બરસીમના રોગો : પ્રતિકૂળ જમીન અને વાતાવરણને અધીન બરસીમ વનસ્પતિને થતા જાતજાતના રોગો. બરસીમ કઠોળવર્ગનો ઘાસચારાનો મુખ્ય પાક છે. બરસીમને અનેક વ્યાધિજનથી 70 પ્રકારના રોગ થાય છે. તેમાં જીવાણુ, ફૂગ, વિષાણુ, કૃમિ, માઇકોપ્લાઝમા અને સપુષ્પ પરોપજીવી વનસ્પતિના આક્રમણથી થતા રોગોનો સમાવેશ થાય છે. તે પૈકીના નીચે જણાવેલા રોગ દર વર્ષે નુકસાન કરે છે :

1. જીવાણુથી થતો સુકારો : કોરીનોબૅક્ટેરિયમ નામના જીવાણુ બરસીમના છોડનો સુકારો કરે છે. જખમો મારફતે આ જીવાણુઓ છોડમાં દાખલ થાય છે, જે પાણીના વાહીપુલો(xylem)માં દાખલ થઈ વૃદ્ધિ પામી તેમાં અડચણ પેદા કરે છે. આ રોગને લીધે છોડનાં પાન પીળાં થાય છે અને તેની વૃદ્ધિ અટકી જવાથી છોડ બટકો રહે છે. રોગિષ્ઠ છોડનાં પાન પીળાં લીલાં ધાબાંવાળાં, નાનાં અને કિનારેથી વળેલાં હોય છે. ગરમ અને સૂકા વાતાવરણમાં છોડની ટોચ ચીમળાઇને ઢળી પડે છે અને છોડ સુકાઈને મરી જાય છે. કાપણી બાદના લામ છોડો બટકા રહે છે, જે આ રોગનું આગવું લક્ષણ છે અને તેનું મુખ્ય મૂળ પીળું નારંગી રંગનું થઈ જાય છે.

આ રોગના જીવાણુઓ કેટલેક અંશે બીજાણુજન્ય છે, તેમ છતાં રોગિષ્ઠ છોડના અવશેષોમાં જીવતા રહે છે. રોગના નિયંત્રણ માટેના ઉપાયો : (1) રોગપ્રતિકારક જાતો વાવવી; (2) જમીનમાં ફૉસ્ફરસ અને પૉટાશ-ખાતરનું પ્રમાણ વધારે વાપરવું; (3) રોગિષ્ઠ પાકની લણણી બાદ સાધનોને નિર્જીવીકૃત કરી ઉપયોગમાં લેવાં; (4) વધારે લામ પાક ન લેવા; (5) રોગિષ્ઠ ખેતરમાંથી પાણી તંદુરસ્ત પાકવાળા ખેતરમાં જવા દેવું નહિ.

2. ડાળીનો જીવાણુથી થતો સુકારો : આ રોગ સુડોમોનાસ પ્રજાતિના જીવાણુથી થાય છે. સામાન્ય રીતે આ રોગથી વિશેષ નુકસાન થતું નથી.

3. જીવાણુથી થતાં પાનનાં ટપકાં : આ રોગ ઝેન્થોમોનાસ પ્રજાતિના જીવાણુથી થાય છે. આ રોગ પણ ક્યારેક જોવા મળે છે. પાકને બીજ-ઉત્પાદન માટે રાખતાં, પાકની પાછલી અવસ્થામાં આ રોગથી નુકસાન થાય છે.

4. કાળી ડાળી અને પાનનાં ટપકાંનો રોગ : આ રોગ ફોમા પ્રજાતિની ફૂગથી થાય છે. રોગની શરૂઆતમાં પાન અને ડાળી ઉપર અસંખ્ય કાળાં ટપકાં પેદા થાય છે, જે વિકસિત થતાં એકબીજાં સાથે ભળી જાય છે અને ડાળી અને પાનનો સુકારો કરે છે. પાન પીળાં થઈ ખરી પડે છે અને ડાળીઓ કાળી થઈ સુકાઈ જાય છે. પાકની પાછળની અવસ્થામાં ફૂગ શિંગો અને દાણા પર પણ કાળા ડાઘા પાડે છે. જીવાતના ઉપદ્રવવાળા પાકમાં રોગની તીવ્રતા વધારે જોવા મળે છે.

