બરબેરિસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બરબેરિડેસી કુળની એક પ્રજાતિ. તે એશિયા, યુરોપ અને અમેરિકાના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે થાય છે. ભારતમાં તેની લગભગ 77 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Berberis angulosa. Wall, ex Hook. f. & Thoms B. aristata DC., B. asiatica Roxb. ex. DC., B. coriaria Royle ex Lindl., B. insignis Hook. f. & Thoms., B. lycioides stapf., B. lycium Royle., અને B. umbellata Wall. ex G. Don. જેવી કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં તેનાં સુંદર પર્ણો માટે અને માંસલ, એસિડિક, ખાદ્ય અનષ્ઠિલ ફળો માટે ઉગાડવામાં આવે છે. તેમના વિપથગામી (straggling) સ્વરૂપને કારણે આ જાતિઓ વાડ બનાવવામાં ઉપયોગી થાય છે.

આયુર્વેદિક ઔષધનો મુખ્ય સ્રોત B. aristata (સં., બં. दाऱुहरिद्रा; હિં. दाऱुहल्दी; ગુ. દારુહળદર) છે. આ જાતિ નેપાળની મૂલનિવાસી છે. ઔષધ ઉત્પન્ન કરતી અન્ય જાતિઓમાં B. asiatica, B. chitria  Lindl., B. coriaria., b. floribunda Wall. ex G. Don., B. lycium, B. tinctoria Lesch., B. umbellata અને B. virescens Hook. f. & Thomsનો સમાવેશ થાય છે. ભારતમાં આ જાતિઓ હિમાચલપ્રદેશના છાંબ અને ઉત્તરપ્રદેશના તેહરી-ગરવાલ જિલ્લામાં થાય છે અને 3.0થી 6.0 મી. ઊંચાઈ ધરાવે છે. તેનાં મૂળ ઑગસ્ટથી સપ્ટેમ્બર માસ સુધીમાં મોટા જથ્થામાં એકત્રિત કરવામાં આવે છે અને છાંબ, દહેરાદૂન અને હરદ્વારના ઔષધ-બજારમાં વેચવામાં આવે છે. તે પીળાશ પડતા બદામી રંગનાં નળાકાર, વધતે-ઓછે અંશે ગાંઠોવાળાં અને કઠણ હોય છે. તેના ટુકડાઓનો મહત્તમ વ્યાસ 45 મિમી. જેટલો હોય છે. તેની છાલ અંદરની તરફ ઘેરી બદામી અને પોચી હોય છે. ઔષધનું ચૂર્ણ ચકચકિત પીળા રંગનું, ઓછી સુગંધીવાળું અને સ્વાદમાં કડવું હોય છે.

મૂળ અને પ્રકાંડની છાલ વિવિધ પ્રકારનાં ઍલ્કેલૉઇડ ધરાવે છે. તેમનું પ્રમાણ 2.0 %થી 4.0 % જેટલું હોય છે. તે પૈકી મુખ્ય સક્રિય ઍલ્કેલૉઇડ બરબેરિન છે. વિવિધ જાતિઓમાંથી અલગ કરવામાં આવેલાં ઍલ્કેલૉઇડ નીચેની સારણીમાં આપવામાં આવ્યાં છે.

બરબેરિસની વિવિધ જાતિઓમાંથી પ્રાપ્ત કરવામાં આવેલાં ઍલ્કેલૉઇડ

ક્રમ જાતિનું નામ વનસ્પતિ-અંગ ઍલ્કેલૉઇડ
1. B. aristata છાલ, મૂળની છાલ બરબેરિન, બરબેમાઇન, ઍરોમોલિન,

કૅરેચીન, પામેટાઇન, ઑક્સિએકેન્થિન

ઑક્સિબરબેરિન, ટેક્સિલેમાઇન

2. B. asiatica મૂળ બરબેરિન, બરબેમાઇન, જેટ્રોર્હાઇઝીન

પામેટાઇન, ઑક્સિએકેન્થિન, ઑક્સિ-

બરબેરિન, કોલમ્બેમાઇન, ટેટ્રાહાઇડ્રો-

પામેટાઇન

3. B. chitria સમગ્ર વનસ્પતિ બરબેરિન, જેટ્રોર્હાઇઝીન, O-

મિથાઇલ-કોરિડિન-N–ઑક્સાઇડ,

N-ઑક્સાઇડ, પામેટાઇન ઑક્સિ-

ઍકેન્થિન

4. B. coriaria છાલ

મૂળ

બરબેરિન,

બરબેરિન, બરબેમાઇન, પેન્ડ્યુલિન,

ઑક્સિએકેન્થિન

5. B. floribunda મૂળ બરબેરિન, બરબેમાઇન, એપિબર-

બેરિન, કોરિડેલિન, કૉલમ્બેમાઇન,

જેટ્રોર્હાઇઝીન, ઑક્સિએકેન્થિન,

પામેટાઇન

6. B. lycium મૂળ બરબેરિન, બલુચિસ્ટેનેમાઇન, ચેનાબા-

ઇન, ગિલ્ગીટાઇન, ઝેલુમાઇન, પામે-

ટાઇન, પંજાબિન, સિંદેમાઇન

7. B. tinctoria મૂળ બરબેરિન, બરબેમાઇન, જેટ્રોરહાઇ-

ઝીન, પામેટાઇન

8. B. umbellata છાલ અમ્બેલેટાઇન
9. B. virescens બીજ

મૂળ

બરબેમાઇન, ઑક્સિએકેન્થિન,

ઓળખી શકાયાં નથી.

