બદરીનાથ : હિમાલયના પ્રદેશમાં આવેલું ભારતનું પ્રાચીન અને વિખ્યાત તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન : 30° 45´ ઉ. અ. અને 79° 30´ પૂ. રે. તે ‘બદરીનારાયણ’, ‘બદરીધામ’, ‘બદરી વિશાલા’ જેવાં જુદાં જુદાં નામોથી પણ ઓળખાય છે. ઉત્તરપ્રદેશના ઉત્તરભાગમાં ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના જમણા કાંઠે સમુદ્રની સપાટીથી આશરે 3,000 મીટરની ઊંચાઈ પર નારાયણ પર્વતની છાયામાં તદ્દન નાનકડા ગામ તરીકે તે વસેલું છે. ઉત્તર પ્રદેશમાં આવેલ શ્રીનગર ગામની ઈશાનમાં આશરે 88 કિમી. તથા જોશીમઠ(જ્યોતિર્મઠ)ની ઉત્તરે આશરે 82 કિમી.ને અંતરે તે આવેલું છે. મધ્ય હિમાલયમાં કાશ્મીરના મથાળાના ભાગમાં ઈશાન ખૂણા તરફ બદરી-કેદારનો વિસ્તાર આશરે આઠેક હજાર મીટરની ઊંચાઈવાળો છે. એ પ્રદેશ ચડતાં ઉત્તર દિશાએ જરા ઊંચી ટેકરી પર કેદારેશ્વરનું શિવતીર્થ આવેલું છે. જ્યારે પૂર્વ તરફ ભૃગુતુંગ નામના શિખર પર દૂરૂહ નહિ એવું બદરીનાથ – વિષ્ણુનારાયણનું તીર્થ છે.

બદરીનાથ મંદિર

અહીં ભગવાન વિષ્ણુનું મંદિર છે. આ મંદિરની તવારીખ માટે કહેવાય છે કે તે લગભગ 2,000 વર્ષ કરતાં પણ વધુ સમયથી હિન્દુઓના પ્રસિદ્ધ યાત્રાધામ તરીકે જાણીતું બનેલું છે. અહીંનું મૂળ પ્રાચીન મંદિર આદ્ય શંકરાચાર્યે આઠમા સૈકામાં બંધાવ્યું હતું; પરંતુ ગામની મધ્યમાં હાલ જે મંદિર છે તે ગઢવાલના મહારાજાએ તેરમા સૈકામાં બંધાવેલું. આ નવું ભવ્ય મંદિર પથ્થરનું બનેલું છે. તેના સભામંડપ પર સુંદર કોતરકામ કરેલો કળશ તથા તેના ગર્ભગૃહ ઉપર પેગોડા શૈલીનું સોનાથી મઢેલું બે છાપરાંવાળું શિખર છે. મંદિર પરનો હાલનો સોનામઢ્યો કળશ રાજમાતા અહલ્યાબાઈ હોળકરે ચઢાવેલો છે. મંદિરમાંની મુખ્ય મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે. તેની ઊંચાઈ 60 સેમી. છે. પદ્માસનની ધ્યાનમુદ્રામાં બેઠેલી આ ચતુર્ભુજ મૂર્તિના બે હાથ જોડેલા છે. વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ આ મૂર્તિ ભગવાન વિષ્ણુની હોવાનું માને છે, જ્યારે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ તેને બુદ્ધની મૂર્તિ માને છે. મંદિરમાં મૂકવામાં આવેલ અન્ય મૂર્તિઓમાં નરનારાયણ, નારદ, લક્ષ્મી તથા કુબેર ભગવાનની છે. મંદિરની આજુબાજુના વિસ્તારમાં અન્ય ઘણાં તીર્થસ્થાનો છે; જેમાં ઋષિગંગા, કૂર્મધારા, પ્રહલાદધારા, પંચશિલા, નારદકુંડ તથા ગરમ પાણી ધરાવતા તપ્તકુંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્ય મંદિરની પાસે બ્રહ્મકપાલ નામથી ઓળખાતો વિશાળ ખડક છે, જે શ્રાદ્ધવિધિ માટે પવિત્ર ગણાય છે. બદરીનાથ તીર્થસ્થાનની નજીકમાં વસુંધરા ધોધ, મુચકુંદ ગુફા, વ્યાસની પર્ણકુટી અર્થાત્ બદરીકાશ્રમ, થોડાક અંતરે ગંધમાદન પર્વત તથા પશ્ચિમ દિશામાં આશરે 27 કિમી.ને અંતરે 7,138 મીટર ઊંચાઈ ધરાવતું બદરી શિખર છે.

