બંધારણ, ભારતનું
સ્વતંત્ર ભારતના શાસનતંત્રના પાયારૂપ નિયમો. ઈ. સ. 1600માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયા પછીના લગભગ સાડા ત્રણ સૈકાના વિદેશી પ્રભાવ બાદ ભારત સ્વતંત્ર રાજ્ય બનવાની દિશામાં વેગથી આગળ વધી રહ્યું હતું. આ સદીઓ દરમિયાન આર્થિક શોષણ, રાજકીય દમન અને પશ્ચિમી શિક્ષણથી આવેલી બૌદ્ધિક જાગૃતિને કારણે બ્રિટિશ શાસનને પડકારવાની શરૂઆત થઈ અને તે પડકાર ‘ભારતીય રાષ્ટ્રીય આંદોલનની ગૌરવગાથા’ બની રહ્યો. પશ્ચિમી શાસન અને રાષ્ટ્રવાદી પરિબળો – બંને વચ્ચેના સંઘર્ષ અને સમન્વયમાંથી આધુનિક ભારતના રાજ્યવહીવટનાં બીજ રોપાયાં. રાષ્ટ્રીય આંદોલનના સંઘર્ષની સાથે સાથે જ આધુનિક ભારતનો પિંડ ઘડાતો ચાલ્યો, ભારતે ધીમે ધીમે છતાં મજબૂત રીતે લોકશાહી ભણી કૂચકદમ શરૂ કરી.
પ્રારંભિક તબક્કામાં રાષ્ટ્રવાદી લડત દ્વારા બ્રિટિશ શાસકો સમક્ષ અસંતોષની ભારતીય લાગણીઓની રજૂઆત થઈ. 1885થી 1904ના મવાળ રાજકારણના તબક્કામાં અંગ્રેજો સાથે સલાહ અને સુલેહ દ્વારા કાનૂની માર્ગોએ સંઘર્ષ ચાલ્યો. 1905થી 1919ના તબક્કા દરમિયાન રાષ્ટ્રીય નેતાઓએ મવાળ કરતાં જહાલ માર્ગોએ આગળ વધવાનું પસંદ કર્યું. 1906માં કરેલી માંગણીઓમાં બંધારણસભાનો વિચાર અભિપ્રેત હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જ્યારે બ્રિટિશ રાજનીતિજ્ઞો આત્મનિર્ણયના સિદ્ધાંતની વાત કરતા હતા ત્યારે હિંદના રાષ્ટ્રવાદીઓ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા બંધારણના ઘડતરની માંગ કરી રહ્યા હતા. આ માંગ દ્વારા ભારતીય બંધારણના બીજનું વાવેતર થયું. 1918માં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં પસાર કરવામાં આવેલા ઠરાવોમાં ભારતને આત્મનિર્ણયનો અધિકાર મળવો જોઈએ તેવી માંગ ઊઠી. દેશની સમસ્યાઓનું અમુક અંશે સમાધાન અને અમુક અંશે બાંધછોડ – આ બંને દ્વારા સ્વતંત્રતાની દિશામાં આગેકૂચ જારી રહી. 1922માં ગાંધીજીએ એવો પણ વિચાર રજૂ કર્યો કે ભારતીયોએ તેમનું ભાવિ પોતે જ ઘડવું જોઈએ અને તેમના પસંદ કરાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત થતી ભારતની પ્રજાની ઇચ્છાઓમાંથી સ્વરાજ ઉદભવવું જોઈએ. આ ભાવનાઓનું પુનરુચ્ચારણ લગભગ વીસ વર્ષ બાદ બંધારણસભાની ઉદઘાટન- બેઠકમાં કરવામાં આવ્યું હતું. ઉપર દર્શાવેલ વિચાર દ્વારા બંધારણસભાના ઉદભવનો પાયો નંખાયો.
31 ડિસેમ્બર 1929ના રોજ લાહોર ખાતે યોજાયેલ કૉંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ, એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કરતો ઐતિહાસિક ઠરાવ થયો. તેના જ એક સંલગ્ન વિચારમાં સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવા દેશના લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી સંસ્થાની રચના કરવા માટેની માંગ કરવામાં આવી હતી. 1934માં તો કૉંગ્રેસે સ્પષ્ટ રીતે જ બંધારણસભાની માંગણી કરી. 1936ના કૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં તેણે જણાવ્યું કે બહારની સત્તાની દરમિયાનગીરીથી ઘડાયેલા કોઈ બંધારણનો કૉંગ્રેસ સ્વીકાર કરશે નહિ. ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે એ વાતનો સ્વીકાર થઈ ચૂક્યો હતો કે ભારતીયોના ચૂંટેલા સભ્યોની સંસ્થાએ ભારતનું બંધારણ ઘડવું જોઈએ. જોકે સૂચિત બંધારણસભાના સ્વરૂપ અંગે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ગંભીર મતભેદો હતા. દરમિયાન રાષ્ટ્રીય કૉંગ્રેસ બંધારણસભાની તેની યોજનામાં આગળ વધી, જ્યારે લીગે બંધારણસભાની ઉપેક્ષા કરવાનું પોતાનું વલણ ચાલુ રાખ્યું. ભારતના તે સમયના વાઇસરૉય લૉર્ડ વેવેલ બંને વચ્ચે સમાધાન કરાવવાના પ્રયાસોમાં સફળ ન થયા. 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભાએ કામગીરી શરૂ કરી ત્યારે લીગના પ્રતિનિધિઓ ગેરહાજર હતા. આમ બંધારણસભાની ચર્ચાવિચારણામાં રાષ્ટ્રનો એકચતુર્થાંશ ભાગ પ્રતિનિધિત્વ વિનાનો રહ્યો. બંધારણસભા અંગેની ચર્ચા જારી હતી, પરંતુ બંધારણસભાએ કેટલાક નિયમો ઘડીને આ પ્રશ્નોનો ઉકેલ આણ્યો. ઉદ્દેશોના ખરડાનો સ્વીકાર, મૂળભૂત અધિકારોનો મુસદ્દો તૈયાર કરવો, સમવાયી વ્યવસ્થા સ્વીકારવી અને દેશી રજવાડાં સાથે મંત્રણાઓ શરૂ કરવી વગેરે પ્રારંભિક કામગીરી માટે બંધારણસભા વધુ સક્રિય બની. 3 જૂન 1947ના રોજ બે રાજ્યો – ભારત અને પાકિસ્તાન – ના અસ્તિત્વને અંગ્રેજ સરકાર માન્ય રાખશે તેવા નિર્ણયની જાહેરાત સાથે ભારતીય સ્વાતંત્ર્યધારો (The Indian Independence Act) બ્રિટને તેની સંસદમાં પસાર કર્યો. 15 ઑગસ્ટ 1947ના દિવસે બંધારણસભાને ઔપચારિક રીતે કાનૂની દરજ્જો આપવામાં આવ્યો અને આ બંધારણસભાએ ભારતીય બંધારણના ઘડતરની કામગીરીનો આરંભ કર્યો.
પ્રાંતોની ધારાસભાઓમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વને આધારે બંધારણસભા ચૂંટાયેલી હોવાથી તે પ્રાંતોની ધારાસભાઓની રચનાને પ્રતિબિંબિત કરતી હતી, જે 1935ના કાયદાને આધારે રચવામાં આવી હતી. જોકે બંધારણસભા એકંદરે તેજસ્વી સભ્યોની બનેલી હતી. તે અનેક સમિતિઓની મદદથી કામ કરતી હતી તેમાં આઠ મુખ્ય સમિતિઓ હતી. વળી આ સમિતિઓની મદદ માટે અન્ય શ્રેણીની સમિતિઓ પણ રચવામાં આવી હતી. વીસથી વધુ સમિતિઓમાં મોટાભાગની સ્થાયી સમિતિઓ હતી. સૌથી અગત્યની એવી મુસદ્દા સમિતિએ બંધારણના ઘડતરના આરંભથી અંત સુધી કામ કર્યું તેમાં દેશના અગ્રણી ધારાશાસ્ત્રીઓનું પ્રભુત્વ હતું, જે ભારતીય બંધારણની કાનૂની લાક્ષણિકતા સૂચવે છે.
