બંધન : વીતેલા સમયનું નોંધપાત્ર હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1940. શ્વેત અને શ્યામ. 154 મિનિટ. નિર્માણસંસ્થા : બૉમ્બે ટૉકિઝ; નિર્માતા : શશધર મુખરજી; દિગ્દર્શક : એન. આર. આચાર્ય; પટકથા : જ્ઞાન મુખરજી, અમિય ચક્રવર્તી; સંવાદ : જે. એસ. કશ્યપ; ગીતકાર : પ્રદીપ; સંગીત : સરસ્વતીદેવી, રામચંદ્ર પાલ; છબીકલા : આર. ડી. પરીનીજા; કલાકારો : લીલા ચિટણીસ, અશોકકુમાર, સુરેશ, પી. એફ. પીઠાવાળા, વી. એચ. દેસાઈ, શાહનવાઝ, પૂર્ણિમા દેસાઈ, જગન્નાથ, અરુણકુમાર.

બૉમ્બે ટૉકિઝના આ લોકપ્રિય અને તે જમાનાના વર્ગભેદ અને આદર્શ ઉપર પ્રકાશ પાડતા ચલચિત્રમાં મનોરંજનના તમામ મસાલાઓ ભરવામાં આવ્યા છે. કથાનાયક નિર્મળ ગ્રામીણ નિશાળનો વડો છે. આ નિશાળના ખર્ચની જવાબદારી ગામનો જમીનદાર નિભાવે છે. તેની પુત્રી બીના નિર્મળના પ્રેમમાં પડે છે. બીનાનાં લગ્ન સુરેશ નામના યુવાન સાથે નક્કી થઈ ગયાં છે. સુરેશ અને તેનો પિતા ગોકુલ નિર્મળને ધમકી આપે છે. તેઓ તે નિશાળના શિક્ષક ભોલાનાથની પુત્રી ગૌરીના ખૂનમાં નિર્મળને સંડોવે છે. આ હત્યા માટે વસ્તુત: સુરેશ જ જવાબદાર હોય છે. આ ફિલ્મની સફળતામાં સંગીતે અગત્યનો ભાગ ભજવ્યો છે. એ ફિલ્મનાં ગીતો ખૂબ લોકપ્રિય રહ્યાં હતાં. તે અશોકકુમાર અને લીલા ચિટણીસે પોતે ગાયાં હતાં; ઉદા. ‘ચલ ચલ રે નવજવાન’; ‘મનભાવન’ અને ‘ચના જોર ગરમ’ વગેરે.

પીયૂષ વ્યાસ