બનિયન, જૉન (જ. 1628, એલસ્ટોવ, બેડફર્ડશાયર પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 1688) : આંગ્લ ધર્મોપદેશક અને લેખક. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલ જૉન બનિયન એક કારીગર પિતાના પુત્ર હતા. પ્રશિષ્ટ કહી શકાય એવા શિક્ષણથી સદંતર વંચિત એવા બનિયને તેમના સમકાલીનોમાંના કોઈનું પણ સાહિત્ય વાંચ્યું હોય એવી સંભાવના જણાતી નથી. કારકિર્દીના પ્રારંભે બાપીકા વ્યવસાયમાં જોડાઈને, પાછળથી તેઓ ધર્મોપદેશક બન્યા હતા. આવશ્યક પરવાના વિના પ્રવચન આપવા બદલ તેમને કારાવાસ પણ વેઠવો પડેલો.
ચાર્લ્સ બીજાના પુન:સ્થાપન (restoration)કાળની પ્રતિકૂળ, શંકાશીલ ઉન્નતભ્રૂ પેઢીએે આ શુદ્ધિવાદી સર્જકને ઠીક ઠીક પરેશાન કરેલા. પોતાની સામે અવિશ્વાસ, વૈમનસ્ય અને કટુતાથી ભરેલા આવા લોકોવાળા કલુષિત માહોલમાં જ તેમણે પોતાની પ્રથમ કૃતિ ‘ગ્રેસ અબાઉન્ડિંગ’ પ્રગટ કરેલી (1666). ત્યારપછીના ગાળામાં પ્રગટ થયેલી તેમની મહત્વની કૃતિઓમાં ‘ધ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ’ (1678), ‘ધ લાઇફ ઍન્ડ ડેથ ઑવ્ મિ. બૅડમૅન’ (1680) અને ‘ધ હૉબી વૉર’(1682)નો સમાવેશ થાય છે. ઉપર્યુક્ત ત્રણે કૃતિઓમાં એક સાચા ઈસાઈની ર્દષ્ટિએ માનવ-જીવન કેવું હોય તેનું રૂપકાત્મક સ્વરૂપે આલેખન છે. એ સમયના ધાર્મિક ‘ઉત્સાહીઓ’માંનાં અગ્રેસર વ્યક્તિત્વોને પ્રજ્વલિત કરી દેનારો ઉન્મેષ – જુસ્સો બનિયનની ઉપર્યુક્ત કૃતિઓમાં તત્કાલીન અન્ય લખાણોના મુકાબલે વધુ સારી રીતે પ્રગટ થયો છે; પરંતુ બનિયનને રાજકારણ સાથે કશી લેવા-દેવા કે નિસબત નહોતી. સિવાય ધર્મ એમના વિચારોને અન્ય કોઈ કેન્દ્ર નહોતું. કેવળ ધર્મશાસ્ત્રોની ઓથે ઓથે જ તેઓ જિંદગી જીવ્યા એમ જણાય છે. માનવબુદ્ધિના અન્ય તમામ આવિષ્કારો પ્રત્યે તેઓ છેક ઉદાસીન જ રહ્યા – વ્યસ્ત રહ્યા, સદા મુક્તિનાં સાધનોની ખોજમાં. ‘ગ્રેસ અબાઉન્ડિંગ’માં અંત:કરણની ઓળખ માટેની ગહન, નિષ્ઠાભરી અને અત્યંત ઉત્કટ મથામણોનું – અંગત આંતર-ખોજનું નિરૂપણ છે. પરિણામે આ કૃતિ મહદંશે આત્મલક્ષી, આત્મકથનાત્મક બની છે; જ્યારે અન્ય વધુ મહત્વની, વધુ યશસ્વી એવી ‘ધ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ’માં બનિયને ‘સ્વ’થી પૂરતું અંતર રાખીને પ્રત્યેક ઈસાઈ આત્માની પ્રગતિનું નિરૂપણ રૂપકાત્મક નવલકથા(allegorical novel)ના સ્વરૂપે કર્યું છે. ઘણા વિવેચકોના મતે, બનિયનની આ કૃતિ અંગ્રેજી ગદ્યસાહિત્યની ઉત્તમ કૃતિઓમાંની એક છે. એક સીધા-સાદા, ધર્મભીરુ, ધર્મનિષ્ઠ માણસની નજરે બનિયને પોતાની આસપાસના અસંખ્ય માણસોને ઝીણવટથી જોયેલા અને એમાંના કેટલાકની હિંમત, સાહસિકતા તો વળી અન્ય કેટલાકની અવઢવવૃત્તિ, અનિર્ણાયકતા, કર્તવ્યચૂક, જાતભાતની આપવડાઈ અને દાંભિકતા વગેરે નબળાઈઓની સારી એવી માનસિક નોંધ રાખેલી. એ બધાં બારીકાઈભર્યાં નિરીક્ષણોને ‘રૂપકાત્મક નવલકથા’ના સુગ્રથિત ઐક્યના તાંતણે બાંધવા માટેની આવશ્યક પ્રતિભા બનિયનમાં હતી જ. આમ કથાવસ્તુ અને ઉદ્દેશ ધાર્મિક હોવા છતાં, બનિયનની સર્જક-પ્રતિભા, સંવિધાનગઠન અને ચરિત્રનિરૂપણ માટેનું એમનું કૌશલ ‘ધ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ’ને એક અદ્વિતીય રૂપકાત્મક નવલકથાનું ગૌરવ બક્ષે છે; તો સાથે સાથે તેની બાઇબલના અંગ્રેજી સાથેની ઘનિષ્ઠતા, તેમનું પ્રાદેશિક ભાષા(vernacular)નું જ્ઞાન તેમજ યોગ્ય શબ્દ યા શબ્દ-સમૂહની પસંદગી માટેની અદભુત નૈસર્ગિક સૂઝસમજ, બનિયનની આ મહાન કૃતિને સર્વસ્વીકૃત રીતે અંગ્રેજી ગદ્યસાહિત્યની ઉત્તમ કૃતિઓમાંની એક તરીકે પ્રસ્થાપિત કરે છે.
મહેન્દ્ર અમીન