આદ્ય શંકરાચાર્યના સમયથી આ મંદિરનું પૂજારીપદ વંશપરંપરાગત ધોરણે દક્ષિણના નાંબુદ્રી બ્રાહ્મણ ધરાવે છે. આઝાદી પછી ભારતમાં પ્રવાસન-ઉદ્યોગને જે પ્રોત્સાહન મળ્યું છે તેને લીધે બદરીનાથ સુધી પહોંચવા માટે વાહનવ્યવહારની સગવડોમાં તાજેતરનાં વર્ષો દરમિયાન જે વધારો થયો છે તેને લીધે યાત્રિકોની સંખ્યા પણ વધી છે. પરિણામે મંદિરની આવકમાં પણ વૃદ્ધિ થતી રહી છે. અગાઉ બદરીનારાયણની યાત્રા કરનારા યાત્રાળુઓને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં જોશીમઠથી બદરીનાથ સુધી પગપાળા મુસાફરી કરવી પડતી હતી. તે જમાનામાં આ મંદિરની વ્યવસ્થા અને નિભાવખર્ચ માટે પૂરતી આવક મળતી રહે તે હેતુથી મંદિરને આજુબાજુનાં લગભગ 200 જેટલાં ગામડાં દેવસ્થાનની સંપૂર્ણ માલિકીનાં અને આશરે 150 જેટલાં ગામડાં મંદિરની આંશિક માલિકીનાં કરીને સોંપવામાં આવ્યાં હતાં. આ વ્યવસ્થા આજે પણ યથાવત્ છે.

બદરીનાથ તરફના માર્ગ પર જોશીમઠ, વિષ્ણુપ્રયાગ, પાંડુકેશ્વર, શેષધારા, હનુમાન ચટ્ટી, કાંચનગંગા અને દેવદેખીની જેવાં તીર્થસ્થાનો આવેલાં છે. દેવદેખીનીથી બદરીનાથનાં દર્શન થઈ શકતાં હોવાથી તેને દેવદેખીની નામ અપાયું છે. બદરીનાથની આસપાસના વિસ્તારમાં ગરમ પાણીના ઝરા પણ આવેલા છે. આજે બદરીનાથને વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થક્ષેત્ર માનવામાં આવે છે, પરંતુ પ્રાચીન સમયમાં તે શૈવ સંપ્રદાયનું હોવાની શક્યતાને નકારી શકાય નહિ.

બદરીનાથ ઊંચાઈ પર આવેલું હોવાથી તેની આજુબાજુના પ્રદેશમાં નવેમ્બરથી એપ્રિલ સુધી પુષ્કળ હિમવર્ષા થાય છે. તેથી એટલા સમયગાળા દરમિયાન, દર વર્ષે મંદિર બંધ રાખવામાં આવે છે; પરંતુ બદરીનાથની ઉત્સવમૂર્તિ જોશીમઠ ખાતે ખસેડવામાં આવે છે; જેથી ત્યાં તેની એટલા સમય દરમિયાન રાબેતા મુજબ પૂજા-અર્ચના ચાલુ રાખી શકાય.

