બનાદાસ (જ. 1821 અશોકપુર, જિ. ગોંડ; અ. 1892 અયોધ્યા) : રામભક્તિના રસિક સંપ્રદાયમાં થયેલા સાકેત નિવાસી સંત કવિ. જાતિએ ક્ષત્રિય. પિતા ગુરુદત્તસિંહ. ઘરની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી ભિનગા રાજ્ય- (બહરાઇચ)ની સેનામાં સાત વર્ષ સુધી નોકરી કરી. ઘેર પાછા આવ્યા. પોતાના એકના એક પુત્રનું અકાળ અવસાન થતાં પુત્રના શબ સાથે જ 1851માં અયોધ્યા ચાલ્યા ગયા અને ત્યાં કાયમી મુકામ કર્યો. શરૂઆતનાં બે વર્ષ દેશાટન કર્યું પછી 14 વર્ષ સુધી અયોધ્યામાં સરયૂના રામઘાટ પર કુટી બનાવી ઘોર તપ કર્યું. સાધના પૂરી થતાં પોતાના આરાધ્યનો સાક્ષાત્કાર પામી પરિતૃપ્ત થયા. સાકેત(અયોધ્યા)માં ભવહરણકુંજ નામનો આશ્રમ સ્થાપી ત્યાં નિવાસ કર્યો જ્યાં 1892માં એમનું અવસાન થયું.
બનાદાસે 1851થી 1892 દરમિયાન 64 જેટલા ગ્રંથો રચ્યા હતા. એ બધા ગ્રંથો મુખ્યત્વે રામભક્તિપરક છે. એમાં ‘ઉભયપ્રબોધક રામાયણ’ (1874), ‘વિસ્મરણ સમ્હાર’ (1874), ‘સંત સુમિરની’ (1882), ‘હનુમન્ત વિજય’ (1883) વગેરે મુખ્ય છે. ગોસ્વામી તુલસીદાસ પછી થયેલા રામભક્ત કવિઓમાં રચનાશૈલીની વિવિધતા, પ્રબંધપટુતા અને કાવ્યસૌષ્ઠવની દૃષ્ટિએ બનાદાસની અન્યતમ કવિ તરીકેની ગણના થાય છે. એમની રચનાઓમાં નિર્ગુણગ્રંથ, સૂફી તેમજ હિંદી સાહિત્યની રીતિકાલીન શૈલીઓનો પ્રયોગ એક સાથે થયેલો જોવા મળે છે, જોકે એમનું પ્રતિપાદ્ય તો રામભક્તિ જ છે.
પ્રવીણચંદ્ર પરીખ