બક્ષી, ગજેન્દ્ર (જ. 4 ફેબ્રુઆરી 1946) : શાસ્ત્રીય સંગીતના ગુજરાતના જાણીતા ગાયક. પિતા ભૂપતરાય ઉચ્ચ કક્ષાના ગાયક, તબલાવાદક તથા ચિત્રકામના શોખીન હતા. કલારસિક તથા સંગીતમય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો.

ગજેન્દ્ર બક્ષી

છ વર્ષની વયથી ગ્રામોફોન રેકર્ડ સાંભળીને ગજેન્દ્રભાઈને જાગેલો શાસ્ત્રીય ગાયનનો શોખ દસ વર્ષે તબલાવાદન તથા ગાયનના અભ્યાસ સાથે પોષાવા લાગ્યો. તે જ અરસામાં આકાશવાણી પર ઉસ્તાદ અમીરખાંસાહેબને સાંભળીને ગાયન તરફ આકર્ષણ થયું, જે તેમની પાસેથી જ ગાયન શીખવાની સાધનામાં પરિણમ્યું. ખાંસાહેબ પાસેથી રિયાઝની ટૅકનિકનું જ્ઞાન, રાગનાં સ્વરૂપોની સમજ ને સાથે સાથે પર્શિયન તથા ઉર્દૂ ભાષાનું જ્ઞાન પણ તેમને મળ્યું. રાજકોટ સંગીત અકાદમીમાં પણ તેમણે અભ્યાસ કર્યો. ત્યારબાદ સ્વ-અભ્યાસ દ્વારા અને અન્ય કલાકારોને સાંભળીને તેમણે સારો વિકાસ સાધ્યો છે. સાથે સાથે મેરુખંડના પલટાઓનો પણ અભ્યાસ કર્યો. વડોદરાના પ્રો. આર. સી. મહેતા પાસેથી ઉસ્તાદ અબ્દુલ વહીદખાંની ગાયનશૈલી વિશે માર્ગદર્શન મેળવી, સતત વિકાસની કેડીએ ચાલતા રહ્યા છે.

1969માં પંડિત ઓમકારનાથ ઠાકુરની સ્મૃતિમાં યોજાયેલ રાજ્યકક્ષાની હરીફાઈમાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. 1970માં ઉસ્તાદ અમીરખાં સાહેબ રાજકોટ ખાતે પધારેલ ત્યારે ગંડાબંધનની વિધિ પણ થઈ. 1972માં મુંબઈની સૂરશૃંગાર સંસદે ‘સૂરમણિ’નો ખિતાબ તેમને એનાયત કર્યો. સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં અનેક વાર ગાયન રજૂ કરવાનો અવસર તેમને મળ્યો છે. વડોદરાની ત્રિવેણી સંસ્થાએ તેમનું બહુમાન કર્યું છે. 1995–96નો સંગીત નાટ્ય અકાદમી ગૌરવપુરસ્કાર તેમને એનાયત થયો છે. મોરબીની સંસ્થાએ ‘સંગીત-ભાસ્કર’નો ખિતાબ આપ્યો છે. ‘સહજાનંદ પર પ્રીત’ એ શીર્ષક સાથે રાજકોટ ખાતે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શાસ્ત્રીય સંગીતમાં ગવાયેલ પદોની તેમની કેસેટ પણ બહાર પડી ચૂકી છે.

હાલમાં તેઓ ઑડિયો કેસેટ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા છે. આકાશવાણી તથા દૂરદર્શનના તેઓ ‘A’ ગ્રેડના માન્યતાપ્રાપ્ત કલાકાર છે. મંગળવારીય સંગીતસભામાં તેઓ બે વખત ગાયન રજૂ કરી ચૂક્યા છે. ‘બૅન્ક ઑવ્ ઇન્ડિયા’માં તેઓ સેવાઓ આપી રહ્યા છે.

બંસરી યોગેન્દ્ર ભટ્ટ