બક્ષી, હંસરાજ (જ. ઈ. સ. 1662, પન્ના, મ.પ્ર.; અ.) : બુંદેલખંડના મહારાજા છત્રસાલના પૌત્ર સભાસિંહના દીવાન કવિ. પિતા કાયસ્થ કેશવરાય પણ પન્નારાજ્યના પદાધિકારી હતા. બક્ષીજી હિંદી સાહિત્ય અને નિજાનંદ (પ્રણામી) ધર્મના માન્ય વિદ્વાન હતા. તેમણે દશ ગ્રંથોની રચના કરી છે. એમાં (1) ‘સ્નેહસાગર’, (2) ‘વિરહવિલાસ’, (3) ‘બારહમાસા’, (4) ‘તેરમાસા’ તેમજ ‘મિહિરાજચરિત’ મુખ્ય છે. તેઓ ‘પ્રેમસખી’ના ઉપનામથી રચના કરતા હતા. એમની ઉપાસના સખીભાવની હતી. વ્રજના માધુર્યભાવની છટા તેમની રચનાઓમાં અભિવ્યક્ત થાય છે. ‘સ્નેહસાગર’ ભાષા, ભાવ સૌંદર્ય, પદવિન્યાસ તથા તેના લાલિત્યની આચાર્ય રામચંદ્ર શુક્લે ભારે પ્રશંસા કરી છે. તેના પ્રથમ તરંગમાં શ્રીકૃષ્ણ સખીઓને ફાગ ખેલવા નિમંત્રે છે, તેનું વર્ણન, બીજા તરંગમાં પ્રીતનું ઊંડાણ, ત્રીજામાં સ્નેહની પીડા, ચોથા અને પાંચમામાં સ્નેહની ગંભીરતા, છ, સાત, આઠમાં રાધાજીની વટપૂજા અને છેલ્લા નવમા તરંગમાં પાઠકો માટે શુભકામના વ્યક્ત કરી છે. આ કૃતિ શૃંગારરસની અદભુત વ્યંજનારૂપ છે. કલ્પના અને ભાવની અપૂર્વ અભિવ્યક્તિને કારણે આ કૃતિ વિદ્વદજનોનો આદર પામી છે. વિરહવિલાસ અને બારહમાસામાં કૃષ્ણવિયોગની વ્યથા પ્રકૃતિનાં રૂપકો દ્વારા વ્યક્ત થઈ છે. ‘મિહિરાજચરિત’ છત્રસાલના ગુરુ મહામતિ પ્રાણનાથ જેઓએ પન્ના મુકામે પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો, તેમનું સાંગોપાંગ જીવનચરિત 5182 ચોપાઈઓમાં નિરૂપ્યું છે જેમાં પ્રણામી સંપ્રદાય ઉપરાંત તત્કાલીન રાજકીય ઘટનાઓ વિશે વિશદ નિરૂપણ થયેલું હોઈને ગ્રંથને ઐતિહાસિક મહત્વ પ્રદાન કરે છે.
પ્રવીણચંદ્ર પરીખ