બક્ષી, ઉપેન્દ્ર (જ. 9 નવેમ્બર 1938, રાજકોટ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા ભારતના ન્યાયવિદ. પિતાનું નામ વિષ્ણુપ્રસાદ, માતાનું નામ મુક્તાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1959માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ., 1962માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. તથા 1967માં એલએલ.એમ. અને અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ જ્યુરિસ્ટિક સાયન્સની પદવી મેળવી. તેમની કાયદાશાસ્ત્રના અધ્યાપક તરીકેની કારકિર્દી વૈવિધ્યપૂર્ણ છે. દેશવિદેશની જે યુનિવર્સિટીઓ અને કાયદાના શિક્ષણની સંસ્થાઓમાં તેમણે અધ્યાપનકાર્ય કર્યું છે તેમાં નૅશનલ સ્કૂલ ઑવ્ ઇન્ડિયા; યુનિવર્સિટી ઑવ્ વૉરવિક; દિલ્હી યુનિવર્સિટી; ઑસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટી; નવી દિલ્હી ખાતેની ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટ; અમેરિકાની આયોવા, ન્યૂયૉર્ક, ધી અમેરિકન યુનિવર્સિટી, વિક્ટોરિયા યુનિવર્સિટી, હલ યુનિવર્સિટી, ડ્યૂક યુનિવર્સિટી, હંગેરિયન એકૅડમી ઑવ્ સોશિયલ સાયન્સિઝ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ઘણી યુનિવર્સિટીઓની ફેલોશિપ મેળવી ભારતને ગૌરવ અપાવ્યું છે.
શિક્ષણ અને કાયદાના ક્ષેત્રે મહત્ત્વના ગણાતા ઘણા હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે અને તેમાં દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ; દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ; ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઇન્ટરનેશનલ લૉના પ્રેસિડેન્ટ; યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સમિતિના ચૅરપર્સન; ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટમાં માનાર્હ રિસર્ચ ડિરેક્ટર; ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સિઝના ચૅરપર્સન; દિલ્હી યુનિવર્સિટીની લૉ ફેકલ્ટીના ડીન; ઇન્ડિયન એકૅડમી ઑવ્ સોશિયલ સાયન્સિઝના પ્રમુખ; યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની કાયદાશાસ્ત્રના અધ્યયન અને સંશોધનને લગતી સમિતિઓના પહેલા સંયોજક અને ત્યારબાદ સલાહકાર – વગેરે હોદ્દાઓનો સમાવેશ થાય છે. વળી ભારતની સર્વોચ્ચ અદાલતની ધી ઇન્ડિયન એકૅડમી ઑવ્ જ્યુડિશિયલ ઍડમિનિસ્ટ્રેશનની એક્ઝિક્યુટિવ એક્સપર્ટ કમિટીના સભ્ય, દિલ્હી સરકારના ગ્રૂપ ઑન પ્રૉપર્ટી ટૅક્સ લૉ રિફૉર્મના સભ્ય, ભારત સરકારના લીગલ સ્ટડી ગ્રૂપના ચૅરપર્સન, ભારત સરકારના નૅશનલ કમિશન ઑન જેલ રિફૉર્મના સભ્ય, ભારત સરકારના નૅશનલ એક્સપેન્ડિચર કમિશનના ચૅરપર્સન, ગુજરાત સરકારના દ્વિતીય લેબર લૉઝ રિવ્યૂ કમિટીના સભ્ય – જેવાં પદો પર તેમણે કામ કર્યું છે.
કાયદા અને કાયદાશાસ્ત્રને લગતી ઘણી સંસ્થાઓની સ્થાપનામાં તેમણે સક્રિય ફાળો આપ્યો છે અને તેમાં આઇ.ઈ.એ.યુ.એસ. કમિશન ઑન ફોક લૉ ઍન્ડ પ્લુરાલિઝમ, એસોસિયેશન ઑવ્ ટીચર્સ ઍન્ડ રિસર્ચર્સ ઇન ઇન્ટિલેક્ટ્યુઅલ પ્રૉપર્ટી વગેરેનો સમાવેશ થાય છે.
