બજાજ, રાહુલ (જ. 10 જૂન 1938, કલકત્તા) : અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ. સ્વાતંત્ર્ય-સંગ્રામ અને દેશસેવા સાથે આજીવન સંકળાયેલા જમનાલાલ બજાજના પૌત્ર અને કમલનયનના પુત્ર. તેમની માતાનું નામ સાવિત્રીદેવી. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. અને એમ.બી.એ.(હાર્વર્ડ)ની ડિગ્રીઓ મેળવીને રાહુલ ઉદ્યોગક્ષેત્રે જોડાયા અને ટૂંકસમયમાં બજાજ ઑટો લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર થયા. બીજી અનેક કંપનીઓ સાથે સંકળાવા છતાં તેમણે પોતાનું મુખ્ય ધ્યાન સ્કૂટર-ઉત્પાદન પર કેન્દ્રિત કર્યું. પરિણામે 1980ના દાયકાની બજાજ ઑટો કંપની અત્યંત ઝડપી વિકાસ સાધનારી કંપની બની. તેનું વેચાણ 5.19 કરોડથી શરૂ કરીને 1850 કરોડ સુધી પહોંચ્યું. 1997–98માં તેણે 464 કરોડનો ચોખ્ખો નફો કર્યો, જે તેના આગલા વર્ષ કરતાં 5.5 %નો વધારો સૂચવે છે. બજાજની આ સિદ્ધિ ત્રણ દાયકા પૂર્વે તેમણે કરેલ સ્કૂટર, મોપેડ, અને પછી મોટરસાઇકલો બનાવવાનો નિર્ણય અને તેને મૂર્ત કરવા માટે કરેલ ભારે પુરુષાર્થને આભારી છે. ભારતની વર્તમાન ડામાડોળ આર્થિક સ્થિતિ અને તીવ્ર હરીફાઈ વચ્ચે પણ બજાજ ઑટોએ સ્કૂટર બજારમાં પોતાનો 30 % હિસ્સો સાચવી રાખ્યો છે અને તેનું મુખ્ય શ્રેય રાહુલ બજાજને ઘટે છે.

રાહુલ બજાજ

રાહુલ બજાજની ઔદ્યોગિક કુનેહનો લાભ અન્ય ઔદ્યોગિક કંપનીઓ અને એસોસિયેશનોએ પણ લીધો છે. આ સંદર્ભે મુકંદ આયર્ન ઍન્ડ સ્ટીલ લિમિટેડ અને હિંદુસ્તાન મોટર લિમિટેડના ડિરેક્ટર, મહારાષ્ટ્ર સ્કૂટર, કે. સી. ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર તરીકેની તેમની સેવાનો ખાસ નિર્દેશ કરી શકાય. રાહુલ બજાજે કૉન્ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII), એસોસિયેશન ઑવ્ ઇન્ડિયન એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ઍસોસિયેશન ઑવ્ ઇન્ડિયન ઑટોમૉબાઇલ મૅન્યુફૅક્ચરર્સ તેમજ મહારાષ્ટ્ર ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખપદે રહીને તે સંસ્થાઓને સક્રિય થવામાં કીમતી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓ સરકારની અનેક ઔદ્યોગિક યોજનાઓમાં સલાહકાર તરીકે પોતાની સેવાઓ આપે છે. બ્રિટનના હિઝ રૉયલ હાઇનેસ પ્રિન્સ ચાર્લ્સે ફેબ્રુઆરી 1992માં તેમને ‘પ્રિન્સ ઑવ્ બિઝનેસ લીડર્સ ફૉરમ’ના સભ્યપદે નિયુક્ત કરીને તેમનું બહુમાન કર્યું છે.

તેમનો પુત્ર રાજીવ બજાજ ઑટો લિમિટેડના સંચાલનની મોટાભાગની જવાબદારી સંભાળે છે.

જયન્તિલાલ પો. જાની