બજાજ, નીરજ (જ. 10 ઓક્ટોબર, 1954, મુંબઈ) : દેશમાં 100 વર્ષથી વધારે સમયથી કાર્યરત પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિકગૃહ બજાજ પરિવારના સભ્ય, બજાજા ગ્રૂપના એક પ્રમોટર, બજાજ ઑટો લિમિટેડના ચૅરમૅન, બજાજ હોલ્ડિંગ્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટના વાઇસ ચૅરમૅન, સ્ટીલ કંપની મુકુન્દના મૅનેજિંગ ડાયરેક્ટર. દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ સ્વ. રાહુલ બજાજના પિતરાઈ ભાઈ અને ભારતીય વેપારવાણિજ્યની દુનિયામાં પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને દેશમાં ટોચના 100 ધનિકો પૈકીના એક.
‘ગાંધીજીના પાંચમા પુત્ર’ તરીકે પ્રસિદ્ધ દેશના જાણીતા ઉદ્યોગપતિ જમનાલાલ બજાજના બે પુત્રો કમલનયન બજાજા અને રામકૃષ્ણ બજાજ. તેમાં રામકૃષ્ણ બજાજના ત્રણ પુત્રો – શેખર બજાજ, મધુર બજાજ અને નીરજ બજાજ.
પિતાનું નામ રામકૃષ્ણ બજાજ અને માતાનું નામ વિમલાદેવી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈની કેથેડ્રલ અને જોહન કોનન સ્કૂલમાં. મુંબઈની જ સીડેનહામ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાંથી વાણિજ્ય શાખામાં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યાર બાદ ઉચ્ચઅભ્યાસ માટે અમેરિકાના બોસ્ટનમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને એમબીએ (માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન)ની ઉપાધિ મેળવી.
1980ના દાયકાને અંતે વેપારવાણિજ્યની દુનિયામાં પ્રવેશ કર્યો. બજાજ ગ્રૂપની સ્ટીલ ઉત્પાદક કંપની મુકુન્દ લિમિટેડના મૅનેજિંગ ડાયરેક્ટર અને બજાજા હોલ્ડિંગ્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ(બીએચઆઇએલ)ના ચૅરમૅન નીરજ બજાજ બજાજ ગ્રૂપની વિવિધ કંપનીઓના બોર્ડમાં સામેલ છે. સાથે સાથે બજાજ ગ્રૂપ દ્વારા સંચાલિત 40 ચૅરિટેબલ ટ્રસ્ટમાં મૅનેજિંગ ટ્રસ્ટી છે. સપ્ટેમ્બર, 2006માં બજાજ ઑટો લિમિટેડના બોર્ડમાં સામેલ થયા અને 2021માં બજાજ ઑટોના ચૅરમૅન બન્યા. ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર(આઇએમસી)ના પ્રેસિડન્ટ નીરજ એલૉય સ્ટીલ પ્રોડ્યુસર્સ ઍસોસિયેશન અને ઇન્ડિયન સ્ટેઇનલેસ સ્ટીલ ડેવલપમેન્ટ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ પણ હતા.
વેપારવાણિજ્યની દુનિયા ઉપરાંત નીરજ બજાજે રમતગમતની દુનિયામાં પણ સફળતા મેળવી. કૉર્પોરેટ દુનિયામાં પ્રવેશ કર્યો એ અગાઉ 1970થી 1977 સુધી ટેબલ ટેનિસની દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ભારતની રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટીમના કૅપ્ટન, ત્રણ વાર ઑલ-ઇન્ડિયા ટેબલ ટેનિસ ચૅમ્પિયન અને ચાર વર્ષ ભારતમાં ટેબલ ટેનિસમાં નંબર 1 રૅન્ક ધરાવનાર નીરજ બજાજને ભારત સરકારનો રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર અર્જુન ઍવૉર્ડ એનાયત થયો છે. ઉપરાંત, મહારાષ્ટ્ર સરકારે રાજ્યનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર શિવ છત્રપતિ એવોર્ડ અને મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર એનાયત કર્યા છે.
પત્ની મિનળ બજાજ સાથે નીરજ બજાજ સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી પ્રવૃત્તિ કરે છે. દંપતી શિક્ષણ, કળા અને સાહિત્ય ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે.
કેયૂર કોટક
