બડગામ : જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક, તાલુકામથક અને નગર. ભૌગૌલિક સ્થાન : તે 34° 01´ ઉ.અ. અને 74° 43´ પૂ.રે. આજુબાજુનો કુલ 1,371 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ બારામુલ્લા જિલ્લો, ઈશાનમાં શ્રીનગર જિલ્લો, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ પુલવામા તથા પશ્ચિમ તરફ પુંચ જિલ્લો છે. જિલ્લાનું નામ જિલ્લામથક બડગામ પરથી અપાયેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ પર્વતો અને સપાટ મેદાની ખીણ-વિસ્તારથી બનેલું છે. અહીંની સરેરાશ ઊંચાઈ 1,584 મીટર જેટલી છે. જેલમ નદીના ડાબા કાંઠા તરફનો વિસ્તાર નીચાણવાળો છે, નદીના પૂરથી તે છવાઈ જતો હોવાથી ત્યાં પંકભૂમિના વિસ્તારો રચાયા છે. જેલમ અહીંની એકમાત્ર નદી છે. સ્થાનિક ભાષામાં ‘નાગ’ તરીકે ઓળખાતા ઝરા (ઝરણાં) અહીંના વિસ્તારમાં ફૂટી નીકળેલા જોવા મળે છે.

આબોહવા : આ જિલ્લાની આબોહવા શ્રીનગરને મળતી આવે છે. શિયાળાની મોસમમાં વધુ ઊંચાઈવાળા ભાગોમાં હિમવર્ષા થાય છે; તેથી શિયાળા ખૂબ ઠંડા રહે છે. અહીંનું (બડગામનું) જુલાઈ અને ડિસેમ્બર માસનું સરેરાશ તાપમાન અનુક્રમે 30° સે. અને 4° સે. જેટલું રહે છે, જ્યારે સરેરાશ વાર્ષિક વરસાદ 200 મિમી. જેટલો પડે છે. 1980ના વર્ષમાં અહીં 358.4 મિમી. જેટલો વિક્રમ વરસાદ નોંધાયેલો છે. કાંડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ક્યારેક તદ્દન ઓછું પડતું હોવાથી ત્યાં પાક નિષ્ફળ જાય છે. જિલ્લામાં પડતો વરસાદ પૂરતો થઈ પડે છે.

જમ્મુ–કાશ્મીર રાજ્યમાં બડગામનું ભૌગોલિક સ્થાન

જંગલો : જિલ્લાની કુલ ભૂમિના આશરે 16% વિસ્તારમાં જંગલો આવેલાં છે. તેમાં મુખ્યત્વે દેવદાર, બ્લૂપાઇન, સિલ્વર ફર, અખરોટ અને પૉપ્લર વૃક્ષોનું પ્રમાણ અધિક છે. જંગલો કપાતાં જતાં હોવાને કારણે ભૂમિ ખુલ્લી થતી હોવાથી જમીનધોવાણ વધુ થાય છે.

ખેતી-સિંચાઈ-પશુપાલન : આ જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમનો જીવનનિર્વાહ ખેતી પર જ આધાર રાખે છે. અહીંની જમીનો કાળી, કાંપવાળી અને દળદાર છે. અહીંની સ્થાનિક ભાષામાં તેને ‘સુરહા જમીન’ અથવા ‘ગુર્ટી’ કહે છે. ફળદ્રૂપ જમીનોને કારણે અહીં ડાંગરની ખેતી વિશેષ પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત અહીં રાસ્પબરી, સફરજન, પીચ, દ્રાક્ષ વગેરેના બગીચા આવેલા છે. અખરોટનું ઉત્પાદન પણ વધારે છે. તાજાં અને સૂકાં ફળોનો મબલક પાક થાય છે. અંબરી નામથી ઓળખાતાં વિશિષ્ટ પ્રકારનાં સફરજન તથા બદામનું વાવેતર અહીં થાય છે. મશરૂમ અને કેસરની ખેતીને ખાસ પ્રોત્સાહન અપાય છે. ખેડૂતોને ખેતીવિષયક બાબતોમાં અન્યત્ર લઈ જઈ તાલીમ આપવાની, જિલ્લાને સ્વાવલંબી બનાવવાની, ખોરાકી પેદાશો શક્ય એટલી ઓછી આયાત કરવાની તેમજ સુધારેલું બિયારણ, ખાતરો અને જંતુનાશકો વાપરવા પ્રોત્સાહન આપવાની – એવી સરકારની નીતિને કારણે વધુ ઉત્પાદન લેવાતું થયું છે. આ કારણે ખેડૂતોની આર્થિક-સામાજિક ઉન્નતિ થઈ છે. મોટાભાગની ખેતીમાં સિંચાઈનો લાભ લેવાય છે.

ગાયો અને ઘેટાં અહીં જોવા મળતાં મુખ્ય પશુઓ છે. મત્સ્ય ક્ષેત્રોના વિકાસ માટે માછીમારોને તકનીકી તાલીમ અપાય છે. નાલા, સુખનાળા અને ગૌહર પોરા ખાતે સોનેરી રંગની ટ્રાઉટ માછલીઓના ઉછેર માટેની યોજનાઓનું વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું છે અને તે માટે જરૂરી પ્રોત્સાહનો પણ અપાય છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં ઉદ્યોગોનો વિકાસ થયેલો ન હોવાથી તે માટેની શક્ય એટલી બધી જ યોજનાઓ અમલમાં મૂકી છે. તેથી ઉદ્યોગક્ષેત્રે અગાઉના કરતાં 25 %–30 % વધુ વિકાસ થયો છે. ચરારે શરીફનગર અહીંનું મખ્ય બજાર-સ્થળ છે. ‘કાંગરી’ તરીકે ઓળખાતી, ગળામાં લટકાવાતી, ગરમાવો આપતી કુલડીઓ બનાવવાનો ઉદ્યોગ અહીં વિકસ્યો છે. તે કુલડીઓ જિલ્લા બહાર પણ મોકલાય છે.

પરિવહન : આ જિલ્લામાં સડકમાર્ગોનું ચલણ વધુ છે. ગ્રામીણ વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના રસ્તાઓ બાંધવામાં આવ્યા છે અને માર્ગોની કુલ લંબાઈમાં વધારો કરવામાં આવ્યો છે. માર્ગ-બાંધકામ ખાતા તરફથી આવાસ યોજનાઓ પણ અમલમાં મુકાઈ છે. તે પૈકી 76 જેટલી ઇમારતો પૂરી કરવામાં આવી છે. જિલ્લામથક બડગામ ખાતે નાની કક્ષાનું નવું સચિવાલય તેમજ ઓમપોરા ખાતે જિલ્લા પોલીસ વસાહત પણ બંધાયેલ છે.

અહીં આતંકવાદની પ્રવૃત્તિ વકરી હોવાથી તેનાં ઉદ્યોગ-વેપાર, પરિવહન-પ્રવાસન વગેરે પર વિપરીત અસર પડી છે.

પ્રવાસન : આ જિલ્લામાં મુલાકાત લેવાયોગ્ય ઘણાં સ્થળો આવેલાં છે. અહીંના ચરારે શરીફ ખાતે હજરત શેખ નૂર-ઉદ્-દીન નૂરાની નામના સૂફી સંતની દરગાહ આવેલી છે. અહીં શેખ-ઉલ-આલમની પુણ્યતિથિ નિમિત્તે રમજાન મહિનાના છવ્વીસમા દિને ઉજવણી થાય છે. તેમની વાણીને અનુસરીને નાતજાતના ભેદભાવ વિના ભાવિકો ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રવિહીનોને કપડાં આપે છે  તથા પ્રદક્ષિણા કરે છે. આસ્તાના શરીફ, ચાદુરા (બડગામ) શિયાપંથી મુસ્લિમો માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થાનક મીર-શમ્સ-ઉદ્-દીન-ઈ-ઇરાકીની કબરનું છે. તે ઇરાકથી સ્થળાંતર કરીને અહીં આવેલા અને તેમણે આખા કાશ્મીર તેમજ તિબેટનો પ્રવાસ કરેલો. આ જિલ્લામાં ઈ. સ. 1897(હિજરી સંવત 1315)માં બાંધેલું ઇમામવાડા ગાહ નામનું એક સ્થાનક છે. આ ઉપરાંત અહીં ઈ. સ. 1930(હિજરી સંવત 1349)માં બાંધેલું બીજું પણ એક સ્થાનક છે. આ સ્થાનકોની ઘણા શિયા મુસ્લિમો દર શુક્રવારે તેમજ અન્ય તહેવારોએ ઇબાદત કરે છે.

ઈ. સ. 1950(હિજરી સંવત 1370)માં અંજુમને શરીફ શિયાના પ્રમુખે મુસ્લિમ ધર્મની જાણકારી માટે બાબુલ ઇલ્મની જામિયા સંસ્થાની સ્થાપના કરેલી છે. કાશ્મીરી ભાષામાં અનૂદિત કરેલો કુરાનનો પ્રથમ ગ્રંથ ગુલશને અદબ દ્વારા પ્રકાશિત થયેલો તે અહીં રાખેલો છે. મુસ્લિમ ધર્મનું શિક્ષણ લેવા દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે અહીં નિ:શુલ્ક રહેવા-જમવાની વ્યવસ્થા છે.

યસમર્ગ : શ્રીનગરથી નૈર્ઋત્ય તરફ આશરે 48 કિમી. અંતરે આવેલું 10 ચોકિમી.નો વિસ્તાર આવરી લેતું એક ગોચર છે. અહીંની અનુકૂળ આબોહવાને કારણે પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે એક પ્રવાસીગૃહ અને ત્રણ કુટિરો બાંધ્યાં છે. ઘણા પશુપાલકો તેમનાં પશુઓને લઈને ઉનાળામાં ચરિયાણ અર્થે અહીં સ્થળાંતર કરે છે. વળી, અહીં પર્વતખેડુઓ માટે ઉતારો કરવાનું અનુકૂળ સ્થાન પણ છે. આ ગોચર શ્રીનગર સાથે પાકા રસ્તાથી જોડાયેલું છે.

તોસામર્ગ : તોસા મેદાન તરીકે ઓળખાતું આ સ્થાન પુંચની ખીણ સાથે કેડીમાર્ગે જોડાયેલું છે. અહીં ઘણાં ફૂલો ઊગી નીકળે છે. વળી પશુઓના ચરિયાણસ્થાન તરીકે પણ તે ઉપયોગમાં લેવાય છે. તે શ્રીનગર સાથે પણ માર્ગથી જોડાયેલું છે.

અબ્નો ગુપ્તની ગુફા : આ જિલ્લામાં આ એકમાત્ર અગત્યની ગુફા છે. તે જિલ્લાના બીરવાહ ગામની તદ્દન નજીક બાંધવામાં આવેલી છે. લોકવાયકા મુજબ ભૂતકાળમાં આ ગુફાનો બીજો છેડો શોધી કાઢવાના બધા જ પ્રયાસો નિષ્ફળ ગયેલા છે. એમ પણ કહેવાય છે કે અબનુદ નામનો એક સંત તેના બાર શિષ્યોને લઈને તેમાં પ્રવેશેલો, પરંતુ તે બધા જ ક્યારેય પાછા ફરેલા નહિ.

વાત્રગંગ : મગામ નામના ગામમાં પર્વત-તળેટીમાંથી એક ઝરો ફૂટી નીકળે છે. તેનું જળ તદ્દન શુદ્ધ અને પારદર્શક રહે છે. એક માન્યતા મુજબ જ્યારે પણ અહીં દુષ્કાળની પરિસ્થિતિ પ્રવર્તે છે ત્યારે અહીંના લોકો આ જળમાં ગાયનું ચામડું બોળે છે અને તેથી થોડાક સમય પછી અહીં અચૂક વરસાદ પડે છે એવી અનુશ્રુતિ છે.

નારાયણ નાગ : બીરવાહ તાલુકાના ખાગ ગામમાં એક ઝરણું આવેલું છે. આ ઝરણા નજીક આવીને કોઈ પણ માણસ જ્યારે બૂમ પાડે છે ત્યારે તેનું પાણી હલવા માંડે છે. જોકે આ ઘટનાની કોઈ ખાતરી થયેલ નથી.

સુખ નાગ : બીરવાહ તાલુકામાં ઝનાન પથર પર્વત પર પાચક ગુણધર્મ ધરાવતા જળવાળું એક ઝરણું આવેલું છે. અગાઉ તે મનોરંજનનું સ્થળ ગણાતું હતું અને ઘણા કવિઓએ તેના પર પ્રશસ્તિગીતો પણ રચ્યાં છે.

નીલ નાગ : નગામ પાસેના જંગલ-વિસ્તારમાં પ્રવાસીઓના આકર્ષણરૂપ એક ઝરણું આવેલું છે. પ્રવાસીઓની સુવિધા માટે રાજ્ય સરકારે અહીં કુટિરો બાંધેલી છે. શ્રીનગર સાથે તે માર્ગથી જોડાયેલું છે. તેની સાથે ચમત્કારિક દંતકથા પણ સંકળાયેલી છે.

