બચ્ચન, જયા (જ. 9 એપ્રિલ 1948) : હિન્દી ચલચિત્રોની ભભકભૂરકીથી બચતી રહેલી અભિનેત્રી. શબાના આઝમી અને સ્મિતા પાટિલ જેવી બહુ થોડી અભિનેત્રીઓ જયાની જેમ ભભકભૂરકી કે નખરાંનો આશરો લીધા વિના સાહજિક અભિનયથી પ્રેક્ષકોને જીતી શકી છે. તે બંગાળી પત્રકારની પુત્રી હતી. સત્યજિત રાયના ‘મહાનગર’માં 1963માં પંદર વર્ષની વયે જયાએ નાનકડી ભૂમિકા ભજવી. દસકો ઊતરતાં બંગાળી ચિત્ર ‘ધન્યી મેયે’માં ઉત્તમકુમારની બહેનની ભૂમિકામાં તેઓ ધ્યાનાકર્ષક રહ્યાં. પુણેમાં રહી ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે અભિનયકલાનો વર્તમાન સંદર્ભમાં અભ્યાસ કર્યો. આ અભ્યાસ તેમને સહાયક નીવડ્યો. 1971માં હૃષીકેશ મુખરજીના ‘ગુડ્ડી’માં તેમને, 23 વર્ષની વયે, શાળાની ચંચળ વિદ્યાર્થિનીનો મુખ્ય પાઠ મળ્યો. ચિત્રસૃષ્ટિના ચળકાટ પાછળ અને અભિનેતા ધર્મેન્દ્ર પર મુગ્ધ થયેલી કન્યાનું પાત્ર તેમણે એવી મૌલિકતાથી નિભાવ્યું કે તુરત દર્શકોનાં હૈયાંમાં વસી ગયાં. તેમની ગુડ્ડીની છાપનો લાભ લેવા નિર્માતાઓએ ગુડ્ડીછાપ ચિત્રો પણ ઉતારવા માંડ્યાં; જેમ કે, ‘જવાની દીવાની’, ‘અનામિકા’ વગેરે. પણ, આ છાપ ર્દઢ થાય તે પહેલાં જ તેને મિટાવી દેવાનું નક્કી કર્યું હોય તેમ તેમણે ‘કોશિશ’ અને ‘કોરા કાગઝ’માં સાવ જુદા જ પ્રકારની ભૂમિકાઓ દીપાવી. ચલચિત્રોમાં અભિનેત્રીએ આકર્ષક દેખાવું પડે એ વાત સ્વીકાર્યા છતાં જયાને સ્વભાવથી જ એવી વેશભૂષા પ્રત્યે વળગાડ ન થયો. તેમણે જેવાં છીએ તેવાં જ દેખાવાનું પસંદ કર્યું. વાસ્તવિક જીવનમાં પણ તેમણે સંસ્કારી ભારતીય નારીની વેશભૂષા જ અપનાવી. અમિતાભ બચ્ચન હજુ સુપરસ્ટાર થયા નહોતા તેવા સમયે તેમના પ્રેમમાં પડ્યાં અને તેમની સાથે ‘એક નઝર’ તથા ‘બંસી બિરજુ’ ચિત્રોમાં કામ કર્યું. આ ચિત્રો ચાલ્યાં નહિ, પણ 1973માં ઊતરેલા ‘ઝંજીરે’ અમિતાભને પ્રથમ ક્રમે સ્થાપી દીધા. એ જ વર્ષે જાણે દંપતીની વાસ્તવિક કથા કહેતું હોય તેમ ‘અભિમાન’ આવ્યું. કલાકાર દંપતીમાં જ્યારે સ્પર્ધા થાય ત્યારે કેવી કોમળ ક્ષણો ઉદભવે છે તે તેમાં પ્રભાવક રીતે દર્શાવ્યું છે. એ ફિલ્મમાં અમિતાભ તથા જયા એ બેમાંથી કોનો અભિનય ચડિયાતો ગણાય તે કહેવું અઘરું છે. વિધિની વક્રતા કે આ સીમાચિહ્ન પછી અમિતાભે કલા-આકાશમાં ટોચનું સ્થાન સિદ્ધ કર્યું, જ્યારે લગ્ન પછી જયાએ ક્ષેત્રસંન્યાસ લીધો. બીજી બાજુ ચિત્રપત્રકારોએ અમિતાભ-રેખાના લફરાની વાતો એટલી ચગાવી કે જયાના સ્થાને બીજી સાધારણ સ્ત્રી હોત તો તેના સંસારમાં આગ લાગી ગઈ હોત. આ જ સમયે, 1981માં અમિતાભ-રેખાની પ્રણયરેખા સાથે જયાનો ત્રિકોણ રચવાનો હોય તેમ ‘સિલસિલા’માં આ ત્રણે સાથે આવ્યાં. પણ, ત્યાં વાતનો અંત આવ્યો.

જયા બચ્ચન

પાછલાં વર્ષોમાં જયાએ તેમની રુચિ ચિત્રક્ષેત્રના એક મહત્ત્વના ભાગ તરફ વાળી. તેમણે દૂરદર્શન માટે શ્રેણીઓ બનાવી તથા બાલ ચિત્ર સમાજના અધ્યક્ષપદને શોભાવ્યું. પતિની કંપની એબીસીએલમાં તેઓ સંચાલિકા થયાં. જોકે એબીસીએલની કામગીરી કેટલાંક દુ:સાહસોને કારણે નબળી પડી અને અમિતાભની ટીકાઓ પણ થઈ. જોકે તેથી જયા બચ્ચનની અભિનયપ્રતિભાને કશી આંચ આવી નથી.

બંસીધર શુક્લ