બદરીનારાયણ ગામથી 9 કિમી.ને અંતરે લક્ષ્મીવન અને બાજુની સત્યપથ પર્વતશૃંખલામાંથી આવતા હિમપ્રવાહોનો અલકાપુરી સ્થળ ખાતે સંગમ થાય છે. આ સ્થળ અલકનંદા નદીનું ઉદગમસ્થાન છે. આ નદી તેના અહીંના મૂળથી આશરે 9 કિમી. કેશવપ્રયાગ સુધી પૂર્વાભિમુખ અને ત્યારબાદ વિષ્ણુપ્રયાગ સુધી દક્ષિણાભિમુખ વહે છે. બદરીનાથ ગામની પડખે થોડાક અંતરે માણા નામનું ગામ છે, જ્યાં ભારતીય લશ્કરની ચોકી છે. ત્યાં નજીકમાં જ ભીમશિલા નામથી ઓળખાતો વિશાળ ખડક છે. તેની નીચેથી સરસ્વતી નદીના ધસમસતા પાણીનો પ્રવાહ વહે છે. આ સ્થળે બેસીને મહર્ષિ વ્યાસે મહાભારત ગ્રંથ અને ભાગવત પુરાણ તથા આદ્ય શંકરાચાર્યે શાંકર ભાષ્ય લખેલાં, એવી માન્યતા છે. માધવાચાર્યે આ જ સ્થળે સમાધિ લીધી હતી એવું પણ કહેવાય છે. બદરીનાથથી પશ્ચિમે આશરે 8 કિમી. અંતરે નીલકંઠ શિખર આવેલું છે. તે બારેય માસ બરફથી ઢંકાયેલું રહે છે.

બૌદ્ધ ધર્મના ઉદય પછી બદરીનાથ તીર્થસ્થાન પર તિબેટે આક્રમણ કર્યું હતું અને આક્રમણકારોએ મંદિરની મૂળ મૂર્તિ નારદકુંડમાં ફેંકી દીધી હતી. આદ્ય શંકરાચાર્યે વૈદિક ધર્મની પુન:સ્થાપના કરવાના હેતુથી ત્યાં મઠની સ્થાપના કરી ત્યારે કુંડમાંથી મૂર્તિ બહાર કાઢી અને તેને પ્રાચીન મંદિરમાં પુન:સ્થાપિત કરવામાં આવી.

આ તીર્થસ્થાન તથા તેના નામ સાથે કેટલીક આખ્યાયિકાઓ સંકળાયેલી છે. ભગવાન વિષ્ણુ તપશ્ર્ચર્યા કરવા માટે આ સ્થળે બેઠા ત્યારે તાપથી તેમનું રક્ષણ કરવા માટે લક્ષ્મીજીએ ત્યાં બદરી અર્થાત્ બોરડીના વૃક્ષનું રૂપ લીધું હતું. તેના પરથી આ સ્થળને બદરીનાથ નામ મળેલું હોવાની એક આખ્યાયિકા પ્રચલિત છે. બીજી એક લોકવાયકા મુજબ પ્રાચીન કાળમાં આ સ્થળે બોરડીનું વિશાળ વન હતું. તેના પરથી આ તીર્થક્ષેત્રને બદરીનાથ નામ પ્રાપ્ત થયું છે.

સ્વર્ગમાં જતા પહેલાં, ભગવાન શ્રીકૃષ્ણે આપેલા ઉપદેશ મુજબ, ઉદ્ધવ આ તીર્થમાં આવેલા. અહીં ગંગા નદીના  ગરમ અને ઠંડા એવા બે પ્રવાહો હતા. અહીં દેવોએ તપ કરીને વિષ્ણુને ખુશ કર્યા હતા. મુચુકુન્દે પણ વિષ્ણુને ખુશ કરવા અહીં તપ કરેલું. પાંડવો મહાપ્રસ્થાન માટે અહીં આવેલા. આ પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ મનાયું છે. મિત્ર અને વરુણ દેવોએ અહીં તપ કરેલું અને કકુદ્મીએ અહીં જે જગ્યાએ તપ કરેલું તે સ્થળને ‘ઉર્વશી તીર્થ’ એવું નામ આપવામાં આવ્યું છે.

કે. કા. શાસ્ત્રી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે