બટાલા : ભારતના પંજાબ રાજ્યના ગુરદાસપુર જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો તાલુકો, તાલુકામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 31° 48´ ઉ. અ. અને 75° 12´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનું વાયવ્ય-અગ્નિ વિસ્તરણ વધુ છે, જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઈ ઓછી છે. તેની ઉત્તરે પાકિસ્તાનની સરહદ, ઈશાનમાં ગુરદાસપુર તાલુકો, પૂર્વમાં હોશિયારપુર જિલ્લો, અગ્નિ તરફ કપૂરથલા જિલ્લો, તથા દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમે અમૃતસર જિલ્લો આવેલાં છે. તાલુકાનું ભૂપૃષ્ઠ નદીઓની માટી, કાંપ, રેતી વગેરેથી રચાયેલાં ફળદ્રૂપ મેદાનોથી બનેલું છે. ભાકરા-નાંગલ યોજનાની ‘અપર બારી દોઆબ’ નહેર આ તાલુકામાં થઈને પસાર થતી હોવાથી જમીનોને તેની સિંચાઈનો લાભ મળી રહે છે. અહીં કપાસ, શેરડી, મકાઈ, ડાંગર જેવા કૃષિપાકો વિશેષ પ્રમાણમાં લેવાય છે. આ ઉપરાંત અહીંનાં કેટલાક ક્ષેત્રોમાંથી ચિરોડી (gypsum) મળે છે. આ તાલુકાનું મે માસનું સરેરાશ તાપમાન 34° સે. જેટલું તથા જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 11° સે. જેટલું રહે છે. શિયાળામાં ક્યારેક તાપમાન વધુ નીચે પણ જાય છે. તાલુકાનો સરેરાશ વાર્ષિક વરસાદ 750 મિમી. જેટલો છે. તે સડક તથા રેલમાર્ગે અમૃતસર તેમજ રાજ્યનાં નાનાંમોટાં નગરો સાથે સંકળાયેલો છે. બટાલા શહેર તાલુકામથક છે અને તે તાલુકાની લગભગ મધ્યમાં આવેલું છે.
શહેર : બટાલા 31° 48´ ઉ. અ. અને 75° 12´ પૂ. રે. પર જિલ્લામથક ગુરદાસપુરથી નૈર્ઋત્યમાં અને અમૃતસરથી ઈશાનમાં આવેલું છે. તે જિલ્લાનું બીજા ક્રમે આવતું મોટું શહેર છે. આ શહેર તાલુકાની ખેતપેદાશો અને ઔદ્યોગિક ચીજવસ્તુઓનું મુખ્ય મથક બની રહેલું છે. અહીં સુતરાઉ કાપડની મિલો, ખાંડનાં કારખાનાં, કપાસ લોઢવાનાં જિન તથા વણાટકામના એકમો આવેલા છે. અહીં આવેલા આશરે 400 જેટલા લઘુ ઔદ્યોગિક એકમોમાં ખેતીનાં ઓજારો તથા ઑટોમોબાઇલનાં કારખાનાં, ગરમ કાપડની મિલો તેમજ અન્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
બટાલાની ઉત્તરે ધારીવાલ અને નૈર્ઋત્યમાં અમૃતસર આવેલાં છે. તે રાજ્યનાં અન્ય શહેરો સાથે મહત્ત્વના રેલ તથા ધોરી માર્ગોથી જોડાયેલું છે. વળી તે અમૃતસર-પઠાણકોટને જોડતા મહત્ત્વના રેલમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 15 વચ્ચે આવેલું હોવાથી મોકાનું મથક ગણાય છે. પાકિસ્તાનની સીમા પર આવેલા ડેરાબાબા નાનક નામના ધાર્મિક સ્થળ અને બટાલા શહેર વચ્ચે પાકો રસ્તો છે.
અમૃતસરથી પ્રસારણ પામતા દૂરદર્શનના કાર્યક્રમોનો લાભ આ શહેરને પણ મળે છે. અહીં શાળાઓ તથા કૉલેજો આવેલી છે. 1991 મુજબ આ શહેરની વસ્તી 1,06,062 જેટલી છે, જેમાં શિક્ષિત પુરુષોનું પ્રમાણ 57 % અને સ્ત્રીઓનું પ્રમાણ 51 % જેટલું છે.
ઇતિહાસ : આ નગરની સ્થાપના 1472માં કપૂરથલાના ભટ્ટી રાજપૂત રાય રામદેવે કરેલી. મુસ્લિમ કાળ દરમિયાન આ સ્થળ પવિત્ર મનાતું હતું. ફારૂખ સૈયરના સમયથી ત્યાં ઇસ્લામ ધર્મનું શિક્ષણ અપાતું હોવાથી તેમજ લોકો ધર્મનિષ્ઠ હોવાથી આ શહેર ‘બટાલા શરીફ’ તરીકે ઓળખાતું હતું. સિયાલકોટના વીર હકીકતરાયની પત્ની સતી લક્ષ્મીદેવીની સમાધિ અહીં આવેલી છે. ગુરુ નાનકના શ્વસુરપક્ષનું કુટુંબ બટાલાનું વતની હતું. દંતકથા મુજબ ગુરુ નાનક તેમના લગ્નની મિજબાની વખતે ત્યાં તેમની સાથે જાનમાં ભિક્ષુકો તથા લૂલાં-લંગડાંને લઈ આવેલા હોવાથી તેમના શ્વશુર પક્ષના લોકો ગુસ્સે ભરાયેલા. તેમની યોજના ગુરુ નાનક તેમજ લૂલાં-લંગડાં ભિક્ષુકોની હત્યા કરી નાખવાની હતી, પરંતુ ગુરુ નાનકના દૈવી સામર્થ્યથી આ યોજના નિષ્ફળ નીવડેલી. આ સ્થળે કંધસાહિબ નામનું ગુરુદ્વારા બાંધવામાં આવેલું છે. આ નગરે સસ્તાં અને ઊંચી ગુણવત્તા ધરાવતાં કૃષિયંત્રો–ઓજારો બનાવવામાં ખૂબ ખ્યાતિ મેળવેલી છે.
નીતિન કોઠારી