બડ, ઝોલા (જ. 1966, બ્લૉન ફૉન્ટેન, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના નામી મહિલા દોડવીર. વિવાદમાં અટવાયેલાં હતાં છતાં, તેમણે 5,000 મી.ની દોડ માટે 15 મિ. 1.83 સેકન્ડના સમયનો વિશ્વવિક્રમ નોંધાવ્યો; તે વખતે તે દક્ષિણ આફ્રિકાનાં નાગરિક હતાં. તેમનાં માતાપિતાની સામાજિક પૂર્વભૂમિકાને લક્ષમાં લઈ, 1984માં તેમને બ્રિટિશ નાગરિકત્વ આપવામાં આવ્યું અને તે 1984ની ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવાને પાત્ર બન્યાં. જોકે તેમની ત્યાંની હાજરીને સાર્વત્રિક આવકાર સાંપડ્યો ન હતો, ત્યાં તેમની રમત પણ નિરાશાજનક નીવડી, પણ એક બનાવથી તેમની એ દોડ સૌથી યાદગાર બની છે; 3,000 મી.ની દોડ દરમિયાન તેમનો પગ અમેરિકાનાં અન્ય મહિલા દોડવીર મેરી ડેકરના પગ સાથે અટવાઈ ગયો. 1984 તથા 1985માં તેમણે 5,000 મી.ની દોડમાં વિશ્વવિક્રમ પણ નોંધાવ્યા. તે પછી, દક્ષિણ આફ્રિકાને આંતરરાષ્ટ્રીય રમતોમાં પુન:પ્રવેશ ન અપાયો ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય દોડ-સ્પર્ધામાંથી તે અળગાં રહ્યાં.

મહેશ ચોકસી