બરાક, એહુદ (જ. 1942, મિશમાર હાશરોન કૃષિ વસાહત) : ઇઝરાયલના બાહોશ લશ્કરી અધિકારી, પૂર્વ સેનાધ્યક્ષ તથા રાજકીય મુત્સદ્દી. ફરજિયાત લશ્કરી કાયદા (conscription) હેઠળ 1959માં દેશના લશ્કરમાં સૈનિક તરીકે જોડાયા ત્યારથી 1994 સુધીની કારકિર્દી દરમિયાન અનેક મહત્વનાં પદો પર કામ કર્યું, દા.ત., ટૅન્ક બ્રિગેડ કમાન્ડર, બખ્તરબંધ પાંખના ડિવિઝન કમાન્ડર, દેશની ખુફિયા એજન્સીના વડા, ટૅન્ક બટૅલિયન કમાન્ડર, લશ્કરની આયોજન-શાખાના વડા, લેબનન ખાતે 1982માં સક્રિય કામગીરી માટે મોકલવામાં આવેલ લશ્કરના નાયબ સેનાપતિ, લશ્કરની મધ્યસ્થ કમાન્ડના સેનાપતિ, નાયબ સેનાધ્યક્ષ તથા ત્યારપછી ઇઝરાયલના લશ્કરના લેફ્ટેનન્ટ જનરલના સર્વોચ્ચ હોદ્દા સાથે સરસેનાપતિ (1991).

એહુદ બરાક
લશ્કરની આ પ્રદીર્ઘ કારકિર્દી દરમ્યાન તેમણે માત્ર 6 દિવસ ચાલેલ ઇઝરાયલ-આરબ યુદ્ધમાં; 1973ના યોમ કિપ્પુર યુદ્ધમાં, સિનાઈ તરફના મોરચા પરની ભારેખમ લડાઈમાં; 1982ના ‘પીસ ફૉર ગૉલિલી’ નામક લશ્કરી અભિયાનમાં; 1994માં ઇઝરાયલ-પૅલેસ્ટાઇન મુક્તિમોરચા (PLO) વચ્ચે સધાયેલ સંધિ હેઠળ ગાઝાપટ્ટી અને જેરિકો વિસ્તારમાં ઇઝરાયલી સેનાની પુન:ગોઠવણીની કામગીરીમાં; 1994માં ઇઝરાયલ-જૉર્ડન વચ્ચેની શાંતિ-સંધિની વાટાઘાટો વગેરેમાં પોતાના દેશના લશ્કરની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરે તેવી શકપ્રવર્તક કામગીરી કરી હતી; જે ધ્યાનમાં લઈ તેમને 1991માં દેશના લશ્કરના સર્વોચ્ચ સેનાપતિ પદ પર બઢતી આપવામાં આવી તથા દેશના લશ્કરના સર્વોચ્ચ સન્માનરૂપ ‘ડિસ્ટિંગ્વિશ્ડ’ સર્વિસ મેડલ તથા અન્ય ચાર સન્માનદ્યોતક પ્રશસ્તિ-પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં.
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત જુલાઈ 1995માં થઈ હતી. તે વર્ષે તેમને આંતરિક બાબતોના મંત્રીપદે નીમવામાં આવ્યા હતા. નવેમ્બર 1995થી જૂન 1996 દરમિયાન તેઓ દેશના વિદેશખાતાના પ્રધાન રહ્યા હતા. 1996–99 દરમિયાન તેઓ લેબર પાર્ટીના અધ્યક્ષ તથા સંસદના સભ્ય રહ્યા હતા અને મે 1999માં દેશના પ્રધાનમંત્રી-પદે તેમની ચૂંટણી કરવામાં આવી હતી, જે પદ પર તેઓ હાલ કામગીરી કરી રહ્યા છે.
અમેરિકાની મધ્યસ્થી હેઠળ ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન મુક્તિ-મોરચા દરમિયાન મંત્રણાઓની જે શૃંખલા યોજવામાં આવી રહી છે તેમાં પૅલેસ્ટાઇનના પ્રશ્નનું સુખદ સમાધાન શોધવામાં તેમની ભૂમિકા મહત્વની રહી છે.
લશ્કરની કામગીરીની સાથોસાથ તેમણે વિદ્યાકીય ક્ષેત્રમાં વિકાસ સાધવાના સફળ પ્રયાસ કર્યા છે; દા.ત., 1976માં તેમણે ભૌતિકશાસ્ત્ર અને ગણિત આ બે વિષયો સાથે હીબ્રૂ યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી તથા 1978માં અમેરિકાની સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટીની એમ.એસસી.ની પદવી એન્જિનિયરિંગ તથા આર્થિક પદ્ધતિઓ જેવા વિષયો સાથે પ્રાપ્ત કરી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
રક્ષા મ. વ્યાસ