આ જિલ્લામાં અનેક લેખકો, કવિઓ, સૂફીઓ અને સંગીતકારો  થઈ ગયા છે. આ પૈકીના હઝરત નૂર-ઉદ્-દીન નૂરાનીની દરગાહ ચરારે શરીફ ખાતે આવેલી છે. અહીં છેલ્લાં છસો વર્ષથી જુદા જુદા ધર્મના હજારો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. સૂફી કવિઓમાં શમ્સ ફકીર, સામદ મીર અને શાહ ગફૂર થઈ ગયા. ક્રાંતિકારી કવિ અબ્દુલ અહદ આઝાદ પણ અહીંના હોવાનું કહેવાય છે. જિલ્લામાં થતી રહેતી ઘણી સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ લોકપરંપરાને જાળવી રાખી છે. અહીં નૂરાની કલ્ચરલ ફૉરમ, બદ્રાન ડ્રામૅટિક ક્લબ અને ભગત થિયેટર્સ જેવી સંસ્થાઓ ઊભી થયેલી છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 4,97,346 જેટલી છે. તેમાં 52% પુરુષો અને 48% સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. અહીં ઉર્દૂ, કાશ્મીરી અને ડોગરી ભાષાઓ બોલાય છે. અહીં 90 ટકાથી વધુ મુસ્લિમો છે. બાકીનામાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ લોકોનો સમાવેશ થાય છે. 1979થી આ જિલ્લામાં સમાજકલ્યાણ  પ્રવૃત્તિઓ વિકસી છે. 1980–81 દરમિયાન અહીં એક હસ્તકૌશલ્ય કેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે. તેમાં મુખ્યત્વે છોકરીઓને કાષ્ઠકોતરકામ અને રાચરચીલું બનાવવાનો કસબ શિખવાડાય છે. અહીંનાં 475 ગામડાંઓ પૈકી 349 ગામડાંઓમાં પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. અહીંના ત્રણેય તાલુકાઓમાં શિક્ષણ-વ્યવસ્થા સરખા પ્રમાણમાં વહેંચાયેલી છે. શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયાસો ચાલુ છે. જિલ્લામાં 75 % શિક્ષણ પ્રસર્યું છે. પ્રત્યેક કિમી.ના અંતરે એક એક શાળા હોય એવી યોજના મુકાઈ છે. પ્રૌઢ-શિક્ષણવર્ગો પણ ચાલે છે. તેમાં 5,000 પુખ્તવયના લોકો ભાગ લે છે, તેમને અભ્યાસ માટેની બધી સુવિધા નિ:શુલ્ક અપાય છે. 93 જેટલી અન્ય શિક્ષણસંસ્થાઓ છે, જેમાં 550 બાળકોને નિ:શુલ્ક શિક્ષણ, પુસ્તકો અને પહેરવેશ અપાય છે. આ જિલ્લામાં જરૂરી સુવિધાઓ ધરાવતી 1 હૉસ્પિટલ, 59 નાનાં દવાખાનાં, 19 કુટુંબ-નિયોજન-કેન્દ્રો, 7 પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો તથા 5 બાલકલ્યાણ-કેન્દ્રો સહિતનાં અન્ય સ્વાસ્થ્ય-કેન્દ્રો આવેલાં છે. વહીવટી ર્દષ્ટિએ જિલ્લાને ત્રણ તાલુકાઓ(બડગામ, બીરવાહ, ચાદુરા)માં અને 8 સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચી નાખેલો છે. બડગામ, બીરવાહ, ખાન-સાહિબ, ચરારે શરીફ અને મગામ અહીંનાં એક લાખથી ઓછી વસ્તીવાળાં શહેરો છે.

ઇતિહાસ : બડગામ અગાઉ ત્યાંના ડોગરા રાજવી પ્રતાપસિંહના નામ પરથી પ્રતાપસિંઘપુરા તરીકે ઓળખાતું હતું. 1979માં વહીવટી સરળતા માટે જિલ્લા-પુનર્રચનામાં બડગામ જિલ્લો રચાયો છે. અગાઉ તે બારામુલ્લા જિલ્લા હેઠળનો એક તાલુકો માત્ર હતો.

નીતિન કોઠારી

ગિરીશભાઈ પંડ્યા