બતક (duck) : જલાભેદ્ય પીંછાં, તરવા માટે આંગળી વચ્ચે પાતળી ચામડી (web) વડે સંધાયેલ પગ અને પ્રમાણમાં લાંબી ડોકવાળું જળચર પક્ષી. બતકનો સમાવેશ એન્સેરીફૉર્મિસ શ્રેણીના એનાટિડે કુળમાં થાય છે. બતક ઉપરાંત હંસ (goose) અને રાજહંસ (swan) પણ એનાટિડે કુળનાં પક્ષીઓ છે; પરંતુ પ્રમાણમાં બતકની ડોક ટૂંકી, ચાંચ વધારે ચપટી હોવા ઉપરાંત તે ક્વે….ક ક્વે….ક અવાજ કરે છે, જ્યારે હંસ અને રાજહંસની ડોક સહેજ લાંબી હોય છે અને તેઓ તીણો અવાજ (honk) કરે છે.

આર્દ્ર-જમીન(wet land)માં વસતાં બતક સામાન્યપણે સમૂહમાં કળણ (marsh), તળાવ, નદી અને દરિયામાં વાસ કરતાં હોય છે. દક્ષિણધ્રુવપ્રદેશ બાદ કરતાં બતક સર્વત્ર ફેલાયેલાં છે. ઉષ્ણકટિબંધ પ્રદેશમાં વસતાં બતકો સ્થાયી (resident) જીવન પસાર કરે છે, જ્યારે ઠંડા પ્રદેશમાં વસતાં બતકો શિયાળામાં ઠંડીની વિપરીત અસર ટાળવા સ્થળાંતર (migrate) કરીને સંવનન અને બાળસંભાળની જવાબદારી ઉપાડે છે. માનવ માટે બતક ખોરાકી પક્ષી છે અને ખેડૂતો બતકોનો ઉછેર કરી બજારમાં વેચે છે. યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ઉત્તર અમેરિકામાં બતક-સંવર્ધન-ઉદ્યોગ મોટા પાયા પર ચાલે છે.

બતક મોટાભાગે પોતાનો સમય પાણીમાં ગાળતાં હોય છે. તેની વક્ષસપાટી પહોળી હોવાથી બતક પાણીની ઉપલી પાતળી સપાટીએ બેસવા અનુકૂલતા પામેલાં હોય છે. બતક તરવા ઉપરાંત પાણીમાં ડૂબકી મારે છે. તેના પગ સહેજ વાંકા અને પાછલી બાજુએ વાળેલા હોવાથી તેની જમીન પરની ચાલ બેડોળ હોય છે.

બતક

વન્ય બતકની લંબાઈ 30થી 150 સેમી. જેટલી, અને વજનમાં એકથી બે કિલોગ્રામ હોય છે. જોકે કેટલાંક બતકો 0.5 કિગ્રા. કરતાં પણ ઓછા વજનવાળાં હોય છે. મજબૂત કદના બતકનું વજન 5 કિલો જેટલું હોઈ શકે છે.

બતક વિવિધ રીતે ખોરાક ગ્રહણ કરતાં હોય છે. છીછરા પાણીમાં વાસ કરતાં બતકો ચાંચને પાણીમાં ડુબાડી ખોરાકનું પ્રાશન કરે છે. જ્યારે અન્ય કેટલાંક ખોરાક માટે પાણીમાં ડૂબકી મારતાં હોય છે. ડૂબકી મારનાર બતકની ચાંચ પ્રમાણમાં લાંબી અને કિનારી તીણી દાંતાવાળી હોય છે; જે માછલી પકડવા અનુકૂલન પામેલી હોય છે. છીછરા પાણીમાં વસતા બતકની ચાંચ ચપટી અને પહોળી હોય છે. તે કાંસકી જેવી કિનારી ધરાવે છે, જેથી પાણીને ગાળીને ખોરાકનું શોષણ કરી શકે છે. મીઠાં જળાશયોમાં વસતાં બતકોનો ખોરાક વનસ્પતિનાં મૂળ, બીજ તેમજ ગોકળગાય અને નાની છીપ જેવાંનો બનેલો હોય છે, જ્યારે ખારાં પાણીમાં વસતાં બતકો ગોકળગાય, છીપ, જિંગા માછલી તેમજ વનસ્પત્યાહાર કરતાં હોય છે. જંગલમાં વસતાં બતકો (wood ducks) નાનાં ફળ, બીજ અને કીટકોનો આહાર કરે છે. મર્ગાન્સર નામનાં દરિયાઈ બતકો મુખ્યત્વે માછલીનો શિકાર કરતાં હોય છે. વળી જળાશયોની તલસ્થ સપાટીએ વસતાં ગોકળગાય, છીપ અને વનસ્પતિ જેવાંનું પણ તે પ્રાશન કરે છે.

