બટ્રેસ (buttress) : દીવાલ અને છત જેવા બાંધકામને મજબૂત આધાર કે ટેકો આપવા બહારની બાજુએ બંધાતો પુસ્તો (કડસલા). આ ચણતર પાંચ પ્રકારે થાય છે : (1) કોણાત્મક પુસ્તો (angle buttress). આમાં બે પુસ્તાઓની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેનાથી બહારના ભાગમાં સળંગ કાટખૂણાની રચના થાય છે. (2) પેટીઘાટ પુસ્તો (clasping buttress). આમાં કાટખૂણાઓને આવરી લઈ પેટીના ઘાટની રચના કરવામાં આવે છે. (3) ત્રાંસો પુસ્તો (diagonal buttress). આમાં બે દીવાલો વચ્ચેના કાટખૂણાને ઊલટી દિશામાં સામસામે જોડીને પુસ્તો રચાય છે. તેમાં વત્તેઓછે અંશે કોણાત્મકતા ચાલુ રખાય છે. (4) ખૂણાથી સહેજ પાછલા ભાગે કરેલો પુસ્તો (setback buttress) અને (5) કમાનદાર પુસ્તો (flying buttress). મકાનની બહારની દીવાલ અને ખાસ કરીને છતને ટેકો કે આધાર આપતી આ રચનામાં સાધારણ રીતે છત સુધી પહોંચતી ઊંચી પૂર્ણ કમાનની અને મધ્યમ કદની અર્ધકમાનની રચના કરવામાં આવે છે.

બટ્રેસના પ્રકારો

ભારતનાં જૂનાં ગારા અને માટીનાં મકાનોમાં મુખ્ય કરાને આધાર આપવા માટે આવા પુસ્તા રચવામાં આવતા. એવી રીતે શહેરોમાં નદી તરફના ભાગના કિલ્લાઓની દીવાલો પર પણ આ પ્રકારના પુસ્તા કરવામાં આવતા.

પ્રવીણચંદ્ર પરીખ