બક્ષી, ગુલામ મહંમદ  (જ. જુલાઈ 1907) : આઝાદીના લડવૈયા, કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી નેતા. પિતા શકીલ અહમદ બક્ષી. કિશોરાવસ્થામાં પર્વતખેડુ બનવાનો શોખ હોવાથી લદ્દાખ અને સ્કાર્ફના પહાડો તેઓ ખૂંદી વળ્યા હતા. આથી તેમનું શરીર તાલીમબદ્ધ અને કસાયેલ હતું. પ્રારંભે અખિલ હિંદ ચરખા સંઘના સભ્ય હતા. શિક્ષક તરીકે તેમણે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેઓ ‘વિદેશી માલના બહિષ્કાર’ના કૉંગ્રેસના આંદોલનને વેગ આપવા કાશ્મીરમાં સક્રિય બન્યા અને ધરપકડ વહોરી લીધી. જીવનની વીસીના પ્રારંભે જ તેમને રાજકારણની દીક્ષા મળી. 1931થી તેમણે પૂર્ણપણે રાષ્ટ્રીય આંદોલનમાં ઝુકાવ્યું અને સરકારી દમનનો વિરોધ કરવા સાથે વિદ્યાર્થીઓ અને કામદારોને આઝાદીની લડતમાં સામેલ થવા પ્રેર્યા. તે પછીનાં 18 વર્ષ(1932–50) સુધીના ગાળામાં તેમણે ચારેક વાર ધરપકડ વહોરી; જેમાં 1934માં 16 માસની જેલ સૌથી લાંબી અને ત્રાસદાયક હતી. ‘કાશ્મીર છોડો’ની લડત વખતે તેઓ લાહોરમાં જઈને રહ્યા. દરમિયાન ભારત–પાકિસ્તાન અંગેની મંત્રણાઓમાં શેખ અબ્દુલ્લાની સાથે તેઓ પણ જોડાયા હતા. ધીમે ધીમે બંને વચ્ચેનો નાતો ગાઢ બન્યો અને તેઓ શેખ અબ્દુલ્લાના અનુગામી બની રહ્યા.

ભારતની સ્વતંત્રતાના પ્રારંભે 1947માં પાકિસ્તાને કાશ્મીર પર પ્રચ્છન્ન આક્રમણ (proxy war) કર્યું અને ત્યારે તેના પ્રતિકારની આખીયે યોજના તેમણે તૈયાર કરી હતી અને એ માટે ઠેર ઠેર રક્ષક ટુકડીઓ ઊભી કરેલી તથા આ ટુકડીઓને હથિયાર વાપરવાની તાલીમ આપી સજ્જ કરી હતી.

શેખ અબ્દુલ્લાએ કાશ્મીરને ‘સ્વતંત્ર’ કરવાની પેરવી કરવા માંડી ત્યારે કાશ્મીરને હિંદની હૂંફ અનિવાર્ય છે એવું મંતવ્ય તેમણે વ્યક્ત કર્યું; પરિણામે બંને વચ્ચે વ્યાપક મતભેદો ઊભા થયા. શેખને મુખ્યમંત્રીના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા ત્યારે તેમના અનુગામી તરીકે બક્ષી ગુલામ મહંમદની પસંદગી કરવામાં આવી. 1953થી 1963 સુધીના એક દસકામાં મુખ્યપ્રધાનની જવાબદારી ઉપરાંત તેમણે આયોજન, માહિતી અને પ્રવાસન તથા શિક્ષણના મંત્રી તરીકેના વિવિધ હોદ્દાઓ શોભાવ્યા.

તેમના શાસનકાળ દરમિયાન ભારતના બંધારણના ધોરણે 1957માં તેમણે કાશ્મીર રાજ્યનું બંધારણ ઘડ્યું. કાશ્મીરમાં બનીહાલ ઘાટનો બોગદામાર્ગ તેમના કાર્યકાળ દરમિયાન તૈયાર થતાં ભારત અને કાશ્મીર વચ્ચેના સંપર્કનો માર્ગ વધુ સુગમ બન્યો. તેમના આમંત્રણથી ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. માર્ચ 1957ની ચૂંટણીઓમાં તેમના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય કૉંગ્રેસે 68 બેઠકોની બહુમતી મેળવી તથા તેઓ પોતે વિધાનસભામાં ચૂંટાયા અને ફરી કાશ્મીરના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે કાશ્મીરમાં તબીબી અને પ્રાદેશિક એન્જિનિયરિંગ કૉલેજોની સ્થાપના કરી. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર આ મુખ્ય પ્રધાને કાશ્મીર રાજ્યમાં પ્રાથમિક કક્ષાથી માંડીને યુનિવર્સિટી કક્ષા સુધીનું શિક્ષણ વિના મૂલ્યે આપવાની જોગવાઈ કરી.

1960 પછીનાં વર્ષોમાં તેમની સરકાર કાશ્મીરમાં અપ્રિય બનવા લાગી. તેમની સામે ભ્રષ્ટાચારના ભારે આરોપો થયા, જેની તપાસ માટે ન્યાયમૂર્તિ આયંગરનું એક વ્યક્તિનું તપાસપંચ નીમવામાં આવ્યું હતું; પરંતુ તેમણે 3 ઑક્ટોબર 1963ના રોજ ‘કામરાજ યોજના’ હેઠળ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. ત્યારપછી સાર્વજનિક જીવનમાંથી તેમણે પોતે જ નિવૃત્તિ લઈ લીધી.

રક્ષા મ. વ્યાસ