બડોંદેકર, લક્ષ્મીબાઈ (જ. 1902, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. ) : મહારાષ્ટ્રનાં શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા. એમનું મૂળ નામ લક્ષ્મીબાઈ જાધવ. એમની માતાનું નામ યશોદાબાઈ, પિતાનું નામ પરશુરામ. તેમણે ગાયન-સમ્રાટ અલ્લાદિયાખાનસાહેબના ભાઈ, ખાનસાહેબ હૈદરખાન પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરી હતી.
1922થી 1945 સુધી તેઓ વડોદરા-દરબારમાં દરબારી ગાયિકાના પદ પર રહ્યાં હતાં. ત્યારબાદ પોતાના વતન કોલ્હાપુર ચાલ્યાં ગયેલાં. તેમના સંગીતના કાર્યક્રમો મૈસૂર, ઇન્દોર, કાશ્મીર, નાગપુર તથા રાજપૂતાના અને કાઠિયાવાડ વગેરે સ્થળોએ સફળતાપૂર્વક થયા હતા. જેને લીધે તેમની ખ્યાતિ ચારેય દિશામાં ફેલાઈ હતી.
હિઝ માસ્ટર્સ વૉઇસ અને યંગ ઇન્ડિયા કંપની દ્વારા તેમની લગભગ 50 ગ્રામોફોન રેકૉર્ડ બહાર પડી છે. આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી તેમના કાર્યક્રમો પ્રસારિત થતા રહે છે. ખયાલ અને ઠૂમરી-ગાયનમાં તેમની વિશેષતા છે.
તેમનો અવાજ મીઠો અને સૂરીલો હોવાને કારણે સારંગી સાથે તેમનો કંઠ ભળી જાય છે. એમની તાન દાણેદાર હોય છે અને તેમાં સ્વાભાવિક કંપન જોવા મળે છે. તેઓ પોતે એક વ્યાવસાયિક ગાયિકા છે. તેમની ‘કટવા ગડ ગઇલવા’ – આ દેશકારની ગાયકી વિશેષરૂપે પ્રસિદ્ધ છે.
બળદેવભાઈ કનીજિયા