બજાણિયો : અંગકસરત આદિના પ્રયોગો દ્વારા મનોરંજન કરનાર ગુજરાતનો લોકકલાકાર. પ્રાચીન ભારતમાં 14 વિદ્યા અને 64 કળાઓ જાણીતી હતી. તેમાં નટ બજાણિયાની વિદ્યાને નવમી ગણવામાં આવી છે :
‘નટવિદ્યા નવમી કહું, ચડવું વૃક્ષ, ને વાંસ;
લઘુ ગુરુ જાણવા, ગજ, ઊંટ ને અશ્વ.’
ગુજરાતના ગામડાગામમાં અઢારે વરણનું મનોરંજન કરનાર નટ બજાણિયા જાણીતા છે. વાંસની ઘોડી પર દોરડું બાંધી તેના પર ચડીને વિવિધ પ્રકારના મનોરંજક ખેલ કરનાર આ લોકો નટ, ગોડિયા, ગોડ-બજાણિયા કે નટ બજાણિયાના નામે જાણીતા છે. ગુજરાતમાં તેઓ વિરમગામ, કપડવંજ, નાના રામપરા, સખીદર, નવા આજવા, કચ્છમાં નખત્રાણા તાલુકાના ગઢશીશા અને ગાંધીગ્રામ, તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર અને અમરેલીમાં છાપરાં કે કાચાંપાકાં મકાનો બનાવીને છૂટાછવાયા વસવાટ કરે છે. ભુજમાં ‘નટનગર’ નામે તેમની વસાહત પણ છે. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામને અડીને ‘બજાણિયાનું પરું’ વસેલું છે. તેઓ લગ્ન-પ્રસંગે ઢોલશરણાઈ અને મશકવાજાં વગાડે છે અને દોરડાના ખેલ પણ કરે છે.
નટ-બજાણિયામાં ચાર ફાંટા જોવા મળે છે : એક રાજનટ, બીજા મારવાડી નટ, ત્રીજા હરિજનોના નટ અને ચોથા નટડા. રાજનટ જૂના કાળે રાજરજવાડાંઓમાં જ ખેલ રજૂ કરતા. રાજરજવાડાંઓ તેમના ખેલથી ખુશ થઈને ગામગરાસ કે સોનાચાંદીના હાર આપી એમની કળાની કદર કરતા. એમ કહેવાય છે કે ધ્રાંગધ્રાના જહાજી ઝાલાએ નટ લોકોના કલાકસબથી ખુશ થઈને બજાણા ગામ ગરાસમાં આપેલું, ત્યારથી નટ લોકો બજાણિયા તરીકે ઓળખાવા લાગ્યા. કચ્છના મહારાજાએ નટ લોકોને સોમડી ગામ ઇનામમાં આપેલું. જામનગરના જામશ્રી રણમલજી બીજાએ આકાશમાં ઊડવાનો અખતરો કરનાર નટને ઠેબા ગામ ગરાસમાં આપેલું એમ કહેવાય છે. જૂના કચ્છ રાજ્યમાં નાગપંચમી અને દશેરાએ રાજની સવારી નીકળતી ત્યારે બજાણિયા દસથી પંદરફૂટ ઊંચા વાંસ સાથે, પોતાના બેય પગ બાંધી હાથમાં ઢાલ-તલવાર લઈ દોરડા પર ચાલતા. એનાં ચિત્રો આજેય સચવાયાં. છે.
ગામડાંમાં ખેલ કરવા જનાર નટ બજાણિયાની આઠ-દસ જણની ટોળી હોય છે. તેમનાં ગામો વહેંચેલાં હોય છે, તે મુજબ ટોળીઓ પોતપોતાના પંથકનાં ગામડાંમાં ફરીને ખેલ કરે છે. તેઓ ગામના પાદરમાં, દેવમંદિરના ચોકમાં કે ચોરે જઈને પડાવ નાખે છે. ગામના પટેલ કે મુખીને મળીને રમવાની રજા માગે છે. આ મારવાડી નટને નામે ઓળખાય છે. નટ બજાણિયા સામાન્ય રીતે રાતે ખેલ કરે છે તો કેટલાક દિવસે પણ ખેલો કરી બતાવે છે. રાતે રમનાર નટ બજાણિયા ‘ભડકિયા નટ’ને નામે ઓળખાય છે. તેઓ ગામમાં જઈને કોઈના ઘેરથી ઘાસતેલ માગી લાવી પાણી ભરેલી ત્રાસકમાં રેડી એમાં દીવી બોળીને સળગાવીને ભડકા કરીને ખેલ કરે છે. પછી ઢોલ-શરણાઈના તાલે તાલે દોરડા પર થાળી મૂકીને ચાલે છે, હોકો પીએ છે. માથે બેડાં મૂકીને વાંસ પર ચડે છે. પેટ પર વાંસની અણી ટેકવી ચક્કર ચક્કર ફરે છે. ક્યારેક જીવતું ગધેડું પીઠ માથે બાંધી તેના પર નાનું બાળક બેસાડીને દોરડે ચડે છે. દિવસે ખેલ કરનાર નટ બજાણિયા જમીન પરના ખેલ પણ બતાવે છે.
