બટાટા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum tuberosum Linn. (હિં., બં. भालू; મ., ગુ. બટાટો; અં. potato) છે. તેનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે. ભારતમાં આ પાક સત્તરમી સદીની શરૂઆતમાં પૉર્ટુગીઝો દ્વારા પ્રવેશ પામ્યો હોવાનું મનાય છે.
બટાટાનો છોડ 0.5 મી.થી 1.0 મી. જેટલી ઊંચાઈ ધરાવતી બહુશાખિત શાકીય જાતિ છે અને પ્રસારિત સ્વરૂપે વૃદ્ધિ પામે છે. તેની વિશિષ્ટ લાક્ષણિકતા તેનું ભૂમિગત પ્રકાંડ છે, જેની શાખાઓને છેડે ખાદ્ય ગ્રંથિલ(બટાટા)નું નિર્માણ થાય છે. તેનાં મૂળ અસ્થાનિક હોય છે અને પ્રકાંડ સામાન્યત: સપક્ષ (winged) હોય છે. પર્ણો અયુગ્મ એક-પીંછાકાર (impari pinnate) સંયુક્ત હોય છે. તેની અગ્રસ્થ પર્ણિકા મોટી હોય છે. પર્ણિકાઓ 5થી 9, અંડાકાર કે અંડાકાર-લંબચોરસ (ovate-oblong) હોય છે. પાસપાસેનાં પર્ણિકા-યુગ્મો અસમાન હોય છે. આ સ્થિતિને અંતરાયિત પીંછાકાર (interruptedly pinnate) કહે છે. પુષ્પવિન્યાસ પરિમિત લઘુષ્પગુચ્છી (cymose panicle) પ્રકારનો હોય છે. પુષ્પો સફેદ, પીળાથી લાલ, ગુલાબી કે જાંબલી રંગનાં હોય છે. ફળ ગોળાકાર, અનષ્ઠિલ પ્રકારનું હોય છે અને 2થી 4 સેમી. વ્યાસ ધરાવે છે. તેમાં 200થી 300 બીજ હોય છે. બીજ ચપટાં અને અંડાકાર હોય છે અને 1.5 મિમી. જેટલાં લાંબાં હોય છે.
રશિયા, પોલૅન્ડ, અમેરિકા, ચીન અને ભારત દુનિયાના સૌથી વધારે બટાટા ઉત્પાદન કરનાર દેશો છે. ભારત વિશ્વમાં વિસ્તારની ર્દષ્ટિએ ચોથા ક્રમે અને ઉત્પાદનની ર્દષ્ટિએ પાંચમા ક્રમે આવતો દેશ છે. બટાટાનો પાક એક અગત્યનો રોકડિયો પાક છે.
ગુજરાતમાં આ પાકનું શરૂઆતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસાની આજુબાજુ ખેતર તેમજ નદીવિસ્તારમાં વાવેતર થતું હતું. અત્યારે ખેડા, આણંદ, મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા અને જામનગર જિલ્લાઓમાં પણ તેનું વાવેતર થાય છે.
આ પાક ઠંડી ઋતુનો છે અને મધ્યમ પ્રમાણમાં હિમ સહન કરી શકે છે. ભારતમાં ટેકરીઓવાળા વિસ્તારમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં, જ્યારે સપાટ મેદાનોમાં રવી ઋતુમાં આ પાક લેવામાં આવે છે. રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીન બટાટાના પાકને અનુકૂળ આવતી નથી. નદીના ભાઠાની જમીનમાં બટાટાનો ઉત્તમ પાક લઈ શકાય છે.
