બજાજ, સંજીવ (જ. 2 નવેમ્બર, 1969, પુણે, ભારત) : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ, ઑટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ વગેરે વિવિધતાસભર ઉદ્યોગોમાં કાર્યરત ભારતીય બહુરાષ્ટ્રીય કૉર્પોરેટ જૂથ બજાજ ગ્રૂપની ધિરાણ સેવાના વ્યવસાયની માલિક કંપની બજાજ ફિનસર્વ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ગાંધીજીના અંતેવાસી જમનાલાલ બજાજના પૌત્ર અને બજાજ ગ્રૂપનો ઝડપથી વિકાસ કરનાર ગાંધીવાદી ઉદ્યોગપતિ સ્વ. રાહુલ બજાજના પુત્ર. માતા રુપારાણી બજાજ.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પુણેમાં સ્વિસ મિશનરી સંચાલિત કૅથોલિક કૉન્વેન્ટ સ્કૂલમાં મેળવ્યું. પછી સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટીમાંથી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યાર બાદ યુનાઇટેડ કિંગ્ડમ(યુકે)માં વૉર્વિક યુનિવર્સિટીમાંથી મૅનુફૅક્ચરિંગ સિસ્ટમ્સ એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની ઉપાધિ મેળવી. ત્યાંથી અમેરિકા જઈને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએની ઉપાધિ મેળવી.

1994માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત બજાજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની બજાજા ઓટોમાં ધિરાણ, કાયદા અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય વિભાગોમાં કામગીરી શરૂ કરી. આ વિભાગોમાં ખર્ચ પર નિયંત્રણ, નીતિનિયમોનું પાલન અને કંપનીનું આંતરરાષ્ટ્રીય વિસ્તરણ કરવા નિકાસ વ્યૂહરચનાઓ બનાવવામાં સંજીવ બજાજે ચાવીરૂપ ભૂમિકા ભજવી. અહીં બજાજા ઓટોમાં જનરલ મોટર્સનાં મૉડલનું અનુકરણ કરીને પુરવઠાની સાંકળનું વ્યવસ્થાપન કરવાની રીત પ્રસ્તુત કરી, જે સંજીવ બજાજની નોંધપાત્ર ઉપલબ્ધિ ગણાય છે.

વર્ષ 2004માં બજાજ ઓટોમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સંજીવની નિમણૂક થઈ. વર્ષ 2007માં બજાજ ગ્રૂપમાંથી દરેક કંપનીઓને અલગ કરવામાં આવી. વર્ષ 2008માં સંજીવને બજાજ ફિનસર્વના મૅનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા, જે ધિરાણ, વીમા અને એસેટ મૅનેજમેન્ટમાં કાર્યરત છે. આ ભૂમિકામાં સંજીવે બજાજ ફિનસર્વને દેશની ટોચની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) બનાવી દીધી. વર્ષ 2012માં બજાજા ફાઇનાન્સ લિમિટેડના વાઇસ ચેરમૅન અને બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર બન્યા. આ ભૂમિકામાં તેમણે બજાજ ગ્રૂપની ધિરાણ કરતી કંપનીઓની આગેકૂચમાં પ્રેરકબળ તરીકે કામગીરી કરી.

મે, 2022માં બજાજ ફિનસર્વના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની પુનઃનિમણૂક થઈ. તેમના કાર્યકાળમાં કંપનીનું બજાર મૂડીકરણ વર્ષ 2023ના અંત સુધીમાં વધીને રૂ. 2,60,000 કરોડથી વધી ગયું. માર્ચ, 2025માં સંજીવના નેતૃત્વમાં બજાજ પરિવારે બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યૉરન્સ કંપનીમાં જર્મનીના આલિઆન્ઝ ગ્રૂપનો 26 ટકા હિસ્સો ખરીદ્યો. આ સોદા પછી ઓક્ટોબર, 2025માં વીમાકંપનીને બે પેટાકંપનીઓ બજાજ લાઇફ ઇન્સ્યૉરન્સ અને બજાજ જનરલ ઇન્સ્યૉરન્સમાં વહેંચી દીધી.

દેશનાં ટોચનાં ઔદ્યોગિક સંગઠન કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઈ)ના 2018-19માં વેસ્ટર્ન રિજનના ડેપ્યુટી ચૅરમૅન, 2019-20માં વેસ્ટર્ન રિજનના ચૅરમૅન, 2020-21માં વાઇસ પ્રેસિડન્ટ, 2021-22માં નિયુક્ત-પ્રેસિડન્ટ અને 2022-23માં પ્રેસિડન્ટ બન્યા. આ તમામ ભૂમિકામાં સંજીવે વીમા પર રાષ્ટ્રીય સમિતિનું નેતૃત્વ કર્યું, નાણાકીય સર્વસમાવેશકતા પર ભાર મૂક્યો, વીમાની પહોંચ દેશમાં વધારવા વિવિધ પગલાંનું સૂચન કર્યું. જી20માં ભારતના નેતૃત્વમાં દિલ્હીમાં આયોજિત વાર્ષિક બેઠકના વર્ષમાં સંજીવ બજાજને નાણાકીય સર્વસમાવેશકતા પર બી20 ટાસ્ક ફોર્સના સહઅધ્યક્ષ બનાવવામાં આવ્યા. સીઆઇઆઈ ઉપરાંત બજાજ ગ્લોબલ ફાઇનાન્શિયલ ટૅક્નૉલૉજી નેટવર્ક(જીએફટીએન)ના સલાહકાર મંડળના પણ સભ્ય છે.

વર્ષ 2017માં સંજીવ બજાજને ‘EY આંતરપ્રિન્યોર ઑફ ધ યર,’ 2018માં ઇકૉનૉમિક ટાઇમ્સ ફોર કૉર્પોરેટ એક્સલન્સમાં ‘બિઝનેસ લીડર ઑફ ધ યર,’ 2019માં ઓલ ઇન્ડિયા મૅનેજમેન્ટ ઍસોસિયેશને ‘AIMA આંતરપ્રિન્યોર ઑફ ધ યર’ અને 2023માં ‘AIMA-જેઆરડી તાતા કૉર્પોરેટ લીડરશિપ એવોર્ડ’ સહિત અનેક પુરસ્કારો એનાયત થયા છે.

નવેમ્બર, 2025 સુધી તેમની અંગત નેટવર્થ 6.3 અબજ ડૉલર હતી. વ્યવસાયની સાથે સંજીવ નાણાકીય સાક્ષરતા અને સાયબર સલામતી અંગે જાગૃતિ લાવવા અનેક સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે. સાથે સાથે, ગ્રામીણ વિકાસ અને સામુદાયિક કલ્યાણ માટે પણ બજાજ ગ્રૂપની પ્રવૃત્તિઓને આગળ ધપાવે છે.

કેયૂર કોટક