. એમાં આસામના શહેરી, પહાડી વિસ્તાર તથા આદિવાસીઓ વિશે, અસમિયા સાહિત્ય, ઇતિહાસ, કળા વગેરે વિશેની વિસ્તૃત માહિતી આપી છે. એમણે ‘અંકિયાનત આરુ મહામોહા કાવ્ય’ પુસ્તકમાં પ્રાચીન કાવ્યનું સંશોધન અને સંપાદન કર્યું છે. એમણે ‘અબેલાર નાટ’ (1955) એકાંકીમાં જૂની અને નવી પેઢી વચ્ચેની ખાઈની સમસ્યા ર્દશ્યાંકિત કરી છે. ‘સ્વિટ્ઝરર્લૅન્ડભ્રમણ’ (1948) એમનું પ્રવાસપુસ્તક છે. આમ તેમનું આસામના પ્રથમ કક્ષાના સાહિત્યકાર તરીકે અનેરું સ્થાન છે.

ચન્દ્રકાન્ત મહેતા