ધારાસભામાં ચાલતી કાર્યવહી જેવી જ કાર્યવહીના ધોરણે બંધારણસભા કામ કરતી હતી. કેટલીક મહત્વની જોગવાઈઓ અંગેની વિચારણાને ત્રણ વાચન અને સમિતિ-કક્ષાઓમાંથી પસાર થયા બાદ આખરી ઓપ આપવામાં આવતો હતો. ભારતના ટોચના રાષ્ટ્રવાદી નેતાઓના નિર્ણયો તેમાં માર્ગદર્શક બનતા હતા. સૌથી અગત્યની વાત એ હતી કે બંધારણસભાએ નિર્ણયો કરવા માટે સર્વસંમતિ-પદ્ધતિ સ્વીકારી હતી. સર્વસંમતિ શક્ય ન હોય તેવા મુદ્દાઓ પર વ્યાપક સમજૂતી સાધવામાં આવતી હતી, જોકે સમાધાનનો આશરો ક્વચિત જ લેવાયો છે. અમેરિકા, કૅનેડા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોની પ્રણાલિકા કરતાં ભારતની બંધારણસભાની કાર્યવહી એક વિશિષ્ટ લક્ષણ ધરાવતી હતી અને તે એ કે ચર્ચાઓમાંની કોઈ વાત ગુપ્ત ન રાખતાં તે જાહેરપણે રજૂ થતી હતી. આમ બંધારણસભાએ લોકશાહીની આવી એક ઉદાત્ત ને ઊંચી પરંપરાનો સ્વીકાર કર્યો હતો.
9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભાના પીઢ સભ્ય ડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખપણા હેઠળ બંધારણસભાની પ્રથમ બેઠક મળી. બે દિવસ બાદ ડૉ. રાજેન્દ્રપ્રસાદને તેના સ્થાયી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા. બંધારણસભાએ ‘ઉદ્દેશોના ખરડા’ (objectives’ resolutions) પર કામ શરૂ કર્યું. તેમાં ભારતના બંધારણનું તત્વદર્શન રહેલું છે. બંધારણસભામાં તરેહ તરેહની વિચારસરણીઓ અને તેમને ટેકો આપતાં જૂથો હતાં, આમ છતાં એકંદરે બધાં જ લોકશાહીવાદી અને ઉદારવાદી વિચારોથી પ્રભાવિત હતાં અને લગભગ બધાં જ છેવાડાના અદના આદમીની ચિંતા ધરાવતાં હતાં. બંધારણના ઘડવૈયાઓની આ પાયાની નિસબતનો તેના ઘડતર પર સારો એવો પ્રભાવ રહ્યો છે.
ભારતના બંધારણ પર દુનિયાના વિવિધ દેશોના બંધારણની અસરો જોવા મળે છે, પરંતુ તે સાથે તેમાં ભારતની પરંપરાઓ, વિવિધતા અને જરૂરિયાતો વિશે વિચારણા કર્યા બાદ વિવિધ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણની તે વિશિષ્ટતા છે.
ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે :
લિખિત : ભારતનું બંધારણ લિખિત છે. બંધારણસભાએ તેને લોકશાહી ઢબે ઘડ્યું છે. તે 395 કલમો અને હાલ 12 પરિશિષ્ટો ધરાવે છે. બંધારણ મુખ્યત્વે જે જુદા જુદા ભાગ ધરાવે છે તેમાં (1) આમુખ છે, (2) બંધારણના 1થી 22 પેટાવિભાગો છે જેમાં 1થી 395 કલમોનો સમાવેશ થયેલો છે, (3) તેમાં હાલ 1થી 12 પરિશિષ્ટો, અને (4) પુરવણી છે. આમાં ભાગ 9મો પંચાયતો અંગેનો છે અને પરિશિષ્ટ 11 (કલમ 243-G) 1992માં બંધારણના 73મા સુધારા દ્વારા સામેલ કરવામાં આવ્યું છે. ભારતે વિશિષ્ટ સંજોગોમાં બંધારણનો સ્વીકાર કર્યો હતો આથી ઘણી નાની અને બારીક વિગતો અંગે પણ બંધારણમાં ચોકસાઈ આવશ્યક હતી. લિખિત સ્વરૂપમાં વિગતોની સ્પષ્ટતાને પણ લક્ષમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બંધારણ અમલમાં આવ્યું ત્યારથી 1995 સુધીમાં 78 બંધારણીય સુધારા આમેજ કરવામાં આવ્યા છે.
અતિવિસ્તૃત : અન્ય દેશોની તુલનાએ ભારતનું બંધારણ ખૂબ મોટું અને વિસ્તૃત છે. વિશ્વનાં બંધારણોના ખ્યાતનામ અભ્યાસી સર આઇવર જેનિંગ્ઝ પણ આ વાતનું સમર્થન કરે છે. એક અંદાજ મુજબ ભારતનું બંધારણ અમેરિકાના બંધારણ કરતાં પાંચગણું મોટું છે. આમ બનવાનાં કેટલાંક સાહજિક કારણો હતાં; જેવાં કે બંધારણ ઘડાયું ત્યારના વિશિષ્ટ સંજોગો, બંધારણસભા દ્વારા દેશ માટે સમવાયી પ્રથાનો સ્વીકાર, મૂળભૂત અધિકારો ઉપરાંત નીતિદર્શક સિદ્ધાંતોનો અલાયદો ઉલ્લેખ અને લઘુમતીઓનાં હિતોના રક્ષણ માટેની વિશિષ્ટ જોગવાઈઓનો સમાવેશ વગેરે. વિવિધ જોગવાઈઓ સવિસ્તર અને ચોકસાઈપૂર્વક સમાવવા જતાં બંધારણનું કદ વિસ્તૃત બને તે સ્વાભાવિક છે.
સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક : બંધારણના મૂળ પાઠમાં ભારતને સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક રાજ્ય ઉદઘોષિત કરવામાં આવ્યું હતું. પરંતુ બંધારણના 42મા સુધારા દ્વારા તેમાં ધર્મનિરપેક્ષ અને સમાજવાદી આ બે શબ્દો ઉમેરવામાં આવ્યા છે. રાજ્ય સાર્વભૌમ હોય તેનો અર્થ એ છે કે તે આંતરિક રીતે સર્વોચ્ચ સત્તાશીલ છે તેમજ બાહ્ય અંકુશોથી મુક્ત છે. આપણે લોકશાહી પદ્ધતિનો સ્વીકાર કર્યો છે, જેમાં પ્રત્યેક પુખ્ત વયનો નાગરિક મતાધિકાર દ્વારા સામાન્ય રીતે પાંચ વર્ષ માટે સરકારની પસંદગી કરે છે. બંધારણમાં પુખ્તવય-મતાધિકાર માટે શરૂઆતમાં 21 વર્ષની વય માન્ય કરવામાં આવી હતી, પરંતુ 1989માં 61મા બંધારણીય સુધારા દ્વારા પુખ્ત-વયનું ધોરણ ઘટાડીને 18 વર્ષનું કરવામાં આવ્યું. પુખ્તવયમતાધિકારથી બે બાબતો સિદ્ધ થાય છે : (1) પ્રજા જ સર્વોચ્ચ છે અને (2) પ્રજાને શાસકો પસંદ કરવાનો અધિકાર છે. આ સંદર્ભે ભારત વિશ્વનો મોટામાં મોટો લોકશાહી દેશ છે. એ જ રીતે ભારતની લોકશાહી શાસન-વ્યવસ્થામાં દેશનો સર્વોચ્ચ વડો – રાષ્ટ્રપ્રમુખ – પરોક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાઈને હોદ્દો ધારણ કરે છે. સામાન્ય રીતે દર પાંચ વર્ષે પ્રમુખની ચૂંટણી થાય છે. આમ દેશનો સર્વોચ્ચ વડો ચૂંટાઈને હોદ્દો ગ્રહણ કરે ત્યારે તે પ્રજાસત્તાક રાજ્ય બને છે.
