બરબેરા : પૂર્વ આફ્રિકામાં આવેલા સોમાલીલૅન્ડના વાયવ્યમાં એડનના અખાત પરનું બંદર. ભૌ. સ્થાન : 10° 25´ ઉ. અ. અને 45° 02´ પૂ. રે. વોકૂઈ ગૅલબીદ વહીવટી પ્રાંતના હર્ગેસા નગર તથા તોગધીર પ્રાંતના બુર્કો નગરથી આવતા મુખ્ય માર્ગોના છેડે તે વસેલું છે. તે આ વિસ્તારનું અગત્યનું શહેર તથા વેપારી મથક છે.
બરબેરાની આસપાસનો પ્રદેશ અર્ધરણ જેવો સૂકો છે. અહીં વરસાદ માત્ર 250–300 મિમી. જેટલો જ પડે છે. અહીં સામાન્યપણે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. જ્યાં પાણી મળી શકે તેમ હોય ત્યાં કપાસ અને બાજરી જેવા પાકો લેવાય છે. અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ પશુ(ઊંટ, ઘેટાં)પાલનની છે.
મધ્યકાલીન સાંસ્કૃતિક કાળમાં પણ આ બંદર જાણીતું હતું. ઇબ્ન સૈયદ (1286) તથા અન્ય ભૂગોળવેત્તાઓએ આ સ્થળનો ઉલ્લેખ કરેલો છે. તેમના જણાવ્યા મુજબ અડલના મધ્યયુગી રાજ્યનાં મુસ્લિમ સંસ્થાનો પૈકીનું તે એક હતું. આ કાળ દરમિયાન અહીં મુસલમાનોની વસ્તી ઘણી હતી. 1518માં અહીં પૉર્ટુગીઝોએ હુમલો કરી આ શહેરમાં લૂંટફાટ કરેલી. 17મી સદીમાં તે મોચા(અરબસ્તાન)ના શરીફોને હસ્તક ગયું હતું. 1875માં ઇજિપ્ત(મિસર)ના સુલતાને (ખેદીવ) તે લઈ લીધેલું અને 1884માં અંગ્રેજોએ તેનો કબજો મેળવેલો. 1941 સુધી તે બ્રિટિશ સોમાલીલૅન્ડનું પાટનગર રહેલું.
દુબારમાંથી દક્ષિણ તરફ પાઇપલાઇન મારફતે અહીં પાણીપુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. 1960થી 1980 વચ્ચેના ગાળામાં સોવિયેટ સંઘની સહાયથી અહીં બંદરસુધારણા તેમજ તેની સુવિધાઓ, નૌકામથક અને પ્રક્ષેપાસ્ત્ર-મથક ઊભાં કરવામાં આવેલાં છે. 240 કિમી. ઉત્તર તરફ આવેલા એડન સાથે તેનો વેપાર ચાલે છે. આ બંદરેથી ઘેટાંનાં ચામડાં-ખાલ, ગુંદર, ઘી તેમજ અહીંના વિસ્તારમાં ઉત્પન્ન થતી અન્ય ચીજવસ્તુઓની નિકાસ થાય છે; જ્યારે દવા, રંગ, કાપડ, ખાંડ, પેટ્રોલિયમ-પેદાશો, ધાતુની ચીજવસ્તુઓની અહીં આયાત કરવામાં આવે છે. હર્ગેસા અને બુર્કો શહેરોને જોડતા રાજમાર્ગો પરનું તે જંક્શન હોવાથી મોકાનું સ્થળ બની રહેલું છે. અહીં હવાઈ મથક પણ છે.
ખેતી સિવાય પશુપાલન કરતા લોકો ભટકતું જીવન ગાળે છે. ઉનાળાની ગરમ ઋતુ દરમિયાન લોકો પાણીની તંગીને કારણે તથા વધુ પડતા તાપમાનથી બચવા ઉચ્ચપ્રદેશ તરફ સ્થળાંતર કરે છે; તેથી અહીં વસ્તીનું પ્રમાણ ઘટી જાય છે.
શિવપ્રસાદ રાજગોર