બંસીલાલ (જ. 26 ઑગસ્ટ 1927, ગોલાગઢ, ભિવાની, હરિયાણા) : ભારતના અગ્રણી રાજપુરુષ, કેન્દ્રના પૂર્વ પ્રધાન તથા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી. પિતા ચૌધરી મોહરસિંઘ, માતા વિદ્યાદેવી. તેઓ યુવાન વયથી જ સામાજિક કાર્યોનો શોખ ધરાવતા હતા. તેઓ આર્યસમાજની વિચારધારાથી પ્રભાવિત હતા. 1954માં બી. એ. થયા બાદ તેમણે જલંધરની લૉ કૉલેજમાંથી 1956માં એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી અને તે જ વર્ષે ભિવાનીમાં ઍડ્વોકેટ તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. લોહારુ વિસ્તારના પ્રજામંડળ લોકઆંદોલનમાં ભાગ લઈ તેમણે રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો અને કૉંગ્રેસ પક્ષના સભ્ય બન્યા.

બંસીલાલ

1960થી ’66 અને ફરી 1976થી ’80 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. ગોવિંદવલ્લભ પંત, પી. એન. સપ્રુ, એચ. એન. કુંઝરૂ, કે. એમ. પણિક્કર જેવા પ્રથમ હરોળના રાજકીય નેતાઓના સંપર્કમાં રહી તેઓ રાજકારણના પાઠો શીખ્યા.

1980 અને 1989માં ભિવાની મતવિસ્તારમાંથી તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 1967, 1968 અને 1972 દરમિયાન હરિયાણા વિધાનસભામાં તેઓ ચૂંટાયા. 1968, 1975 અને ત્યારબાદ 1986, 1996 અને 1997માં તેમણે હરિયાણાના મુખ્ય પ્રધાનનું પદ ભોગવ્યું. કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં તેઓ 1975માં સંરક્ષણપ્રધાન અને 1984માં રેલવેપ્રધાન બન્યા. 1985–86માં તેઓ નવા રચાયેલા વાહનવ્યવહાર ખાતાના પ્રધાન બન્યા.

આ રાજકીય હોદ્દાઓ ઉપરાંત પોતે જ્યાં જન્મ્યા હતા તે જિલ્લાની વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે, જેમાં બૅરિસ્ટર એસોસિયેશન, જિલ્લા કૉંગ્રેસ, પંજાબ પ્રદેશ કૉંગ્રેસ સમિતિ અને કૉંગ્રેસ કારોબારીની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

કૃષિ, સિંચાઈ, ઉદ્યોગો, વીજળી, શિક્ષણ, તંદુરસ્તી અને વાહનવ્યવહાર – એમ વિવિધ ક્ષેત્રે હરિયાણાએ પ્રગતિની જે હરણફાળ ભરી છે તેમાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. દુષ્કાળના પ્રદેશ તરીકે ઓળખાતા હરિયાણાની કાયાપલટ કરનારાઓમાં તેમનો ઉલ્લેખ થાય છે.

હરિયાણાના પક્ષીય રાજકારણના તેઓ પ્રભાવક નેતા છે. ગ્રામીણ રાજકીય નેતાગીરીમાં જ્ઞાતિનો નિર્ણાયક પરિબળ તરીકે ઉપયોગ કરી તેમણે પ્રતિસ્પર્ધીઓને માત કર્યા છે. 1975થી ’77ની કટોકટી દરમિયાન તેઓ શ્રીમતી ઇંદિરા ગાંધીની સરકારના પ્રખર ટેકેદાર રહ્યા હતા. પરિણામે 1977માં જનતા પક્ષની સરકારમાં તેમને સાત તપાસપંચોનો સામનો કરવો પડ્યો હતો. તેમાંના શાહ પંચ અને રેડ્ડી પંચે કટોકટી દરમિયાનનાં કેટલાંક કૃત્યોમાં તેમને તકસીરવાર પણ ઠેરવ્યા હતા. 1980માં જનતા સરકાર ભાંગી પડી ત્યારબાદ ફરી તેઓ પ્રચંડ બહુમતીથી ચૂંટાયા અને કૉંગ્રેસ પક્ષની સરકારે તેમની સામેના તમામ કેસ પડતા મૂક્યા.

1997માં તેમણે હરિયાણા વિકાસ પક્ષની સ્થાપના કરી અને રાજ્ય વિધાનસભામાં બહુમતી મેળવી રાજ્યમાં ભાજપ સાથે મિશ્ર સરકારની રચના કરી અને પોતે તેના  મુખ્ય પ્રધાન બન્યા. હરિયાણામાં દારૂબંધી દાખલ કરવાને લીધે તથા ખેડૂત-આંદોલનોને કારણે 1998ની લોકસભાની ચૂંટણીમાં તેમની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો. અઢળક સંપત્તિ ધરાવતા આ નેતા અને તેમનાં કુટુંબીજનો રાજકારણમાં વિવાદાસ્પદ બની રહ્યાં છે. 1998માં ભાજપના નેતૃત્વ હેઠળ રચાયેલી કેન્દ્ર સરકારને તેમના હરિયાણા વિકાસ પક્ષે શરૂઆતમાં સમર્થન આપ્યું હતું.

રક્ષા મ. વ્યાસ