બટાટાની અનેક જાતો છે, જેમાંથી કુફ્રી બાદશાહ, કુફ્રી જવાહર, કુફ્રી જ્યોતિ, કુફ્રી પુખરાજ અને કુફ્રી લવકર, કુફ્રી ચમત્કાર, કુફ્રી ચંદ્રમુખી, કુફ્રી જીવન, કુફ્રી ખાસી-ગરો, કુફ્રી મોતી, કુફ્રી નવીન, કુફ્રી શીતમન અને કુફ્રી સિંદૂરી ભારતના વિવિધ પ્રદેશોમાં વાવેતરમાં ખાસ જોવા મળે છે. વાવેતરનું અંતર જમીનના પ્રકાર અને બટાટાની જાત પર આધાર રાખે છે. બટાટાના વાવેતરમાં બે ચાસ વચ્ચે 45 સેમી. અને બે છોડ વચ્ચે 15થી 20 સેમી. અંતર રાખી વાવેતર થાય છે.
બટાટાનું સંવર્ધન કંદના ટુકડા રોપીને કરવામાં આવે છે. આને જ સામાન્ય રીતે બીજ કહે છે. એક હેક્ટરના વાવેતર માટે 2,500થી 3,000 કિગ્રા. બીજની જરૂરિયાત રહે છે. બટાટામાં થતો કોહવારો અટકાવવા ડાયથેન એ-45 દવા કાપેલા ટુકડા પર ભભરાવી વાવેતર કરવામાં આવે છે.
બટાટાની વાવણી ખેડૂતો હળ અથવા બાવટાથી કરે છે અને કેટલાક ખેડૂતો ટ્રૅક્ટર-પ્લાન્ટરથી પણ તે કરતા હોય છે.
વાવેતર બાદ હલકી રેતાળ જમીનમાં 10 દિવસે એક પિયત આપવામાં આવે છે; જ્યારે ભારે ગોરાડુ જમીનમાં ઉગાવો થયા બાદ પિયત આપવામાં આવે છે.
બટાટાના પાકને 200 કિગ્રા. નાઇટ્રોજન, 100 કિગ્રા. ફૉસ્ફરસ અને 200 કિગ્રા. પૉટાશ ખાતરો પ્રતિ હેક્ટરે આપવામાં આવે છે; જેમાં નાઇટ્રોજન ખાતર બે હપતામાં આપવામાં આવે છે. પાયાના ખાતર તરીકે અડધો નાઇટ્રોજન તથા બધો ફૉસ્ફરસ અને પૉટાશ પાળામાં વાવેતર પહેલાં આપવામાં આવે છે. બાકીનો અડધો નાઇટ્રોજન પાક 35થી 40 દિવસનો થાય ત્યારે પાળા ચડાવતી વખતે અપાય છે.
પાકને રોપણી બાદના પ્રથમ 4થી 6 અઠવાડિયાં દરમિયાન નીંદણમુક્ત રાખવામાં આવે છે, જેથી નીંદણથી થતું નુકસાન નિવારી શકાય.
બટાટાને ફૂગ, બૅક્ટેરિયા, વાઇરસ, માયકોપ્લાઝ્મા અને દેહધાર્મિક પરિબળો દ્વારા વિવિધ રોગો થાય છે. ફૂગ દ્વારા થતા રોગોમાં પાછોતરો સુકારો Phytophthora infestans (Mont.) de Bary દ્વારા થતો ગંભીર રોગ છે. તેનું નિયંત્રણ મેદાનોમાં ડાઇથેન Z-78, ડાઇથેન M-45, ડાઇફોલેટન 80W, બ્રેસ્ટાન અને ડ્યુટરના છંટકાવ દ્વારા કરવામાં આવે છે. પહાડી વિસ્તારોમાં બોર્ડો-મિશ્રણ દ્વારા શ્રેષ્ઠ નિયંત્રણ થાય છે. ફૂગનાશકોનો છંટકાવ સુકારો થતા પહેલાં 10 દિવસના આંતરે પુનરાવર્તિત રીતે કરવામાં આવે છે. કુફ્રી જ્યોતિ, કુફ્રી જીવન, કુફ્રી નવીન, કુફ્રી ખાસી-ગરો, કુફ્રી અલંકાર, કુફ્રી મોતી વગેરે સુકારા-અવરોધક જાતોનું વાવેતર સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
ફૂગ દ્વારા થતા અન્ય રોગોમાં આગોતરો સુકારો [Alternaria solani (Ell. & Martin) Jones. & Grout], કાળો ખોડો (Rhizoctonia solani Kuhn.), ભૂકી-કોપટા(powdry-scab)નો રોગ [Spongospora subterranea (Wallr.) Johns.], સ્ક્લેરોશિયમનો ગ્રંથિલ સડો (Schlerotiam rolfsii Sacc.), ચાઠાનો રોગ [Synchytrium endobioticum (Schilb.) Perc.] વગેરેનો સમાવેશ થાય છે.
