બદલાના સોદા : શેરબજારમાં ઇક્વિટી શેરોનાં ખરીદવેચાણના વ્યવહારો. આ પ્રકારના સોદામાં  પતાવટના દિવસે ખરેખર ખરીદી કે વેચાણ કરવાના બદલે અનુગામી પતાવટના દિવસ સુધી આવાં ખરીદી-વેચાણ મુલતવી રખાય છે. મહદ્અંશે બદલાના સોદા સટોડિયાઓ કરે છે. વેચાણકિંમતથી ખરીદકિંમત ઓછી હોય તો કમાણી થાય. શેરબજારમાં સટોડિયો ભવિષ્યના ભાવનો અડસટ્ટો કરીને તે પ્રમાણે શેરના ભાવની વધઘટ નફાકારક લાગે તેમાં ખરીદ-વેચાણ કરે છે. જો કોઈ એક સટોડિયાની ગણતરી એવી આવે કે ભવિષ્યમાં ભાવ ઓછા થશે તો એ નફો મેળવવા માટે પ્રવર્તમાન ઊંચા ભાવે પહેલાં વેચાણ કરીને પછી તેના ભાવ નીચા જાય ત્યારે ખરીદી કરીને નફો કમાઈ શકે છે. આ રીતે કમાણી કરવાની શરત એટલી છે કે સટોડિયાનો અડસટ્ટો સાચો પડવો જોઈએ. શેરબજારમાં ખરીદી કરતી વખતે તરત તેની રકમ ચૂકવવાની હોતી નથી. વેચાણ કરવામાં આવે તો તેના શેર તરત આપવાના હોતા નથી. આવા સોદાની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે શેરબજારના સત્તાવાળાઓ નોંધાયેલા દલાલોને જ ધંધો કરવા દે છે. તે સિવાયના માણસોએ દલાલો મારફતે ધંધો કરવાનો રહે છે. ખરીદ-વેચાણના દિવસે દલાલો જાણતા હોય છે કે શેરબજારના સત્તાવાળાઓએ પતાવટનો કયો દિવસ રાખ્યો છે. પતાવટના દિવસે જે ભાવ પડે તે ભાવ સટોડિયાની ગણતરી પ્રમાણેનો ન પણ આવે. આમ છતાં સટોડિયાનું તો એ જ તારણ આવે કે બીજો પતાવટનો દિવસ આવશે ત્યાં સુધીમાં એની ગણતરી પ્રમાણેનો ભાવ થશે જ, તો એણે જો ખરીદી કરી હોય તો પતાવટના દિવસે વેચાણ કરશે નહિ અને વેચાણ કર્યું હોય તો ખરીદી કરશે નહિ. પોતાના આ નિર્ણયની જાણ એ શેરબજારમાંની પતાવટ કરી આપનાર ‘ક્લિયરિંગ હાઉસ’થી ઓળખાતી પાંખને કરે છે.

ક્લિયરિંગ હાઉસ આ સમયગાળામાં સમગ્ર શેરબજારમાં પ્રત્યેક જાતના શેરની ખરીદીની સંખ્યા અને વેચાણની સંખ્યાની ગણતરી કરીને તેને સરખાવતાં જે તફાવત આવે તે તફાવતને આવા દલાલોએ જે સંખ્યાના શેરના ખરીદ-વેચાણના સોદા મુલતવી રાખવા જણાવેલું હોય તેની સાથે સરખાવે છે. સામાન્યત: એ સરખા આવે. આવા સમાન સંખ્યાના મુલતવી રાખવામાં આવેલા સોદા બદલાના સોદા તરીકે ઓળખાય છે. દા. ત., તા. 11-11-’98ના રોજ अની એવી ગણતરી હોય કે શેરબજારમાં રિલાયન્સનો જે રૂ. 125નો ભાવ બોલાય છે તે વધીને રૂ. 150 થશે. આથી એ 100 શેરની ખરીદીનો સોદો કરે છે. પતાવટની તા. 19-11’98 નક્કી કરવામાં આવી હોય. તે દિવસે ભાવ રૂ. 115 થાય છે. આથી अએ એક શેર પર રૂ. 10ની ખોટ લેખે રૂ. 1,000 ક્લિયરિંગ હાઉસને આપીને સોદો પતાવવો પડે. પરંતુ अની ગણતરી છે કે બીજી પતાવટની તારીખ 27-11-’98 નક્કી થઈ છે. તે પહેલાં તો રિલાયન્સનો ભાવ રૂ. 150 થશે જ. આથી તે ક્લિયરિંગ હાઉસને જણાવશે કે એ તા. 19-11-’98ના રોજ પતાવટ કરવા માંગતા નથી. ક્લિયરિંગ હાઉસ એવો બદલો કરવા માંગનારા શેરોની વિગત મેળવીને કુલ ખરીદ-વેચાણના સોદાના તફાવત સાથે સરખાવીને જો એ સમાન માલૂમ પડે તો તે તફાવતની સંખ્યા જાહેર કરશે. માનો કે આવા 50,000 શેરની ખરીદી વેચાણથી વધારે નીકળે અને તે માટે ખરીદીના બદલા શેર માટે (રૂ. 115  50,000) =) રૂ. 57,50,000ની જરૂર પડે. આ રકમ આપવા માટે નાણાં ધીરનાર માટે ભવિષ્યના પતાવટના પંદર દિવસના સમયગાળા માટે માનો કે શેરદીઠ પચાસ પૈસા ખર્ચ માગે તો તે બદલાનો ખર્ચ ગણાય. अએ રૂ. 125ના ભાવે શેર લીધા છે. તેમાં પચાસ પૈસા ઉમેરી ક્લિયરિંગ હાઉસ એના રૂ. 125 = 50 પૈ. વસૂલ લેશે. આ સમયે વેચનારાની વેચાણ કિંમતમાં પચાસ પૈસા ક્લિયરિંગ હાઉસ ઉમેરી તેની આવકમાં વધારો કરી આપશે.

अ ખરીદનાર છે. ભાવ વધશે એવી ગણતરી તે કરે છે. આથી તે તેજીવાળા કહેવાય. તેજીવાળા તરીકે अનો પચાસ પૈસાનો ખર્ચ ચૂકવે છે તે ‘આગળના બદલાખર્ચ’(contango)થી ઓળખવામાં આવે. એનાથી ઊલટું, જો કોઈ સટોડિયાએ શેર વેચવાનો સોદો કર્યો હોય અને ભાવ ઘટવાની ગણતરીએ બદલાનો સોદો કરે તો તે મંદીવાળાનો બદલાનો સોદો ગણાય. મંદીવાળો બદલાનો જે ખર્ચ ચૂકવે તે ‘પાછળના બદલાનો ખર્ચ’(backwardation)થી ઓળખાય છે.

સૂર્યકાન્ત શાહ