એક જ નાગરિકત્વ : સામાન્ય રીતે સમવાયી પદ્ધતિ સ્વીકારતા દેશોમાં કેન્દ્ર અને રાજ્ય એમ બેવડી સરકાર હોય છે અને બેવડું નાગરિકત્વ પણ હોય છે. ભારત આ બાબતમાં અપવાદરૂપ હોઈ સમવાયી પદ્ધતિનો સ્વીકાર કરવા છતાં તે એક જ નાગરિકત્વ સ્વીકારે છે. ભારતના પ્રત્યેક રાજ્યનો નાગરિક સમગ્ર ભારતનો નાગરિક ગણાય છે.
સંસદીય લોકશાહી : દુનિયામાં લોકશાહીના બે મુખ્ય પ્રકાર છે : (અ) સંસદીય લોકશાહી અને (બ) પ્રમુખીય લોકશાહી. ભારતે બ્રિટનના જેવી સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. તદનુસાર પ્રજા દ્વારા ચૂંટાતું નીચલું ગૃહ લોકસભા વ્યાપક સત્તાઓ ધરાવે છે. તે દેશ અંગેના કાયદાઓ ઘડે છે, અંદાજપત્ર મંજૂર કરે છે, સરકારની રચના કરે છે તેમ તે સરકારને પદભ્રષ્ટ પણ કરી શકે છે. આમ ભારતમાં ચૂંટણી દ્વારા અસ્તિત્વમાં આવેલી લોકસભા વ્યાપક અને વિસ્તૃત સત્તાઓ ધરાવે છે. કારોબારી–સરકાર–સંપૂર્ણપણે સંસદને અને તેમાં પણ વિશેષે લોકસભાને જવાબદાર હોય છે.
સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, જેની સંમતિ કાયદાના ઘડતર માટે આવશ્યક છે. રાજ્યસભા લગભગ લોકસભા જેવી જ સત્તાઓ ધરાવે છે, પરંતુ તેની નાણાકીય સત્તાઓ મર્યાદિત હોય છે. રાજ્યસભાની રચના મુખ્યત્વે સમવાયી ધોરણે થાય છે, જે મુજબ પ્રત્યેક રાજ્ય પ્રમાણસર પ્રતિનિધિત્વના આધારે બે પ્રતિનિધિ ચૂંટીને મોકલે છે, તેમજ ભારતના રાષ્ટ્રપ્રમુખ કળા, વિજ્ઞાન, સાહિત્ય અને અન્ય ક્ષેત્રોની ખ્યાતનામ વ્યક્તિઓમાંથી 12 સભ્યોની તેમાં નિમણૂક કરે છે.
લોકસભા અને રાજ્યસભા – એમ બે ગૃહોથી બનેલી સંસદ સરકારની રચના, કાર્યવહી અને વિસર્જનમાં નોંધપાત્ર કામગીરી બજાવે છે.
વિશિષ્ટ સમવાયી પ્રથા : ભારતે સમવાયી પ્રથાનો સ્વીકાર કર્યો છે. જોકે બંધારણે ‘સમવાય’ શબ્દને બદલે ‘સંઘ’ શબ્દ પ્રયોજ્યો છે. સમવાયી પ્રથામાં રાજ્ય અને કેન્દ્ર – એમ બે કક્ષાએ સરકારો કામ કરતી હોય છે. રાજ્યકક્ષાની સરકારોને પોતાની અલગ વિધાનસભા અને કારોબારી હોય છે. જ્યારે દેશ વિશાળ કદ ધરાવતો હોય અને વ્યાપક વૈવિધ્ય ધરાવતો હોય ત્યારે આવી સમવાયી પદ્ધતિ વધારે અનુકૂળ આવતી હોય છે.
