બચ્ચન, હરિવંશરાય શ્રીવાસ્તવ (જ. 1907, પ્રયાગ) : પ્રસિદ્ધ હિંદી કવિ. એમ.એ., પીએચ.ડી. સુધીનું શિક્ષણ પ્રયાગમાં તથા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં. કેમ્બ્રિજમાં તેમના સંશોધનનો વિષય હતો અંગ્રેજી કવિ યેટ્સ. એના પરનો એમનો ગ્રંથ ખૂબ વખણાયો. 1942થી 1952 સુધી વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા; ત્યારપછી થોડોક સમય આકાશવાણી સાથે રહ્યા. તે પછી વિદેશ મંત્રાલયમાં હિન્દીના વિશેષજ્ઞ તરીકે દિલ્હીમાં રહ્યા.
બચ્ચનની કવિતા પરત્વે અનેક મતભેદો છે. આમ છતાં એ પણ યથાર્થ છે કે તે સમયે તેમની કવિતાની વિલક્ષણ લોકપ્રિયતા રહી. આજે ઓછી છે. છતાં, આજે પણ હિન્દીના લોકપ્રિય કવિઓમાં બચ્ચનનું સ્થાન તો છે જ.
છાયાવાદના સમયમાં એની અસરથી મુક્ત રહીને ઉર્દૂ ગઝલોની ચમકલચક સાથે, છાયાવાદી લાક્ષણિક વક્રતાને સ્થાને સંવેદનાત્મક અભિધાના માધ્યમ વડે તેમણે પોતાની વાત કહેવાનું વધારે યોગ્ય ગણ્યું. તેમનું જીવન સંઘર્ષમય રહ્યું. તેઓ કવિ તરીકે સમકાલીનોમાં ઉપેક્ષિત પણ રહ્યા. આના પરિણામે તેમનું સર્જનાત્મક પાસું વધુ સશક્ત બન્યું અને તેમની રચનાઓને, પરંપરામુક્ત અભિવ્યક્તિ હોવાને કારણે, સારી એવી પ્રસિદ્ધિ પણ મળી.
‘તેરા હાર’ તેમનું પહેલું પ્રકાશન છે; છતાં 1935માં ‘મધુશાલા’ની રચનાઓને અગ્રસ્થાન મળ્યું ને ‘બચ્ચન’ના નામને પણ. ત્યારપછી ‘મધુબાલા’ અને ‘મધુકલશ’ની કવિતા ‘હાલાવાદી’ કવિતા તરીકે વિખ્યાત બની. હિન્દીમાં ‘હાલાવાદ’ના સ્થાપક અને સાધક એકમાત્ર ‘બચ્ચન’ જ રહ્યા અને એમની એ કાવ્યપદ્ધતિના દ્યોતક ગ્રંથો ઉપર્યુક્ત પ્રકાશનો જ રહ્યાં. વસ્તુત: તો ઉમર ખય્યામની રુબાયાતો પર આધારિત, એમનાથી પ્રભાવિત તેમની રચનાઓ છે. ખય્યામે વર્તમાન ક્ષણને જાણવા-માણવા-અપનાવવાનો નિર્દેશ કર્યો છે, જે બચ્ચનના ‘હાલાવાદ’માં પણ પરિલક્ષિત છે.
‘નિશાનિમંત્રણ’ (1938) તથા ‘એકાન્તસંગીત’ નામના કાવ્ય-સંગ્રહોમાં તેમની ઉત્કૃષ્ટ રચનાઓ છે. ‘સતરંગિની’ (1945) અને ‘મિલનયામિની’(1950)માં તેમનાં યુગલક્ષી સુંદર ગીતો સંચિત થયેલાં છે.
આ ઉપરાંત કવિ બચ્ચનની વ્યથા-કથા તેમના આત્મચરિત્રના ગ્રંથો ‘ક્યા ભૂલૂં ક્યા યાદ કરૂં ?’ (1960), ‘નીડ કા નિર્માણ ફિર’ (1970) તથા ‘બસેરે સે દૂર’માં વાંચવા મળે છે. આમાં તેમની ગદ્યશૈલી સહજ-સરળ અને સુરુચિ-સમ્પન્ન છે. વિશેષે ‘બસેરે સે દૂર’માં અનેક રોચક વર્ણનો આસ્વાદવા મળે છે.
બચ્ચને ‘જનગીતા’ તથા શેક્સપિયરકૃત ‘મૅકબેથ’ વગેરેના અનુવાદો પણ કર્યા છે. તેમણે કેટલાક સમીક્ષાત્મક નિબંધો પણ લખ્યા છે, જે તેમના ગંભીર અધ્યયનનું પરિણામ કહી શકાય. ટૂંકમાં, સંઘર્ષ અને વ્યથાના ગાયક હરિવંશરાય બચ્ચન હિન્દીના એકમાત્ર હાલાવાદી કવિ તરીકે ખ્યાતનામ રહ્યા છે. લેખન અને જીવનમાં આડંબરને તેમણે પ્રવેશવા નથી દીધો માટે જ તેઓ ટોળાવાદી નહિ પણ એકાકી છતાં ઉત્કૃષ્ટ કવિ તરીકે પ્રતિષ્ઠિત છે.
રજનીકાન્ત જોશી