આ વ્યાધિજન્ય ફૂગ રોગિષ્ઠ છોડના અવશેષોમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે અને અનુકૂળ સંજોગો મળતાં ફરીથી ક્રિયાશીલ બની વિકાસ પામે છે. રોગિષ્ઠ છોડ પર મેન્કોઝેબ જેવી ફૂગનાશકનો છંટકાવ કરવાથી રોગની ફૂગ નાશ પામે છે.

5. સરકોસ્પોરાનાં પાનનાં ટપકાં અને કાળી ડાળીનો રોગ : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. રોગની શરૂઆત પાન ઉપર ભૂખરાં કે રતાશ પડતાં ભૂખરાં ગોળ મોટાં ટપકાંથી થાય છે. ત્યારબાદ પર્ણદંડ અને ડાળીઓ ઉપર તેમના પ્રસરવાથી તેના પર ઘાટા ભૂખરા રંગનાં લંબગોળ કે રેખા આકારનાં ટપકાં જોવા મળે છે. આ ટપકાંઓ રાખોડી રંગનાં થઈ જાય છે. તેમાં મોટી સંખ્યામાં ફૂગના બીજાણુઓ પેદા થાય છે.

રોગવાળા પાકની પૌષ્ટિક ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ જાય છે. પાકમાં રોગ લાગતાં તેનો એવો અસરગ્રસ્ત ભાગ દૂર કરીને તેને બચાવી શકાય છે.

6. કાલવ્રણ : આ રોગ કોલેટ્રોડ્રાયકમ પ્રજાતિની ફૂગથી થાય છે. તે જવલ્લે જ નુકસાન કરે છે. ડાળીમાં ફૂગનું આક્રમણ થતાં વનસ્પતિ પર કાળાં જાંબુડી રંગ બેઠેલાં ચાઠાં જોવા મળે છે. આ ચાઠાંઓ જમીન પાસેના ભાગમાં ઝડપથી વૃદ્ધિ પામી ડાળીનો સુકારો કરે છે. આ ચાઠાંઓમાં ફૂગધાનીઓ ગુચ્છામાં પેદા થાય છે; જે ઊપસેલી છાલ નીચે ઢંકાયેલી જોવા મળે છે.

રોગપ્રતિકારક જાતની વાવણી કરવાથી રોગનું નિયંત્રણ થઈ શકે છે.

ગેરુ : આ રોગ ચારા પર યુરોમાયસિસ પ્રજાતિની ફૂગથી થાય છે. પાન ઉપર ફૂગનું આક્રમણ થતાં તેના પર રતાશ પડતાં ભૂખરાં ટપકાં પેદા કરે છે, જેમાં ફૂગના યુરિડોસ્પોર બીજાણુઓનું નિર્માણ થતાં ટપકાંની ઉપરની સપાટી ફોલ્લા કે ચાઠાં રૂપે ઊપસી આવે છે. બીજાણુઓનો વિકાસ થતાં તેઓ ઉપરનું પડ તોડી હવામાં ફેલાઈ જાય છે અને રોગનો ફેલાવો ઝડપી બને છે. આ ફૂગ ક્યારેક ડાળી ઉપર પણ ઘાટાં નારંગી રંગનાં ચાઠાં પણ કરે છે. તેનાથી કુમળી ડાળીઓ સુકાઈ જાય છે. દ્વિતીય આક્રમણમાં અનુકૂળ વાતાવરણ હોય તો આ રોગ પાકને ખૂબ જ નુકસાન કરે છે. પરિણામે પાકનું પ્રમાણ ઘટે છે. ઉપરાંત તેની અસર પાકની ગુણવત્તા પર પણ થાય છે. પાક પરિપક્વ થતા પહેલાં ચારા માટે લઈ લેવાથી એ રોગ નિયંત્રણમાં આવે છે. પાકની શરૂઆતમાં ચારાને ચેપ લાગ્યો હોય કે તુરત જ મેન્કોઝેબ જેવી ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે છે. જો પાક ચારા માટે ઉગાડેલો હોય તો તેના પર કાપણીના એક માસ અગાઉ દવા છાંટવાની બંધ થાય છે.