સામાન્ય રીતે સમવાયી પ્રથા ધરાવતા દેશોમાં રાજ્ય સરકારોને અલગ ન્યાયતંત્ર હોય છે. વળી દરેક નાગરિક કેન્દ્ર અને રાજ્ય સરકારનું બેવડું નાગરિકત્વ ધરાવે છે. ભારતમાં આપણે આ બંને બાબતોને અપવાદરૂપ ગણી સ્વીકારી નથી, તેથી ભારતની સમવાયી પ્રથા ‘વિશિષ્ટ’ બની રહે છે. તે માટે એક બીજું કારણ પણ જવાબદાર છે : ભારતના બંધારણમાં કેન્દ્ર સરકાર માટે કેન્દ્ર-યાદી, રાજ્ય સરકારો માટે રાજ્ય-યાદી અને બંને સરકારોની સંયુક્ત સત્તાઓ માટે સંયુક્ત યાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંયુક્ત યાદી ‘શેષ સત્તાઓ’ કેન્દ્રને સોંપે છે. વળી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્રનાં પગલાં માન્ય રાખવાં એવી જોગવાઈ પણ બંધારણમાં સૂચવવામાં આવી છે. આમ ભારતના બંધારણમાં સત્તાની વહેંચણીમાં કેન્દ્ર સરકારનું પ્રભુત્વ રહે છે. આ કારણથી પણ ભારતની સમવાયી પ્રથા ‘વિશિષ્ટ’ બની રહે છે.
બિનસાંપ્રદાયિક રાજ્ય : ભારતનું બંધારણ દેશને બિનસાંપ્રદાયિક રાજ્ય ઘોષિત કરે છે. બિનસાંપ્રદાયિક એટલે ધર્મનિરપેક્ષ રાજ્ય. ભારતમાં રાજ્યનો કોઈ માન્ય કે સ્વીકૃત ધર્મ નથી. દેશના લોકો દ્વારા સ્વીકારવામાં આવેલા વિવિધ ધર્મોને રાજ્ય દ્વારા સમાન ગણવામાં આવે છે. વળી ધર્મને કારણે જાહેર સ્થળો યા નોકરીઓમાં કોઈ ભેદભાવ દર્શાવવામાં આવતો નથી; નાગરિક-નાગરિક વચ્ચે પણ ભેદભાવ દર્શાવવામાં આવતો નથી.
મૂળભૂત અધિકારો : લોકશાહી પદ્ધતિમાં કેન્દ્રસ્થાને નાગરિક હોવાથી નાગરિકત્વના પૂર્ણવિકાસની વ્યવસ્થા પ્રત્યેક બંધારણમાં સમાવિષ્ટ હોય છે, જે માટેની જોગવાઈ છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો નાગરિકોને વિવિધ પ્રકારનું સ્વાતંત્ર્ય બક્ષે છે, જેથી રુકાવટ વિના નાગરિકના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે અને એ રીતે એકંદરે સમાજની પ્રગતિમાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે. નાગરિકોને આપવામાં આવતા મૂળભૂત અધિકારોના રક્ષણની જોગવાઈ પણ બંધારણ કરે છે. રાજ્ય પણ નાગરિકના અધિકારો પર તરાપ મારી શકતું નથી. બીજા શબ્દોમાં, મૂળભૂત અધિકારો રાજ્યની સત્તા પર મર્યાદા આંકે છે. ભારતમાં નાગરિકોને આપવામાં આવેલા અધિકારોમાં સમાનતા અને સ્વતંત્રતાના અધિકારો, શોષણ સામેનો અને ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, સાંસ્કૃતિક અને કેળવણી-વિષયક અધિકાર, મિલકતનો અધિકાર અને બંધારણીય ઉપાયના અધિકારનો સમાવેશ થાય છે.