નટ બજાણિયા હનુમાનજીને પોતાના આદ્યપુરુષ માને છે. બાળક માતાના ઉદરમાં હોય ત્યારથી સગર્ભા નારીને તલનું તેલ પિવરાવવાનું શરૂ કરે છે. બાળક જન્મે પછી તેલનું માલિસ શરૂ કરે છે. તેઓ કહે છે કે ‘જેટલો તેલ એટલો ખેલ.’
જૂના કાળે નટ બજાણિયા અંગકસરતના અને દોરડા પર ચાલવાના ખેલ કરતા. એ વખતે ગોડ બજાણિયા હાથચાલાકી અને નજરબંધીના ખેલ કરી લોકમનોરંજન કરતા. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’માં એની એક કથા મળે છે. જૂનાગઢના રાજા રા’ખેંગારના સમયમાં સીતાપુર ગામમાં રામજી કરીને ગોડ બજાણિયો રહેતો. તે હાથચાલાકી અને નજરબંધીના ખેલ કરતો. એ જ્યાં ખેલ કરવા જાય ત્યાં ચોકમાં ફાટલ-તૂટલ કપડું પાથરે. થાળી વગાડી નાનાં છોકરાં ને નવરા લોકોને ભેગાં કરે. ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા વિનોદ દ્વારા એક શબ્દ પણ ફેરવ્યા વિના બધાંને હસાવે. જાતજાતનાં વિચિત્ર આસનો કરે, નાકની અણી પર થાળી અધ્ધર રાખે. પછી માથું તથા હાથ ભોંય પર રાખી તડકામાં ઝગારા મારતા ગોળા ઊંચાનીચા ઉછાળે ને પગેથી ઝીલે, ગોળા પેટમાં નાખી મોંમાંથી કાઢે. રાણીછાપના એક રૂપિયામાંથી ખોબો રૂપિયા બનાવે.
એ પછી ગામલોકોની હાજરીમાં સાથેના બજાણિયાને કપડાના જાડા સલાખામાં બેસાડી તેની ગાંસડી બંધાવી કોઈના ઘરના ઓરડામાં મૂકી તાળું મારે. પછી ચોકમાં આવી તાળીના એક, બે ને ત્રણ અવાજ કરે ત્યાં તો પળવારમાં ગાંસડીમાં બંધાયેલો માણસ હાજર થઈ જાય. પછી એને જમીન પર સુવરાવી એની છાતી પર પાંચ મણનો પથ્થર મૂકી પાણીની અંજલિ છાંટી તેના ટુકડા કરી નાખે. એ પછી છાણાનો ભઠ્ઠો સળગાવી એમાં લોઢાના ગોળા તપાવીને ધખધખતા ગોળા મોંમાં મૂકીને બહાર કાઢી બતાવે.
જોનારને રસ પડે એટલે બજાણિયો દસેક ફૂટ સૂતરની લાંબી દોરી લઈ એને બાળી, રાખ કરી પાણીમાં નાંખીને પી જાય. પછી જમિયલશા પીરની આરતી કરી, પોતાના પેટમાં છરીનો ઘા મારી, હતો એવો દોરો બહાર કાઢે. બીજા બજાણિયાને હાથમાં લોઢાની હાથકડીઓ પહેરાવે. પછી હનુમાનજીનું નામ લઈ હફ કરે ત્યાં તો હાથકડીઓ તૂટીને ભોંય પડે. પાંચસાત વરસના છોકરાને જમીન પર ચત્તું સુવરાવી તેના પેટ પર ડીંડલિયા થોરનો કટકો મૂકે. એક બજાણિયાની આંખે પાટા બાંધી એને ગોળ ગોળ ઘુમાવી હાથમાં તલવાર આપે., બજાણિયો ફરતો ફરતો છોકરા પાસે જઈ તેના પેટ પર તલવારનો ઘા કરી થોરના ડીંડલાના બે કટકા કરી નાખી જોનારના શ્વાસ અધ્ધર કરી દે. માથા પર અગ્નિ સળગાવી, તપેલીમાં ચા બનાવી ગામના મુખીને પિવરાવે. આવા હેરત પમાડે તેવા નજરબંધીના કંઈક ખેલ બજાણિયા બતાવે. ખેલ પૂરો થાય એટલે ખરડો (પૈસાની ઉઘરાણી) કરે. ગામલોકો યથાશક્તિ એને અનાજ કે રોકડ રકમ આપે.
બજાણિયા માટે એક કહેવત પણ જાણીતી છે : ‘બજાણિયાની ઢોલકી બેય કોર વાગે.’ બંને પક્ષને સારું લગાડીને કામ લેનારને માટે આ કહેવત પ્રયોજાય છે.
આજે તો ગામડામાં રેડિયો, ટી.વી. અને પ્રસારમાધ્યમો આવતાં નટ બજાણિયાનો ધંધો સાવ પડી ભાંગ્યો છે. સારા ખેલ કરનાર નટ બજાણિયા પણ રહ્યા નથી; નથી બજાણિયાના કદરદાનો રહ્યાં. પરિણામે તેઓ વંશપરંપરાનો ધંધો છોડીને મજૂરીનાં કામકાજ કરવા માંડ્યા છે. લોકસંસ્કૃતિ-લોકકલાનો આ મૂલ્યવાન વારસો કોઈ પણ રીતે જળવાઈ રહે એ માટે ગુજરાત લોકકળા ફાઉન્ડેશન સક્રિય કામગીરી બજાવી રહ્યું છે.
જોરાવરસિંહ જાદવ