બંધ-જડબું (trismus) : ચાવવાના સ્નાયુઓનાં સસજ્જ સતત સંકોચનો(spasms)ને કારણે સજ્જડ રીતે બંધ રહેતું મોઢું. તેને બંધ મુખદ્વાર (lockjaw) અથવા હનુવધ્ધતા (trismus)  કહે છે. સામાન્ય રીતે તે ધનુર્વા(tetanus)ના રોગમાં થાય છે. આ રોગમાં પીઠ અને કમરના સ્નાયુઓના સસજ્જ (muscletone) સતત સંકોચનોને કારણે શરીર વાંકું વળીને ધનુષ્યના આકારનું થાય છે. તેથી તેને ધનુર્વા કહે છે. ધનુર્વાના રોગને 4 કક્ષામાં વહેંચવામાં આવે છે – મંદ, મધ્ય, તીવ્ર અને અતિતીવ્ર. તેના ત્રીજા અથવા તીવ્ર તબક્કામાં આખા શરીરમાં સસજ્જતાવાળાં (tonic) સતત સ્નાયુસંકોચનો થાય છે, સ્નાયુઓમાં અતિસજ્જ અક્કડતા (hypertonic rigidity) ઉદભવે છે, શ્વાસ રૂંધાઈ જાય તેવા શ્વસનસ્તંભન(apnoea)ના હુમલા થઈ આવે છે, ખોરાક ગળવામાં તકલીફ ઉદભવે છે જેને દુર્ગ્રસન (dysphagia) કહે છે તથા હૃદયના ધબકારાનો દર વધી જાય છે જેને અતિહૃદ્વેગ(tachycardia)નો વિકાર કહે છે. આવા સ્વાયત્ત ચેતાતંત્રના વિકારોની સાથે સાથે તે સમયે તીવ્ર પ્રકારનો બંધ-જડબાનો વિકાર પણ થાય છે. ધનુર્વાના ચોથા અને અતિતીવ્ર તબક્કામાં સ્વાયત્ત ચેતાતંત્રના વિકારો તીવ્ર બનતાં લોહીનું દબાણ અને નાડીનો વેગ પણ ઘટે છે. તેને અલ્પહૃદ્-વેગ(bradycardia)નો વિકાર કહે છે. તેમાં પણ બંધ-જડબાનો વિકાર જોવા મળે છે. બંધ-જડબું ધનુર્વાનું એટલું મહત્વનું ચિહ્ન છે કે ધનુર્વાના રોગને પણ અંગ્રેજીમાં lockjawનો રોગ કહે છે.

બંધ-જડબું કરતા અન્ય રોગો કે વિકારો પણ છે. દાંતના મૂળમાં ગૂમડું થયું હોય, દાંતના મુકુટની આસપાસનો ચેપ થયો હોય [જેને પરિમુકુટશોથ (pericoronitis) કહે છે], ગળામાં કાકડાની આસપાસ ગૂમડું (peritonsillar abscess, quinsy) થયું હોય કે કાનની આગળ કે ગળાના ઉપલા ભાગ(નીચલા જડબાના ખૂણાની પાછળ અને ઉપર)ની કોઈ લસિકાગ્રંથિ(lymphnode)માં વેળ ઘાલી હોય અને તેમાં લસિકાગ્રંથિશોથ(lymphadenitis)નો પીડાકારક સોજો થયો હોય તો મોઢું ખોલવામાં તકલીફ રહે છે. ખોપરીના લમણાવાળા ભાગમાં આવેલા હાડકાને શંખાસ્થિ (temporal bone) કહે છે તથા નીચલું જડબું બનાવતા હાડકાને અધોહનુ-અસ્થિ (mandible) કહે છે. શંખાસ્થિની નીચલી સપાટી પર નીચલા જડબાના અધોહનુ-અસ્થિ સાથે એક સાંધો બને છે, જ્યાં જોડાઈને નીચલું જડબું ઉપરનીચે અને આજુબાજુ હાલે છે. આ સાંધાના કેટલાક વિકારોમાં પણ મોઢું ખોલવામાં તકલીફ રહે છે. તે સાંધામાં પીડાકારક સોજો આવે તો તેને તેનો શોથજન્ય (inflammatory) વિકાર કહે છે. ક્યારેક ત્યાંનું હાડકું તૂટે તો તેને તેનો અસ્થિભંગ (fracture) કહે છે. આ વિકારોમાં જડબું ખોલવું અશક્ય બને છે. આ બધા વિકારોમાં ખોરાક ચાવવાના સ્નાયુઓમાં સસજ્જ સતતસંકોચનો (tonic spasms) થાય છે. આવું સ્નાયુઓનું સતત સંકોચન થવાનું મુખ્ય કારણ ત્યાં થયેલો સ્થાનિક પીડાકારક રોગ હોય છે.

