બદનામી દી છાન (1973) : ડોગરી વાર્તાકાર રામનાથ શાસ્ત્રીનો વાર્તાસંગ્રહ. આમાં તેમની ઉત્તમ વાર્તાઓ પૈકી 6 વાર્તાનો સમાવેશ છે. પ્રસ્તાવનામાં શાસ્ત્રીએ કથાસાહિત્યમાં કલ્પના તથા ટેકનિકનું મહત્ત્વ આંક્યા પછી પ્રેરણાતત્ત્વને સૌથી મહત્ત્વનું લેખ્યું છે; આ વાર્તાઓને એવા પ્રેરણાતત્ત્વે જ જન્મ આપ્યો છે. ચોક્કસ ઉદ્દેશથી લખાયેલી તેમની વાર્તાઓમાં કોઈ વાદ કે વિચારસરણીના પ્રચારની ગંધ આવતી નથી. તેમણે કેવળ કેટલાંક જીવનમૂલ્યોનો પુરસ્કાર કર્યો છે.
દરેક વાર્તામાં એકાદ ષ્ટિબિંદુની રજૂઆત કરવામાં આવી છે. તે પ્રણાલિકાગત તથા રૂઢિવાદી મૂલ્યોના ભારે વિરોધી છે. સ્ત્રી તથા પુરુષના સમાન હકના તેઓ હિમાયતી છે. મોટી ઉંમરનો વિધુર પુનર્લગ્ન કરી શકે. ના-સમજમાં પરણાવાયેલી બાળકીને અચાનક વૈધવ્ય આવી પડે તો તેને ફરી લગ્ન કરવાનો નિષેધ ફરમાવાય એની સામે તેમનો આક્રોશ ‘હોર કિ કરડી’ જેવી વાર્તામાં વ્યક્ત થયો છે. મોટાભાગની વાર્તાઓમાં નારીહૃદયની વેદનાને વાચા અપાઈ છે અને નારીહૃદયને આલેખવામાં તેમણે સૂક્ષ્મ સૂઝ અને કુશળ કસબ દાખવ્યાં છે. તમામ વાર્તાઓમાં મનોવૈજ્ઞાનિક અભિગમ અપનાવાયો છે. ભાષા રૂઢિપ્રયોગોવાળી, લોકલઢણ અને લહેકાથી રંગાયેલી છે, પણ તે પાત્રપ્રસંગને ઉચિત રહી પોષક નીવડે છે. ડોગરી કથાસાહિત્યમાં આ વાર્તાસંગ્રહ ગણનાપાત્ર પ્રદાન લેખાય છે.
આ સંગ્રહને સાહિત્ય અકાદમીનો 1976ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી