બદરીનારાયણ (જ. 22 જુલાઈ 1929, સિકંદરાબાદ) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે બાલવાર્તાઓ અને બાલકાવ્યો પણ લખ્યાં છે. બદરીનારાયણનાં ચિત્રો રૈખિક હોવાથી ડ્રૉઇંગની ખૂબ નજીક હોય એવાં લાગે છે અને મોટેભાગે તેમાં કાળા અને સફેદ રંગો વપરાયા હોય છે. એમનાં આ ચિત્રો કલ્પનાપ્રધાન છે. તેમાં ઊડતાં પાંખાળાં ઘોડા, મનુષ્યો, જલકન્યાઓ, વાદળાં ઇત્યાદિ વડે સર્જાયેલ સ્વપ્નિલ સૃષ્ટિ જોવા મળે છે. રોમાન્સ તેમાં મુખ્ય વિષય હોય છે.
1954થી 1971 વચ્ચે તેમણે દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં કુલ 18 વૈયક્તિક પ્રદર્શનો કર્યાં હતાં. 1975માં પશ્ચિમ જર્મનીમાં વૈયક્તિક પ્રદર્શન કર્યું. તેમને 1965માં ‘નેટ એક્ઝિબિશન’ ઍવૉર્ડ મળેલો તથા હૈદરાબાદ આર્ટ સોસાયટીનો તેમજ ‘આંધ્રપ્રદેશ લલિતકલા અકાદમી’નો ઍવૉર્ડ પણ મળેલ છે. તિરુવનન્તપુરમ્ મ્યુઝિયમ અને ચંડીગઢ મ્યુઝિયમમાં તેમનાં ચિત્રો છે.
અમિતાભ મડિયા