7. સુકારો (વિલ્ટ) : આ રોગ ફ્યુઝેરિયમ પ્રજાતિની ફૂગથી થતો એક જમીનજન્ય રોગ છે. છોડનો સુકારો કૂંડાળામાં ફેલાતો જોવા મળે છે. ફૂગના આક્રમણની શરૂઆત થતાં છૂટાછવાયા છોડો મૂરઝાવા લાગે છે, ક્રમશ: છોડ ઉપરનાં પાન પીળાં થઈ સુકાઈને લબડી પડે છે, પણ તે સુકાયેલાં પાન લાંબા સમય સુધી ખરતાં નથી.

આ રોગના ચેપથી છોડના મુખ્ય મૂળ અને થડના જમીન પાસેના ભાગ ઉપર ઝાંખા કાળા ડાઘા જોવા મળે છે. મૂળ ઉપરની છાલ પણ કાળી થાય છે અને તેનાં તંતુમૂળ (root fibers) પણ સડી જઈ કાળાં છાલ વગરનાં બને છે. રોગવાળા છોડનાં મૂળ અને થડને ચીરીને નિરીક્ષણ કરવાથી તેની અન્નવાહિની અને જળવાહિનીઓ પણ કાળી પડી ગયેલી જોવા મળે છે; કારણ કે વ્યાધિજન્ય ફૂગ મૂળમાં છોડની અન્નવાહિની અને જળવાહિનીમાં પ્રવેશ કરી વૃદ્ધિ પામેલી હોય છે અને તેથી તેમાં ખોરાક અને પાણીનું વહન થતું અટકી જાય છે અને વૃદ્ધિ પામેલ ફૂગ મૂળમાં ફ્યુઝેરિક ઍસિડ જેવાં ઝેરી રસાયણો પેદા કરે છે. આમ ખોરાક તેમજ પાણીની અછત અને ઝેરી રસાયણોની પ્રતિકૂળ અસરને લીધે છોડ ઝડપથી સુકાઈને મરી જાય છે. ફૂલ આવવાની અવસ્થામાં છોડ ઉપર આ ફૂગનું આક્રમણ થતાં તેને તુરત જ હાનિ પહોંચે છે.

આ રોગના નિયંત્રણ માટે : (1) રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી પડે છે; (2) બીજજન્ય ફૂગનો નાશ કરવા કૅપ્ટાન, થાયરમ કે કાર્બનડાઝિમ જેવી દવાઓનો પુટ આપી બીજની વાવણી કરાય છે અને (3) ધાન્ય પાક સાથે આ પાકની ફેર-બદલી થાય છે.

8. વિષાણુઓથી થતા રોગો : બરસીમનો આલ્ફાલ્ફા વામતા અને પંચરંગિયો બંને વિષાણુથી થતા રોગો છે. રોગોનો ફેલાવ ચૂસિયા પ્રકારની જીવાતથી થાય છે અને જો પૂરતી કાળજી લેવામાં ન આવે તો ચારાનું ઉત્પાદન ખૂબ જ ઘટી જાય છે. વિષાણુના નિયંત્રણ માટે કોઈ દવા નથી, તેથી આ રોગ ફેલાવતી ચૂસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ શોષક પ્રકારની દવા છાંટવાથી ઘટાડી શકાય છે.

9. અમરવેલ : નીલકણના અભાવમાં પરોપજીવી જીવન પસાર કરતી તાંતણા જેવા આકારની આ વેલ યજમાન વનસ્પતિની ડાળીની ફરતે વીંટાઈ જાય છે. યજમાન છોડની ડાળીના સંપર્કમાં આવતા ભાગમાંથી આ વેલ મૂળ વડે ખોરાક ચૂસી લે છે. તેથી યજમાન છોડને હાનિ થાય છે. આમ અમરવેલ વડે ઉદભવતા બરસીમ રોગના નિયંત્રણ માટે, (1) અમરવેલના બીજ વિનાનું બિયારણ પસંદ કરવું જરૂરી છે; (2) અમરવેલવાળો ચારો ઢોરને ખવડાવવાનું ટાળવું પડે છે; (3) અમરવેલથી પ્રભાવિત ખેતરમાંથી પાણીને તંદુરસ્ત ખેતર તરફ લઈ જવાનું રોકવું પડે છે; (4) રોગવાળા પાકને બાળીને તેનો નાશ કરવો પડે છે અને ખેતરને ઊંડી ખેડ કરી ઉનાળામાં તપાવીને અને પાંચ વર્ષ સુધી આવા ખેતરમાંથી યજમાન પાક ન લેવાય એમ કરાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