આવા પીડાકારક વિકારો ઉપરાંત ચેતાતંત્રના કેટલાક વિકારોમાં પણ મોઢું ખોલવાનું મુશ્કેલ બને છે. કોઈ રોગ સામેની રસી અપાઈ હોય કે કોઈ ચેપ લાગ્યો હોય તે પછી ક્યારેક મગજમાં શોથ(inflammation)નો વિકાર થઈ આવે છે. તેને અનુક્રમે રસ્યોત્તર મસ્તિષ્કશોથ (postvaccinal encephalitis) કે ચેપોત્તર મસ્તિષ્કશોથ(postinfective encephalitis)નો વિકાર કહે છે. શરીર બહારના પ્રોટીનની સામે ક્યારેક ઍલર્જી થાય ત્યારે રસવ્યાધિ (serum sickness) નામનો ઍલર્જીજન્ય વિકાર થાય. આ બધા કિસ્સામાં બંધ-જડબાનો વિકાર થઈ આવે છે. દરિયાઈ સાપ કરડવાથી પણ ક્યારેક બંધ-જડબાનો વિકાર થઈ આવે છે.

પાન, તમાકુ અને મસાલાના વ્યસનીઓ તેમનું મોઢું ખોલવામાં મુશ્કેલી અનુભવે છે. આ તકલીફ ધીમે ધીમે વધતી રહે છે. ઉપર દર્શાવેલા ઝડપથી શરૂ થતા અને ટૂંકા ગાળાના ઉગ્ર (acute) પ્રકારના વિકારોની સરખામણીમાં આ એક લાંબા ગાળાનો અને સતત વધતો દીર્ઘકાલીન (chronic) વિકાર છે. તેમાં તમાકુ તથા સોપારીના લાંબા ગાળાના સેવનને કારણે ગલોફાની અંદરની દીવાલ, જેને શ્લેષ્મકલા (mucosa) કહે છે, તેની નીચે તંતુઓ વિકસે છે. તેને અવશ્લેષ્મી તંતુતા (submucosal fibrosis) કહે છે. તેને કારણે મોઢું ખોલવામાં મુશ્કેલી પડે છે. આ વિકારમાં ક્યારેક ગલોફાનું કૅન્સર ઉદભવે છે. આવા દર્દીને ઘન (solid) ખોરાક લેવામાં, તેના મોઢાની અંદર સફાઈ કરવામાં કે તેના વિકારની મોઢું ખોલીને શારીરિક તપાસ કરવામાં તથા તેની શસ્ત્રક્રિયા કરવામાં પણ મુશ્કેલી પડે છે. અવશ્લેષ્મી તંતુતાના વિકારની કોઈ વિશેષ સારવાર ઉપલબ્ધ નથી, પરંતુ વિકારને વધતો અટકાવવા કસરત સૂચવાય છે. આ વિકાર તથા કૅન્સર થતું અટકાવવા માટે તમાકુ તથા સોપારીનું સેવન ન કરવાની સલાહ અપાય છે. ગલોફાના કૅન્સરમાં તથા મોં કે ગળાના વિસ્તારના કૅન્સરમાં પણ દુખાવાને કારણે કે કૅન્સરના ફેલાવાને કારણે જો ચાવવાના સ્નાયુઓ કે નીચલા જડબાનું હાડકું કે તેના સાંધા અસરગ્રસ્ત થાય તો તે પણ મોઢું ખોલવામાં તકલીફ કરે છે.

મહાદેવ દેસાઈ

શિલીન નં. શુક્લ