બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ

January, 2024

બક્ષી, ચન્દ્રકાન્ત કેશવલાલ (જ. 20 ઑગસ્ટ 1932, પાલનપુર, ગુજરાત; અ. 25 માર્ચ 2006 અમદાવાદ) : ગુજરાતી ભાષાના જાણીતા લેખક અને પત્રકાર. પિતા વેપાર માટે કોલકાતા આવ્યા તે પછી ઈ. સ. 1948 સુધી વિવિધ કારણોસર બક્ષીપરિવારને કોલકાતા-પાલનપુરમાં અસ્થાયીપણે રહેવાનું બન્યું. 1952માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. થઈને બક્ષી કોલકાતામાં સ્થિર થયા. 1956માં એલએલ.બી. અને 1963માં ઇતિહાસ તથા રાજકારણ વિષય સાથે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. 1970માં કોલકાતા છોડી મુંબઈમાં સ્થાયી બન્યા. 1970થી 1980 સુધી એમણે મુંબઈની મીઠીબાઈ કૉલેજ તથા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવા આપી. 1980થી 1982 દરમિયાન મુંબઈની એલ.એસ. રાહેજા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના પ્રિન્સિપાલપદે સેવા આપી. ત્યારબાદ પૂર્ણ સમયના લેખક-પત્રકાર તરીકે સક્રિય રહેવાનું એમણે પસંદ કર્યું. 1999માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂંક કરવામાં આવી હતી.

ચન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી

એમનો પ્રથમ લેખ 14 વર્ષની કિશોરવયે બાલકન-જી-બારીના અંગ્રેજી મુખપત્રમાં છપાયેલો. 18 વર્ષની વયે એમની પ્રથમ વાર્તા ‘મકાનનાં ભૂત’ લખાઈ. આ અને પછી બીજી અનેક વાર્તાઓ બચુભાઈ રાવતની કસોટીએ પાર ઊતરીને ‘કુમાર’માં છપાઈ. 1957થી તેઓ નવલકથાલેખન તરફ વળ્યા. એમણે ‘પડઘા ડૂબી ગયા’ (1957), ‘રોમા’ (1959), ‘એકલતાના કિનારા’ (1959), ‘આકાર’ (1963), ‘એક અને એક’ (1965), ‘પેરૅલિસિસ’ (1967), ‘જાતકકથા’ (1969), ‘હનીમૂન’ (1971), ‘અયનવૃત્ત’ (1972), ‘અતીતવન’ (1973), ‘લગ્નની આગલી રાતે’ (1973), ‘ઝિન્દાની’, ‘સુરખાબ’ (1974), ‘આકાશે કહ્યું’ (1975), ‘રીફ-મરીના’ (1976), ‘યાત્રાનો અંત’ (1978), ‘દિશાતરંગ’, ‘બાકી રાત’ (1979), ‘હથેલી પર બાદબાકી’ (1981), ‘હું કોનારક શાહ’ (1983), ‘લીલી નસોમાં પાનખર’ (1984), ‘વંશ’ (1986), ‘પ્રિય નીકી…..’ (1987), ‘કોરસ’ (1988), ‘મારું નામ તારું નામ’ (1995) તથા ‘સમકાલ’ (1998) – કુલ 26 નવલકથાઓ આપી છે. આધુનિક માનવજીવનની સમસ્યાઓને આલેખતું આધુનિકતાવાદી વલણ સુરેશ જોષી પહેલાં બક્ષીની નવલકથાઓમાં પ્રગટ્યું હતું. ‘આકાર’ અને ‘પેરૅલિસિસ’ એમની આ પ્રકારની પ્રતિનિધિ નવલકથાઓ છે. અસ્તિત્વવાદી વલણને પાત્રના સ્થૂળ-સૂક્ષ્મ ક્રિયાકલાપો અને મનોવ્યાપારથી મૂર્ત કરવામાં એમને કેટલીક સફળતા મળી છે; પરંતુ એમની નવલકથાઓમાં પ્રગટતું આ અસ્તિત્વવાદી વલણ લેખકના ભાષિક અભિનિવેશ અને રંગદર્શિતાને કારણે કૃતિમાં અલ્પાંશે જ સમરસ બન્યું છે. આમ છતાં સંઘર્ષશીલ પાત્રો અને ઘટનાપ્રધાન રચનારીતિથી સુદૃઢ ઘાટ પામેલી એમની નવલકથાઓ ઘણી લોકપ્રિય નીવડી છે.

‘પ્યાર’ (1958), ‘એક સાંજની મુલાકાત’ (1961), ‘મીરાં’ (1965), ‘મશાલ’ (1968), ‘ક્રમશ:’ (1971), ‘પશ્ચિમ’ (1976) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. જે પછી ‘139 વાર્તાઓ-1’ (1987) અને ‘139 વાર્તાઓ-2’ (1987) નામે પ્રસિદ્ધ થયા છે. વાર્તાલેખનમાં પણ એમનું વલણ રચનારીતિના પ્રયોગો કરતાં વાર્તાપ્રવાહની સરસતા અને અભિવ્યક્તિની બળકટતા તરફ વિશેષ રહ્યું છે. આધુનિક સંપ્રજ્ઞતાના ઘેરા પુટ સાથેનું પાત્રપ્રસંગનું બિનપરંપરાગત આલેખન, બળકટ ભાષા અને તાજગીભરી શૈલી એમના વાર્તાલેખનની વિશેષતા છે.

એમની પાસેથી બે ‘જ્યુથિકા’ (1970) અને ‘પરાજય’ (1976) નાટ્યસંગ્રહો, પ્રવાસવિષયક આઠ પુસ્તકો, ‘આભંગ’ (1976), ‘તવારીખ’ (1977), ‘સ્પાર્કપ્લગ’ (1995) જેવા ઇતિહાસ-સંસ્કૃતિ વિશેના સોળ લેખસંગ્રહો ઉપરાંત યુવા શ્રેણીનાં પાંચ, જ્ઞાન-વિજ્ઞાન શ્રેણીનાં પચીસ, જીવનચિંતનવિષયક સાત, વાર્તાનુવાદનાં બે તથા અન્ય વિષયોનાં સત્તર જેટલાં પુસ્તકો મળ્યાં છે. ‘બક્ષીનામા’ ભાગ 1-2-3 (1988) એમની અભિનિવેશયુક્ત આત્મકથા છે. આવું વિપુલ લેખન કરનાર આ લેખકનું મુખ્ય પ્રદાન કથાસાહિત્યક્ષેત્રે છે. એમની કેટલીક સર્જનાત્મક કૃતિઓનાં મરાઠી, હિન્દી, અંગ્રેજી અને કન્નડ ભાષામાં અનુવાદો પણ થયા છે. તો કેટલીક ‘અમેરિકન વાર્તાઓ’ (1972), ‘યાત્રાનો અંત’ (1976) ‘આજની સોવિયેત વાર્તાઓ’ (1977) એમના વાર્તા અનુવાદો છે.

ઉષાબહેન ઉપાધ્યાય