બરબેરિન (C20H18O4N) પીળું સોયાકાર ઍલ્કેલૉઇડ છે. તે પાણીમાં દ્રાવ્ય અને આલ્કોહૉલમાં અલ્પદ્રાવ્ય હોય છે. બરબેરિન ક્લોરાઇડ અને બરબેરિન ટેનેટ જાપાની ઔષધકોશ (pharmacopoeia) પ્રમાણે અધિકૃત ગણાય છે. ભારતમાંથી તેની નિકાસ જાપાન, ચીન અને જર્મનીમાં 1977–78થી 1979–80 દરમિયાન થઈ હતી. બરબેરિન હાઇડ્રોક્લોરાઇડ અને સલ્ફેટ કૉલેરા, અતિસાર (diarrhoea), મરડો અને આંખની તકલીફોમાં ઉપયોગી છે. Vibrio cholerae Pacini અને Escherichiaનાં ઉષ્મા અસ્થાયી (heat labile) આંતરવિષ(enterotoxin)ની સ્રાવી અનુક્રિયાઓ(responses)નો બરબેરિન પ્રયોગાધીન પ્રાણીઓમાં અવરોધ કરે છે. તેની માત્રાના આધારે રુધિરના દબાણમાં લાંબા સમય સુધી ઘટાડો થાય છે. આ અલ્પરક્તદાબી (hypotensive) સક્રિયતા ∝– એડ્રિનોસેપ્ટર અવરોધન(blockade)ને આભારી છે, તે પરિવહન-તંત્રના અરેખિત સ્નાયુ પરની સીધી શિથિલક (relaxant) અસરને લીધે નથી. બરબેરિન હાઇડ્રોક્લોરાઇડ સુષુપ્ત મેલેરિયાના નિદાનમાં ઉપયોગી છે, કારણ કે તેની હાજરીથી રુધિરપ્રવાહમાં પરોપજીવીઓ મુક્ત થાય છે. Leishmania tropica wright દ્વારા થતા પ્રાચ્યદાહ(oriental sores)ની ચિકિત્સામાં બરબેરિન ઉપયોગી છે અને તે L. donovani laveran & Mesnilના પ્રાક્કશીય (promastigate) સ્વરૂપનો અવરોધ કરે છે.

(અ) Berberis aristata, (આ) B. asiatica, (ઇ) B. chitria, (ઈ) B. lycium

સ્થાનિક રીતે ઔષધ વિવિધ રીતે બનાવવામાં આવે છે. મૂળની છાલ, મૂળ અને નીચેના પ્રકાંડનું કાષ્ઠ પાણી સાથે ઉકાળી, ગાળી, પાણી ઉડાડી દઈ ઘટ્ટ શીરા જેવો ઘેરો બદામી ચીકણો નિષ્કર્ષ બનાવવામાં આવે છે. તેને રસૌત, રસવંતી કે રસરંજન કહે છે.

આયુર્વેદ અનુસાર તે લઘુ, રુક્ષ, કડવી, તૂરી, તીખી, ગરમ, કફપિત્તશામક, દીપન, પિત્તસારક, વર્ણ્ય, યકૃદુત્તેજક, મૃદુરેચક, પૌષ્ટિક, રક્તશોધક, સ્વેદલ, શોથહર, વેદનાહર અને ચક્ષુષ્ય છે તથા વિષમજ્વર (મલેરિયા), અગ્નિમાંદ્ય, મરડો, કમળો, પ્રમેહ, ઉધરસ, પ્રદર, નેત્રરોગો, ગર્ભાશયનો સોજો તથા સ્રાવ, ઉપદંશ, ચળ, રતવા અને વ્રણ જેવા ત્વચાના રોગો મટાડે છે. તેનો ઉપયોગ કમળી, શસ્ત્રાદિકથી થયેલા વ્રણ, અંડવૃદ્ધિ, ભગંદર અને નાડીવ્રણ ઉપર; પિત્તાભિષ્પંદ (આંખો આવવી) પર; કાનમાં પરુ વહેતું હોય તે ઉપર; વાતપિત્ત પ્રદર અને બરોળના સોજા ઉપર તેમજ સ્કર્વી અને દૂઝતા મસા પર કરવામાં આવે છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