કાયદાશાસ્ત્રને લગતાં ઘણાં સામયિકોના સંપાદનમાં ઉપેન્દ્ર બક્ષીનો નોંધપાત્ર ફાળો રહ્યો છે; દા.ત., ‘ધ જર્નલ ઑવ્ ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટ’, ‘ધી ઍન્યુઅલ સર્વે ઑવ્ ઇન્ડિયન લૉ’, ‘ધ જર્નલ ઑવ્ ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ’, ‘દિલ્હી લૉ રિવ્યૂ’, ‘ઑસ્ટ્રેલિયાના ‘લૉ ઇન કૉન્ટેક્સ્ટ’, ‘થર્ડ વર્લ્ડ લીગલ સ્ટડિઝ એસોસિયેશન જર્નલ’, ‘સાઉથ આફ્રિકન જર્નલ ઑવ્ હાયર એજ્યુકેશન’, ‘ડેનવર જર્નલ ઑવ્ ઇન્ટરનેશનલ લૉ ઍન્ડ પૉલિસી’ વગેરે.
ઉપેન્દ્ર બક્ષીએ કાયદાશાસ્ત્રને લગતું વિપુલ લેખનકાર્ય કર્યું છે. ‘સોશિયો-લીગલ રિસર્ચ ઇન ઇન્ડિયા’ (1975), ‘ટૉવર્ડ્ઝ એ સોશિયલી રિલેવન્ટ લીગલ એજ્યુકેશન’ (1978), ‘ધી ઇન્ડિયન સુપ્રીમ કૉર્ટ ઍન્ડ પૉલિટિક્સ’ (1980), ‘ધ ક્રાઇસિસ ઑવ્ ધી ઇન્ડિયન લીગલ સિસ્ટમ’ (1982), ‘કરેજ, ક્રાફ્ટ ઍન્ડ કન્ટેન્શન : ધી ઇન્ડિયન સુપ્રીમ કૉર્ટ ઇન ધ મિડ – એઇટિઝ’ (1985), ‘ટૉવર્ડ્ઝ એ સોશિયોલૉજી ઑવ્ ઇન્ડિયન લૉ’ (1986), ‘લિબર્ટી ઍન્ડ કરપ્શન : ધી અંતુલે કેસ ઍન્ડ બિયૉન્ડ’ (1989), ‘માર્કસ, લૉ ઍન્ડ જસ્ટિસ’ (1993), ‘મામ્બ્રિનો’ઝ હેલ્મેટ ? રાઇટ્સ ફૉર એ ચેન્જિંગ વર્લ્ડ’ (1994) અને ‘ઇનહ્યુમન રાગ્ઝ ઍન્ડ હ્યુમન રાઇટ્સ : કન્વેન્શનલ એસેઝ’ (1994) – આ તેમના મહત્વના ગ્રંથો છે. દેશવિદેશનાં 100 ઉપરાંત પ્રથમ કક્ષાનાં સામયિકોમાં તેમના લેખોને સ્થાન મળ્યું છે. ‘કલ્ચરલ ગ્લોબલાઇઝેશન ઍન્ડ મોડ્ઝ ઑવ્ પ્રોડક્શન ઑવ્ લૉ’ – એ વિષયના એક પ્રૉજેક્ટ પર હાલ તેઓ કામ કરી રહ્યા છે (1999).
‘કમ્પેરેટિવ કન્સ્ટિટ્યૂશનાલિઝમ’, ‘સોશિયલ થિયરી ઑવ્ હ્યુમન રાઇટ્સ : નૉમૅટિવ ઍન્ડ સોશિયલ ઍક્શન’ તથા ‘સાયન્સ, ટેક્નૉલોજી ઍન્ડ લૉ : હ્યુમન રાઇટ્સ ઍન્ડ હ્યુમન ફ્યુચર્સ’ – એ ઉપેન્દ્રભાઈના અધ્યયન-શોખના ખાસ વિષયો છે.
મહેશ ચોકસી