બખલે, ભાસ્કર બુવા (જ. 17 ઑક્ટોબર 1869, કઠોર, જિ. વડોદરા; અ. 8 એપ્રિલ 1922, પુણે) : ઉત્તર હિંદુસ્તાની સંગીતની એક આગવી શૈલીના ગાયક. નાનપણમાં સંસ્કૃત શીખવાના ઇરાદાથી તેઓ વડોદરા ગયા અને ત્યાંની રાજારામ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં દાખલ પણ થયા. પરંતુ સંગીત પ્રત્યે અધિક રુચિ હોવાથી તેઓ કીર્તનકાર વિષ્ણુ બુવા પિંગળે પાસે રહ્યા, જેમની પાસેથી કીર્તન-સંપ્રદાયના ગાયનના સંસ્કાર તેમને મળ્યા. તેમની સંગીત પ્રત્યેની રુચિ જોઈને મૌલાબક્ષ સંગીત વિદ્યાલયમાં દાખલ કર્યા. વિદ્યાલયના વાર્ષિક સમારોહમાં તેમની સંગીતની સજ્જતા જોઈને કિર્લોસ્કર નાટક કંપનીએ તેમને કંપનીમાં પ્રવેશ આપ્યો. કંપનીના ‘રામરાજ્યવિયોગ’ નાટકમાં તેમની કૈકેયીની ભૂમિકા પ્રશંસાપાત્ર ઠરી. નાનપણથી પોતાના સૂરીલા અવાજથી બધાને પ્રભાવિત કરતા, પરંતુ ઉંમર વધતાં અવાજ જ્યારે ફૂટવા લાગ્યો ત્યારે  નાટક કંપની છોડી ફરી વડોદરા આવ્યા અને ફૈજમહંમદખાંના શાગિર્દ થયા. શરૂઆતમાં બહુ મુશ્કેલીઓમાં તેમને તાલીમ લેવી પડી. થોડાક સમય પછી તેમણે મુંબઈમાં પોતાનું સંગીત વિદ્યાલય શરૂ કર્યું. ધારવાડની ટ્રેનિંગ કૉલેજમાં નોકરી પણ કરી, જ્યાં વિખ્યાત ગાયક નત્થનખાંના પરિચયમાં આવ્યા અને તેમના શાગિર્દ થયા. નત્થનખાંના અવસાન બાદ તેમણે કોલ્હાપુરના અલ્લાદિયાખાંસાહેબ પાસે સંગીતનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. આ રીતે  પંડિતજીએ ત્રણ ગુરુઓ પાસેથી તાલીમ મેળવી. સ્વયં રસિક સ્વભાવના હોવાથી ત્રણેય ગુરુઓની તાલીમનો સમુચિત મેળ કરીને આગવી ગાયનશૈલીનું સર્જન કર્યું જે પ્રભાવશાળી અને મનોરંજક સિદ્ધ

ભાસ્કર બુવા બખલે

થઈ. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને પંજાબ અને સિંધ પ્રાંતમાં તેમના ગાયનનો ખૂબ પ્રભાવ હતો. પુણેની કિર્લોસ્કર કંપનીએ ફરી પંડિતજીને બોલાવીને ‘ભારત ગાયન સમાજ’ના મુખ્યાધ્યાપકનો કાર્યભાર સોંપ્યો. ત્યાં તેમની પાસે અનેક વિદ્યાર્થીઓ તૈયાર થયા. તેમના શિષ્યોમાં માસ્ટર કૃષ્ણરાવ ફુલંબ્રીકર, ગોવિંદરાવ ટેમ્બે, ભાઈલાલ મુહમ્મદ તથા તારાબાઈ શિરોડકરનાં નામ સર્વશ્રુત છે.

મંદાકિની અરવિંદ શેવડે