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો : આ સિદ્ધાંતો ટૂંકમાં નીતિદર્શક સિદ્ધાંતો તરીકે જાણીતા છે. ‘દેશના શાસન માટે મૂળભૂત મહત્વ ધરાવતા માર્ગદર્શક સિદ્ધાંતો’ તરીકે તેને બંધારણ ઓળખાવે છે. આયર્લૅન્ડ અને સ્પેનના બંધારણમાં આવા પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી ભારતે પ્રેરણા લીધી છે. ભાવિ સરકારો માટે આ સિદ્ધાંતો દીવાદાંડીની ગરજ સારે છે. આ સિદ્ધાંતોની જોગવાઈઓમાં રાજ્યની ફરજો અને તેવી ફરજોમાંથી ઉદભવતા લોકા-દેશોનો પણ સમાવેશ થાય છે. રાજ્યના ઉદ્દેશો અંગે પણ તેમાં વિગતે સૂચનો છે. આ સિદ્ધાંતોમાં પાયાના છ આદર્શો રજૂ કરવામાં આવ્યા છે. વળી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી, રાજ્યો વચ્ચે માનભર્યા સંબંધોની જાળવણી, આંતરરાષ્ટ્રીય કાનૂન અને સંધિ-કરારો પ્રત્યે આદર તથા આંતરરાષ્ટ્રીય તકરારોનું નિવારણ લવાદી દ્વારા કરવું તેવા ઉદ્દેશો પણ સામેલ કરવામાં આવ્યા છે.
આમુખ : આમુખ બંધારણનો પ્રારંભિક ભાગ છે. બંધારણના મૂળ પાઠમાં ભારતને સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક બનાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. બધા નાગરિકોને ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા પૂરી પાડવાનું અને તેમનામાં ભાઈચારો પેદા કરવાનું લક્ષ્ય તે તાકે છે. 1976માં મંજૂર થયેલ 42મા બંધારણીય સુધારા દ્વારા પાછળથી ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે અને તે મુજબ હવે ભારતને ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક’ જાહેર કરવામાં આવેલ છે.
એકીકૃત ન્યાયતંત્ર : ભારતે સમવાયી પ્રથાનો સ્વીકાર કર્યો હોવા છતાં એકીકૃત ન્યાયતંત્રની અથવા સળંગ ન્યાયતંત્રની પ્રથા પસંદ કરી છે. તે અનુસાર નીચલી અદાલતો, જિલ્લા અદાલતો, રાજ્યની વડી અદાલતો અને છેક ટોચ પર સર્વોચ્ચ અદાલત – એ રીતે ચડતા ક્રમે ન્યાયતંત્રનું માળખું રચાયું છે. નાગરિકો વચ્ચેના ઝઘડાઓમાં, રાજ્યો- રાજ્યો વચ્ચેના સંઘર્ષમાં, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદોમાં અને નાગરિકો તથા રાજ્ય વચ્ચેના ઝઘડાઓની પતાવટ માટે ન્યાયતંત્ર ચુકાદાઓ આપે છે. જરૂર પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખને સલાહ આપવાનું કાર્ય પણ સર્વોચ્ચ અદાલત કરે છે.
