બડની ક્રૉસિસ (અગ્રકલિકાનો સુકારો) : અગ્રકલિકાના સડા માટે કારણભૂત એક વિષાણુજન્ય રોગ. આ અગ્રકલિકાનો સુકારો જુદા જુદા વ્યાધિજનથી થાય છે. તે પૈકી મગફળી પાકમાં તેમજ ટામેટાંમાં થતો અગ્રકલિકાનો સુકારો એક પ્રચલિત રોગ છે. આ રોગ ભારતમાં સૌપ્રથમ 1964માં નોંધાયેલો. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં વિષાણુથી થતો મગફળીની અગ્રકલિકાનો સુકારો દર વર્ષે ખૂબ જ નુકસાન કરે છે.
વિષાણુનું આક્રમણ થતાં છોડનાં ઉપરનાં કુમળાં પાન પીળાં થઈ તેના પર રંગીન ચાઠાં પડે છે, જે સમય જતાં સુકાય છે અને આ દરમિયાન છોડની અગ્રકલિકા અને તે પછી પરિસ્થિતિવશાત્ પર્ણદંડ અને ટોચની કુમળી ડાળી પણ રોગિષ્ઠ થઈ સુકાઈ જાય છે અને પરિણામે આખો છોડ સુકાઈ જાય છે. તાપમાન વધારે હોય ત્યારે આ રોગનું પ્રમાણ વધારે હોય છે. રોગનો ફેલાવો થવાથી ખેતરમાં છોડો પીળા થવાથી, મગફળીની વૃદ્ધિ અટકી જાય છે. છોડની ડાળીની આંતરગાંઠની લંબાઈ ઘટે છે અને નવી ટૂંકી પીળાં પાનવાળી ડાળીઓ નીકળે છે. રોગવાળો છોડ સામાન્ય રીતે પીળો, નબળો, વિકૃત થયેલો જોવા મળે છે.
આ રોગનો ફેલાવો થ્રિપ્સ પ્રકારના કીટકો કરે છે. ખાસ કરીને ઑગસ્ટ–સપ્ટેમ્બર અને જાન્યુઆરી–ફેબ્રુઆરીમાં વધારે તાપમાન હોય ત્યારે આ રોગ ઝડપથી ફેલાય છે. નિયંત્રણ માટે રોગના વિષાણુને ફેલાવતી જીવાતો પર શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