બતકના પગ ટૂંકા અને પાછલી બાજુએથી સહેજ વાંકા હોવાથી તે અણઘડ રીતે જમીન પર ચાલતાં હોય છે, જોકે મોટાભાગનાં ડૂબકીમાર (diving) બતક પાણીમાં ડૂબકી મારવા ઉપરાંત જમીન પર પણ વ્યવસ્થિત રીતે ચાલતાં હોય છે.

બતકની પૂંછડી પાસે એક ગ્રંથિ આવેલી હોય છે, જેમાંથી મીણ જેવો તૈલી પ્રવાહ સ્રવે છે. ચાંચની મદદથી આ તૈલને તે પીંછાની સપાટીએ ઘસે છે, પરિણામે પીંછાં જલાભેદ્ય બને છે. બતકનાં કોમલ પીંછાં બહારનાં પીંછાંની નીચે હવા પકડી રાખતાં હોય છે. આના કારણે શરીરની ગરમી પાણી કરતાં વધારે રહેવાથી તેને ઠંડા પાણીથી પૂરતું રક્ષણ મળે છે.

નર બતકનાં પીંછાં આકર્ષક રંગનાં લીલાં, લાલ કે બદામી હોઈ શકે છે. નર જાતિના કેટલાક બતક મોટાભાગે શ્વેત અને શ્યામ રંગના હોય છે. માદા બતક સામાન્યપણે ઘઉંવર્ણી હોય છે. તેનો રંગ પરિસર જેવો હોવાથી તેનાં સેવાતાં ઈંડાંને રક્ષણ મળે છે, બાળસંભાળમાં પણ તે અનુકૂળ નીવડે છે.

બતક શિયાળામાં સંવનન કરતાં હોય છે. સંવનન-ઋતુમાં માદા નરના રંગથી આકર્ષાઈને નરસાથીને સંવનન-સ્થળ તરફ ખેંચી જાય છે. દર વર્ષે સંવનનપ્રક્રિયા પૂરી થતાં નિયત સ્થળે બતક પાછાં ફરતાં હોય છે. બતકની આ ટેવને પ્રસ્થાપિત આદત (homing behavior) કહે છે.

ઘાસના ઢગલા જેવાં સ્થળોમાં અથવા તો વૃક્ષોની બખોલમાં માદા બતક માળો બાંધે છે અને માળામાં 5થી 12 ઈંડાં મૂકે છે અને તેનું સેવન કરે છે. 3થી 4 અઠવાડિયાંમાં બચ્ચાં જન્મે છે. દોઢેક દિવસની અંદર બચ્ચાં સ્વતંત્ર જીવન જીવતાં અને તરવા ઉપરાંત ખોરાક પણ જાતે મેળવતાં થઈ જાય છે.

સેવન માટે માદા રોકાયેલી હોય ત્યારે નર માદાથી અલગ થઈને અન્ય નર સાથે સમય પસાર કરે છે. સમય જતાં જૂનાં પીંછાં ઊતરી જતાં હોવાથી બતક ઉડ્ડયન કરી શકતું નથી. કેટલાંક ત્યાં સ્થાયી જીવન વિતાવે છે. શરદઋતુ દરમિયાન નવાં પીંછાં આવતાં તે પૂર્વવત્ વર્તે છે. બાળસંભાળની પ્રક્રિયા પૂરી થતાં માદાનાં પીંછાં પણ ઊતરી જતાં હોય છે. શરદઋતુમાં નવાં પીંછાં ઊગે ત્યારે બતક પોતાના મૂળ સ્થળે પાછાં ફરે છે. જ્યારે સ્થળાંતર કરતાં બતકો શિયાળામાં હવામાં ‘V’ આકાર બનાવીને સમૂહમાં સ્થળાંતર અર્થે પ્રયાણ કરતાં હોય છે. ‘V’ આકારને લીધે બતક ઓછા પરિશ્રમથી ઉડ્ડયન કરી શકે છે.

