બડોંદેકર, હીરાબાઈ

January, 2000

બડોંદેકર, હીરાબાઈ (જ. 29 મે 1905, મીરજ; અ. 20 નવેમ્બર 1989) : ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતશૈલીનાં કિરાના ઘરાનાનાં પ્રખ્યાત ગાયિકા. તેમનાં માતા તારાબાઈ પોતે એક સારાં ગાયિકા હતાં અને તેમના પરિવારમાં ત્રણ પેઢીઓથી સંગીતપરંપરાનો વારસો હતો. બાલ્યાવસ્થાથી જ સંગીત તરફ આકર્ષાઈને ત્રણ વર્ષની નાની ઉંમરથી જ પોતાના ભાઈ સુરેશબાબુ માને પાસેથી હીરાબાઈએ સંગીત શીખવાનું શરૂ કર્યું. સંગીતની સાથે-સાથે શાલેય શિક્ષણ સેન્ટ મેરી કૉલેજમાં સાતમી કક્ષા સુધીનું મેળવ્યું હતું.

1921થી તેઓ ઉસ્તાદ વહીદખાં પાસે સંગીત શીખવા લાગ્યાં. તેઓ સારું ગાતાં હતાં. છતાં તેમને બહાર ક્યાંય ગાવાની છૂટ નહોતી. વળી બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકર, કપિલેશ્વરી, ફૈજમુહમ્મદખાં, ગૌહરજાન, શંકરબુવા, ગોવિંદરાવ ટેમ્બે જેવાં અગ્રણી સંગીતકારો પાસેથી પણ તેમણે સંગીતની શિક્ષા લીધી હતી. 1930 બાદ તેમણે કાર્યક્રમો આપવાની શરૂઆત કરી. પુણેના ગાંધર્વ મહાવિદ્યાલયના સંગીત મહોત્સવમાં તેમનો પ્રથમ કાર્યક્રમ થયો, જે બહુ જ સફળ રહ્યો. ધીરે ધીરે ભરતપુર, ભાવનગર, ઇન્દોર, જૂનાગઢ વગેરે સ્થાનોમાં તેમને કાર્યક્રમો રજૂ કરવા આમંત્રણો મળતાં ગયાં.

હીરાબાઈ બડોંદેકર

તેમના કાર્યક્રમો આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો પરથી પ્રસારિત થવા લાગ્યા. વળી અખિલ ભારતીય આકાશવાણી કાર્યક્રમોમાં પણ તેમનો સમાવેશ થતો ગયો. પોતાના કાર્યક્રમો દ્વારા તેઓ શ્રોતાઓને ભાવવિભોર બનાવી દેતાં. ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ સાથે 1949માં દક્ષિણ આફ્રિકા અને 1953માં ચીન જવાનો મોકો તેમને મળ્યો હતો.

કિરાના ઘરાનાની વિશેષતા રાગની બઢતમાં જોવા મળે છે. હીરાબાઈ રાગના પ્રત્યેક સ્વરની બઢત કરવામાં માહેર હતાં. તેમના સ્વરવિસ્તારની યોજના ક્રમબદ્ધ રહેતી. તાનો સ્પષ્ટ અને સુઆયોજિત રહેતી. બડા ખ્યાલ, છોટા ખ્યાલ પછી તેઓ ઠૂમરી પણ ગાતાં. તેમના ગાયનની રેકર્ડ પણ તૈયાર થઈ છે. તેમણે ગાયેલા રાગ પટદીપમાં ‘પિયા નહીં આયે’ તેમજ ભૈરવી રાગમાં ‘અકેલી મત જઈયો રાધે જમુના કે તીર’ બહુ જ લોકપ્રિય થયા છે.

જીવનના અંતિમ દિવસ સુધી તેઓ કાર્યરત રહ્યાં. જેમની ગણના ભારતનાં ઉચ્ચ કલાકારોમાં થાય છે તે ડૉ. પ્રભા અત્રે તેમનાં મુખ્ય શિષ્યા છે. વિખ્યાત ગાયિકા સરસ્વતી રાણે તેમનાં નાનાં બહેન થાય છે. મહારાષ્ટ્ર સરકારે તેમને ‘ગાનહીરા’ ઉપાધિ આપી હતી. 1970માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ ખિતાબથી નવાજ્યાં હતાં.

મંદાકિની અરવિંદ શેવડે