બરસાત (1949) : બે પ્રેમીઓના ઉત્કટ પ્રેમનું નિરૂપણ કરતું સફળ હિન્દી ચલચિત્ર. ભાષા : હિંદી, શ્વેતશ્યામ. નિર્માણ-સંસ્થા : આર. કે. ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક : રાજ કપૂર. કથા-પટકથા-સંવાદ : રામાનંદ સાગર. ગીત : હસરત જયપુરી, શૈલેન્દ્ર, રમેશ શાસ્ત્રી, જલાલ માહિલાબાદી. છબીકલા ; જાલ મિસ્ત્રી. સંગીત : શંકર-જયકિશન. મુખ્ય કલાકારો : રાજ કપૂર, નરગિસ, પ્રેમનાથ, નિમ્મી, બી. એમ. વ્યાસ. કુક્કુ, કે. એન. સિંઘ, સુશીલાદેવી, પ્રકાશ અરોડા, વિશ્વ મહેરા, માસ્ટર સૅન્ડો.
કાશ્મીરના રમણીય પ્રદેશમાં આકાર લેતી આ પ્રણયકથામાં પ્રાણ અને ગોપાલ એ બે શ્રીમંત મિત્રો છે. તેઓ કાશ્મીર ફરવા આવે છે. શિકારા-માલિકની દીકરી રેશમા સાથે પ્રાણ અને નીલા સાથે ગોપાલ પ્રેમમાં પડે છે. ગોપાલને મન પ્રેમ એ માત્ર શારીરિક આકર્ષણ છે, જ્યારે પ્રાણ પ્રેમને પવિત્ર તથા બે આત્માઓનું મિલન માને છે. તે પોતાના પ્રેમને પામવા હરસંભવ કોશિશ કરે છે, જ્યારે ગોપાલ પોતાના પ્રેમને ભૂલી જાય છે. નીલા પોતાના પ્રેમીના વિરહમાં ઝૂરીઝૂરીને અંતે મોત વહાલું કરે છે. જ્યારે રેશમાના પ્રેમ અંગે તેનાં કુટુંબીઓ અને સમાજને જાણ થાય છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવે છે. જોકે અંતે સાચા પ્રેમનો વિજય થાય છે.
આ ચિત્રનાં કર્ણપ્રિય ગીતો – ‘હવા મેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલ કા’, ‘બરસાત મેં હમ સે મિલે તુમ, સજન’, ‘મૈં જિંદગી મેં હરદમ રોતા હી રહા હૂં’, ‘તિરછી નજર હૈ, પતલી કમર હૈ’, ‘જિયા બેકરાર હૈ આયી બહાર હૈ’, ‘મેરી આંખો મેં બસ ગયા કોઈ રે’, ‘અબ મેરા કૌન સહારા’, ‘છોડ ગયે બાલમ’, ‘મુઝે કિસી સે પ્યાર હો ગયા’ ખૂબ જ લોકપ્રિય રહ્યાં છે.
હરસુખ થાનકી