બરહમન, ચંદ્રભાણ (જ. આશરે 1574–75, લાહોર) : ભારતના ફારસી સાહિત્યના લેખકોમાંના સૌપ્રથમ હિંદુ લેખક. તેમની કામગીરી મુખ્યત્વે શાહજહાંના સમયમાં જોવા મળે છે. તેમનું પૂરું નામ રાયચંદ્રભાણ લાહોરી હતું. લાહોર તેમનું વતન હતું. તેમના પિતા ધરમદાસ, મુલ્લા અબ્દુલ હકીમ સિયાલકોટીના શિષ્ય હતા. બ્રાહ્મણ કુટુંબની પરંપરા મુજબ સંસ્કૃત અને હિન્દીનો તેમણે અભ્યાસ કર્યો હતો અને ફારસીનું પણ ઉચ્ચકક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. નસ્તાલીક અને ખતે શિકસ્તા જેવી સુલેખનકળામાં પણ તે નિપુણ હતા. તેઓ સૌપ્રથમ લાહોરના મુખ્ય ઇજનેર મીર અબ્દુલ કરીમની સેવામાં રહ્યા અને તેમની પાસેથી શિક્ષણ પણ મેળવ્યું. ત્યારપછી થોડા સમય સુધી અફઝલખાન સાથે રહ્યા અને છેવટે મુઘલ શહેનશાહ શાહજહાંની સેવામાં જોડાયા. શાહજહાં તેમને ફારસી જાણનાર હિંદુ કહેતા. ચંદ્રભાણ બરહમનથી સૌથી વધુ પ્રભાવિત શાહજાદા દારા શિકોહ હતા. બરહમન તેમના મુન્શી તરીકે પણ રહેલા. દારા શિકોહ બરહમનનાં કાવ્યોની સરળતા ને સૂફીવાદી વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા. દારા શિકોહની હયાતી સુધી તેઓ તેમની સેવામાં રહ્યા અને તેમના અવસાન બાદ બનારસ ચાલ્યા ગયા. તેમણે શેષ જીવન પ્રાર્થના અને ભક્તિમાં વિતાવ્યું.
શાહી દરબાર ઉપરાંત બરહમનના આશ્રયદાતાઓમાં મુલ્લા અબ્દુલકરીમ, ઇનાયતખાન, અફઝલખાન, અલ્લામી સઆદુલ્લાખાન અને ઓમેદુલમુલ્ક જાફરખાન વગેરે મુખ્ય હતા.
બરહમન ચંદ્રભાણ ફારસી ગદ્ય-પદ્યના સારા લેખક હતા. તેમની કૃતિઓમાં તેમના ઉમદા ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું પ્રતિબિંબ જોવા મળે છે. તેઓ એક સાચા સૂફીની માફક સંસારમાં રહીને સંસારથી વિરક્ત રહેતા હતા. તેમણે પોતાની રચનાઓમાં શેખ અબુલ ફઝલ અલ્લામીની શૈલીનું કેટલીક જગ્યાએ અનુકરણ કર્યું છે. તેમની વિશેષ પ્રસિદ્ધ ગદ્યકૃતિ ‘ચહાર ચમન’ છે. તેની રચના 1647માં થયેલી.
તેના પ્રથમ ‘ચમન’માં શાહી દરબારના વિવિધ પ્રકારના ઉત્સવોનું વર્ણન છે; બીજામાં શાહી દરબારની ભવ્યતા તથા શાહજહાંની રોજનીશી અને તેણે વસાવેલા નવા પાટનગર જહાનાબાદ તથા કેટલાંક મુખ્ય શહેરોની વિગતોનો સમાવેશ છે. ત્રીજા ‘ચમન’માં લેખકના જીવન અને તેમના પત્રવ્યવહારની માહિતી છે તથા ચોથામાં લેખકના ધાર્મિક અને નૈતિક વિચારોનું નિરૂપણ છે. ‘ચહાર ચમન’ મુઘલ યુગ દરમિયાન રચાયેલ શ્રેષ્ઠ ગદ્યકૃતિઓમાંની એક છે. બરહમનની ગઝલોમાં લાલિત્ય, સરળતા, સાદગી અને ઉચ્ચ કલ્પનાશક્તિ જોવા મળે છે. તેમની ગઝલો એક પ્રકારના દર્દ અને લાગણીઓથી સભર છે. તેમાં અનુકંપા અને આત્મીયતા અનુભવવા મળે છે. તેમની ગઝલોમાં સંતોષ, ફકીરી, ધર્મનો ઉત્સાહ, નમ્રતા, કરુણા, પશ્ચાત્તાપ, સહનશીલતા અને તેમની નિખાલસતા અસરકારક શૈલીમાં રજૂ થયાં છે.
બરહમનની ‘ચહાર ચમન’ ઉપરાંત બીજી મહત્ત્વની ફારસી રચનાઓમાં ‘ગુલદસ્તહ’, ‘તોહફતુલ અન્વાર’, ‘તોહફતુલ ફુસહા’, ‘મુજમઉલ ફુકરા’, ‘મુન્શાતે બ્રાહમીન’, ‘ફારસી દીવાન’ તથા ‘રુકઆતે બ્રાહમન’ મુખ્ય છે.
ઈસ્માઈલ કરેડિયા