વૈવિધ્ય અને વસવાટ અનુસાર બતકોની વહેંચણી નીચે જણાવ્યા મુજબ કરવામાં આવે છે :

(1) છીછરાં પાણીનાં બતક (dabblers) : આ બતક ડૂબકી મારતાં નથી; પરંતુ પોતાની ડોકને જળાશયના તલસ્થ ભાગ તરફ લંબાવીને ખોરાક ગ્રહણ કરે છે. આવાં બતકોની પાંખ પર ચળકતાં પીંછાં હોય છે. પાણીમાં વિહાર કરતાં આ બતકો ત્વરિત ગતિએ કૂદીને ઉડ્ડયન કરતાં હોય છે. આ પ્રકારનાં મોટાભાગનાં બતકો ‘ટીલ’ નામે ઓળખાય છે. (દા.ત., વાદળી ટીલ, લીલી પાંખ ટીલ, બદામી ટીલ.) પિન-ટેલ બતક અને મૅલર્ડ બતક છીછરા પાણીમાં વસતાં હોય છે. મોટાભાગનાં પાલતુ બતકો મૅલર્ડના વિકાસમાંથી ઉદભવેલાં હોય છે.

(2) મીઠાં જળાશયોનાં ડૂબકીમાર બતક (divers) : આ બતકોની પાંખ નાની હોય છે. તે પાણીમાં વિહાર કરતી વખતે પાંખનો ઉપયોગ કરતાં નથી. તે વાયુમાં વહન (air-borne) કરવા થોડોક સમય પાણીની સપાટીએ તરીને ત્યારબાદ વાયુ પર વહે છે; દા.ત., મૅલર્ડ બતકો.

(3) ઉચ્ચસ્થાન-નિવાસી (perching) બતકો : આ બતકો વસવાટ માટે વૃક્ષો પસંદ કરતાં હોય છે. આ પ્રકારનાં બતકો એશિયા, આફ્રિકા તથા ઉત્તર અમેરિકાના ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જોવા મળે છે.

(4) દરિયાઈ બતક (sea ducks) : મર્ગાન્સર પ્રજાતિનાં બતકો મોટાભાગે દરિયામાં વસે છે. માછલી તેમનો મુખ્ય ખોરાક છે. ખોરાક પકડવા માટે લંબપુચ્છ બતકો (long-tailed ducks) દરિયામાં 50 મી. જેટલી ઊંડાઈએ ડૂબકી મારવાની ક્ષમતા ધરાવે છે.

(5) નૌ-બતક (steamer duck) : મજબૂત બાંધાનાં આ બતકો દક્ષિણ અમેરિકામાં વસે છે. તેમની પાંખ પ્રમાણમાં નાની હોય છે.

(6) અક્કડ ઊભેલાં (upright stana) બતકો : શેલ્ડક નામે ઓળખાતાં આ બતકો આફ્રિકા, એશિયા અને યુરોપમાં વસે છે. આ બતકનાં નર અને માદા બંને દેખાવમાં સરખાં હોય છે.

(7) ટટ્ટાર પૂંછડીવાળાં (stiff tailed) બતક : દક્ષિણ ગોળાર્ધમાં વસતાં આ બતકો મીઠાં જળાશયોનાં વતની હોય છે. આ બતકો પૂંછડીની મદદથી પાણીમાં ડૂબકી મારી ખોરાક ગ્રહણ કરતાં હોય છે. કેટલાંક ટટ્ટાર પૂંછડીવાળાં બતકો ઉત્તર અમેરિકામાં પણ વસતાં હોય છે. લાલ બતક (red duck) નામે ઓળખાતાં આ બતકો કદમાં સૌથી નાનાં હોય છે, પરંતુ તેમનાં ઈંડાં મરઘીના કરતાં બેવડા કદનાં હોય છે.

નયન કે. જૈન

મ. શિ. દૂબળે