બૅક્ટેરિયા દ્વારા થતા રોગોમાં બદામી સડો (Pseudomonas solanacearum E. F. Smith) અને બટાટાનો પોચો સડો [Erwinia carotovora (Jones.) Holland] મુખ્ય છે.
વાઇરસ દ્વારા થતા રોગોમાં પર્ણોને થતો ‘મોઝેક’, ‘લીફ-રોલ’, ‘વિચિઝ બ્રૂમ’ અને ‘પર્પલ ટૉપ રોલ’ ગંભીર રોગો ગણાય છે.
અપરોપજૈવિક રોગો અયોગ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ અને દેહધાર્મિક પરિબળોને લઈને થાય છે. તેના દ્વારા થતા અગત્યના રોગોમાં ‘હૉલો હાર્ટ’, ‘બ્લૅક હાર્ટ’ અને ‘ઇન્ટર્નલ રસ્ટ-સ્પૉટ’નો સમાવેશ થાય છે.
બટાટાની જાત પ્રમાણે તેના વાપરવાલાયક કંદ 80થી 110 દિવસમાં તૈયાર થઈ જાય છે. હળ અથવા ટ્રેક્ટર-ડિગર વડે બટાટા કાઢી લેવામાં આવે છે. એક હેક્ટરે 25થી 35 ટન સુધી કંદનું ઉત્પાદન મળે છે.
બટાટાની ત્રણ જાતો(ગ્રેટ સ્કૉટ, પ્રેસિડેન્ટ અને અપ-ટુ-ડેટ)નું અનુક્રમિક રાસાયણિક મૂલ્ય આ પ્રમાણે છે : ભેજ 77.4 %, 77.1 %, 75.4 %; અશુદ્ધ પ્રોટીન 2.3 %, 1.8 %, 1.8 %; ઈથર-નિષ્કર્ષ 0.1 %, 0.1 %, 0.1 %; ભસ્મ 0.9 %, 1.0 %, 1.0 %; અશુદ્ધ રેસા 0.4 %, 0.3 %, 0.3 % અને અન્ય કાર્બોદિતો 18.9 %, 19.7 %, 21.4 %.
બટાટામાં ખનિજ-તત્વોનું પ્રમાણ (મિગ્રા./100 ગ્રા.) આ પ્રમાણે છે : કૅલ્શિયમ 6.5, 6.6, 6.2; ફૉસ્ફરસ 37.4, 37.0, 33.7 અને લોહ 1.4, 1.7, 1.3; 35% જેટલો ફૉસ્ફરસ ફાઇટિન સ્વરૂપે હાજર હોય છે અને 28 % જેટલું લોહ આયનનક્ષમ (ionisable) હોય છે. બટાટામાં પોટૅશિયમ પુષ્કળ પ્રમાણમાં અને સોડિયમ અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે.
બટાટામાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નામની અગત્યની શર્કરાઓ હોય છે. અન્ય શર્કરાઓમાં ગેલૅક્ટોઝ, મેલિબાયોઝ, રેફિનોઝ, સ્ટેચિઓઝ, પ્લેન્ટિઓઝ, માયોઇનોસિટોલ, માલ્ટોટ્રાયોઝ, મેન્નિનોટાયોઝ, ગેલૅક્ટિનોલ, ટ્રાઇગેલૅક્ટોસીલ ગ્લિસરૉલ, ડાઇગૅલેક્ટોસીલ ગ્લિસરૉલ, ગ્લૂકોસીલ માયોઇનોસિટોલ, રિબોસીલ ગ્લુકોઝ, ઝાયલોસીલ ગ્લુકોઝ, ઍરેબિનોસીલ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝના એકમોની બનેલી ટ્રાઇસૅકેરાઇડનો સમાવેશ થાય છે.
બટાટામાં તેના શુષ્ક વજનના 65 %થી 80 % જેટલો સ્ટાર્ચ હોય છે. બટાટાની મૃદુતકીય પેશીમાં આવેલા રંગહીન કણો(leucoplasts)માં સ્ટાર્ચની સૂક્ષ્મ કણિકાઓ જોવા મળે છે. આ કણિકાઓ ઉપવલયાકાર હોય છે અને 100 માઇક્રૉન × 60 માઇક્રૉનનું કદ ધરાવે છે અને તેમાં છીપની જેમ રેખાંકન (striation) જોવા મળે છે. બટાટાના સ્ટાર્ચમાં ઍમાઇલોઝ અને ઍમાઇલોપૅક્ટિનનો 24 : 76નો ગુણોત્તર હોય છે.
બટાટાના ગ્લૉબ્યુલિનમાં એમીનોઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : આર્જિનિન 6.0 %; હિસ્ટિડીન 2.2 %; લાયસિન 7.7 %; ટ્રિપ્ટોફેન 1.6 %; ફિનિલ ઍલેનિન 6.6 %; સિસ્ટીન 2.1 %; મિથિયૉનીન 2.3 %; થ્રિયૉનીન 5.9 % અને વેલાઇન 6.1 %. પ્રોટીનમાં સલ્ફર એમીનોઍસિડ અને હિસ્ટિડીન ખૂબ અલ્પ પ્રમાણમાં હોય છે. બટાટામાં લાયસિન પુષ્કળ પ્રમાણમાં હોવાથી ધાન્યયુક્ત આહારમાં પૂરક તરીકે તે આપી શકાય છે.
બટાટામાં (100 ગ્રા. ખાદ્ય ભાગમાં) પ્રજીવક ‘એ’ 40 આઇ. યુ.; થાયેમિન 0.1 મિગ્રા.; રાઇબોફ્લેવિન 0.01 મિગ્રા.; નિકોટિનિક ઍસિડ 1.2 મિગ્રા.; પ્રજીવક ‘સી’ 17 મિગ્રા. અને કોલાઇન 100 મિગ્રા. હોય છે, ફૉલિક ઍસિડ 7.4 મા.ગ્રા. પ્રતિ 100 ગ્રા. હોય છે.
બટાટા ધાન્યપાકોની સરખામણીમાં ટૂંકા સમયમાં એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન આપતો પાક છે. બટાટા મુખ્યત્વે શાકભાજી તરીકે ઉપરાંત તળેલી વાનગીઓ (કાતરી, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઇડ) બનાવવા, સૂકી વાનગીઓ (બટાટાનો લોટ, દાણા, ફ્લેક્સ) અને કૅનિંગ માટે વપરાય છે.
જમીનમાં બટાટાના કંદ વિકાસ પામતા હોય ત્યારે તે જમીન બહાર ખુલ્લા થઈ જાય તો તે લીલા રંગના થઈ જાય છે. આવા લીલા બટાટા ખાવામાં હાનિકારક છે, કારણ કે તેમાં સોલેનાઇન ગ્લુકોઍલ્કેલોઇડ નામનું ઝેરી તત્વ હોય છે.
રાજેન્દ્ર ખીમાણી
દેવશીભાઈ સાદરિયા
બળદેવભાઈ પટેલ