સુપરિવર્તનશીલતા અને દુષ્પરિવર્તનશીલતાનો સમન્વય : લિખિત બંધારણો સમયની સાથે તાલ મિલાવી શકે તે માટે તેમાં ફેરફાર – પરિવર્તનની જોગવાઈ સામેલ કરવામાં આવતી હોય છે. કેટલાંક બંધારણોમાં પરિવર્તનની પદ્ધતિ સરળ હોય છે. તે બંધારણો સુપરિવર્તનશીલ કહેવાય છે. મુશ્કેલ પદ્ધતિ ધરાવતાં બંધારણો દુષ્પપરિવર્તનશીલ બંધારણો તરીકે ઓળખાય છે. ભારતના બંધારણમાં આ બંને પદ્ધતિઓનો સમન્વય કરવા પ્રયાસ થયો છે. ભારતના બંધારણમાં સુધારાની ત્રણ પદ્ધતિઓ સૂચવવામાં આવી છે. તેમાંની એક છે સાદી બહુમતીથી સુધારો કરવાની પદ્ધતિ. બીજી પદ્ધતિ છે સંસદનાં બંને ગૃહોમાં હાજર અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી સુધારો કરવાની અને ત્રીજી સુધારાની પદ્ધતિમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્યસંખ્યાની બહુમતી તેમજ હાજર અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતી મેળવવામાં આવે છે અને તે સાથે સુધારાના ખરડાને માટે કુલ રાજ્યોની સંખ્યાનાં અડધાં રાજ્યોની મંજૂરી પણ મેળવવામાં આવે છે. બંધારણમાં ફેરફાર કરવાની આવી વિવિધ પદ્ધતિઓને લીધે તે સાવ સુપરિવર્તનશીલ અને અતિદુષ્પરિવર્તનશીલ બનતું અટક્યું છે. આમ આ બંધારણને બંને પદ્ધતિઓના સમન્વય દ્વારા સમયને અનુરૂપ બનવાની શક્તિ પૂરી પાડવામાં આવે છે.
અદાલતી સમીક્ષા : ભારતના બંધારણમાં સંસદીય પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો હોવા છતાં સંસદીય સર્વોપરિતાને સ્થાને ભારતે બંધારણની સર્વોપરિતા સ્વીકારી છે. આથી બંધારણના અર્થઘટનનું કાર્ય સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવ્યું છે, જેમાં અદાલતી સમીક્ષાનો સિદ્ધાંત અભિપ્રેત છે. અદાલતી સમીક્ષા એટલે બંધારણે મૂકેલી મર્યાદાઓનું ઉલ્લંઘન થતું હોય તો અદાલત તેવા કાયદા કે કૃત્યને ગેરબંધારણીય ઠેરવી તેનો અમલ મોકૂફ રાખવાનો આદેશ આપી શકે. આ ર્દષ્ટિએ ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારે હાથ ધરેલાં પગલાંની સમીક્ષા કરી શકે છે.
પછાત અને વર્ગીકૃત જાતિઓ માટે ખાસ જોગવાઈ : ભારતનું બંધારણ પછાત અને વર્ગીકૃત જાતિઓ માટે વિશિષ્ટ જોગવાઈઓ ધરાવે છે. ધારાગૃહોમાં અનામત બેઠકો, સરકારી હોદ્દાઓમાં અનામત સ્થાનો તેમજ શિક્ષણની સુવિધાઓમાં વિશિષ્ટ જોગવાઈ દ્વારા શિષ્યવૃત્તિ અને માફીની સગવડની ખાસ જોગવાઈ બંધારણે પૂરી પાડી છે. સામાજિક રીતે નિમ્ન સ્તરના વર્ગો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એ માટે આવી વ્યવસ્થા યોજવામાં આવી છે.
હિંદીને રાષ્ટ્રભાષા તરીકે સ્થાન : ભારતમાં વિવિધ ભાષાઓનો ઉપયોગ થાય છે. આથી પ્રજાના વિવિધ વર્ગો વચ્ચે વિચારવિનિમય થઈ શકે તે માટે રાષ્ટ્રભાષાની અનિવાર્યતા છે. બંધારણે દેવનાગરી લિપિ ધરાવતી હિંદીને રાષ્ટ્રભાષાનું સ્થાન બક્ષ્યું છે, તે સાથે પ્રાદેશિક ભાષાઓનો વિકાસ પણ ચાલુ રહે તે માટે 18 પ્રાદેશિક ભાષાઓને માન્ય ભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ભાનુપ્રસાદ મ. ગાંધી