બંધારણ : દેશનો મૂળભૂત કાયદો જેમાં દેશની શાસનવ્યવસ્થાના સ્વરૂપનું તથા રાજ્ય અને નાગરિકો વચ્ચેના પારસ્પરિક સંબંધોનું નિર્ધારણ કરેલું હોય છે. તેના દ્વારા દેશની શાસનવ્યવસ્થાનાં વિવિધ અંગોની સત્તાઓ અને ફરજો નક્કી કરવામાં આવેલી હોય છે, તેમાં દેશના નાગરિકોના હકોનું સંહિતાકરણ કરવામાં આવેલું હોય છે તથા અપવાદરૂપ કિસ્સાઓમાં નાગરિકોની ફરજોનું પણ બયાન કરવામાં આવેલું હોય છે. આ ઉપરાંત તેમાં સ્પષ્ટ રીતે સત્તાની મર્યાદાઓ નિશ્ચિત કરવામાં આવેલી હોય છે.

રાજ્યની જેમ ક્લબો, મંડળો, મજૂર મહાજનો, રાજકીય પક્ષો અને વ્યક્તિઓનાં વિવિધ સમૂહો, સંગઠનો તથા કંપની અને નિગમને પણ પોતાનાં બંધારણો હોય છે. દરેક લોકશાહી રાજ્યને તેનું લિખિત કે અલિખિત બંધારણ હોય છે અને તેને અધીન રહીને જ તે રાજ્યનું શાસન ચલાવવામાં આવે છે. કેટલાંક બિનલોકશાહી રાજ્યોમાં બંધારણ હોય છે, પરંતુ તે બંધારણો આભાસી હોય છે, કારણ કે તેનાથી શાસન કે સત્તા પર કોઈ વાસ્તવિક મર્યાદા મૂકવામાં આવતી નથી. દા.ત., વિઘટન પૂર્વેના સોવિયત સંઘનું બંધારણ.

વર્તમાન બંધારણનો પાયો હૉબ્સ, લૉક અને રૂસોનાં વિચારો અને લખાણોથી નંખાયો અને તેના પર વ્યક્તિઓના અધિકારો વિશેના ફ્રેન્ચ ડેક્લેરેશન, ‘અમેરિકન ડેક્લેરેશન ઑવ્ ઇન્ડિપેન્ડન્સ’, ‘બિલ ઑવ્ રાઇટ્સ’ વગેરેનો પ્રભાવ છે.

બંધારણ લિખિત હોય અથવા અલિખિત. લિખિત બંધારણમાં શાસનના મહત્ત્વના સિદ્ધાંતો અને નિયમો આમેજ કરેલા હોય છે. ભારતનું અને અમેરિકાનું બંધારણ લિખિત છે; ઇંગ્લૅન્ડનું અલિખિત છે. અલિખિત બંધારણના કાયદાના મૂળભૂત સિદ્ધાંતો જે તે દેશના અનેક કાયદાઓમાં, ન્યાયિક ચુકાદાઓમાં, પરંપરાઓ અને પ્રણાલિકાઓમાં વીખરાયેલા પડ્યા હોય છે. લિખિત બંધારણનું અર્થઘટન અદાલતો કરે છે અને આચાર કે રૂઢિ (પ્રણાલિકા) અને શિરસ્તાઓ (રિવાજો) તેમાં પૂરક બને છે.

આપખુદ, જુલમી અને સ્વચ્છંદી બંધારણમાં મુખ્ય સત્તા અમુક એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહના હાથમાં હોય છે અને તે પોતાની ઇચ્છાનું બીજાઓ પાસે પાલન કરાવે છે. પ્રજાસત્તાક (republican) બંધારણમાં રાજ્યનો વડો ચૂંટાયેલો હોય છે. લોકશાહી બંધારણમાં શાસનની સર્વોચ્ચ સત્તા સંસદનાં ગૃહોમાં નિહિત હોય ત્યારે તેને સંસદીય પદ્ધતિના બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., ઈંગ્લેન્ડમાં પ્રવર્તતી સંસદીય સર્વોપરિતાની પદ્ધતિ. પરંતુ શાસનની સર્વોચ્ચ સત્તા જ્યારે કારોબારીના વડાને હસ્તક હોય છે ત્યારે તેને પ્રમુખીય પદ્ધતિના બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., અમેરિકાનું બંધારણ. બંધારણ સુધારવાની પદ્ધતિને આધારે તેને સુપરિવર્તનશીલ કે દુષ્પરિવર્તનશીલ બંધારણ તરીકે વર્ગીકૃત કરી શકાય.

બંધારણમાં અમુક મુખ્ય લક્ષણો હોવાં જ જોઈએ એવું નથી, પરંતુ દરેક બંધારણમાં રાજ્યના વડાની નિમણૂક અને તેની સત્તા; કાયદા ઘડનારી સર્વોચ્ચ સંસ્થા, તેની રચના અને સત્તા; મુખ્ય કારોબારીનો વડો અને વહીવટના મુખ્ય ભાગો; સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા અને એની સત્તા વગેરે જણાવેલાં હોય છે. સામાન્ય રીતે દરેક લિખિત બંધારણમાં એમાં સુધારા કરવા માટેની જોગવાઈ પણ કરેલી હોય છે.

રાજકીય રીતે સંગઠિત થયેલ બિરાદરી કે રાજ્યની સરકાર, જે વ્યાખ્યાબદ્ધ કરેલા નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે ચલાવાય તેને બંધારણીય સરકાર કહે છે. આવા સિદ્ધાંતો અને નિયમો સ્વચ્છંદી અને આપખુદ સિદ્ધાંતોથી અલગ પડે છે. બંધારણીય સરકારને લગતા આવા નિયમો અને સિદ્ધાંતો ન બદલી શકાય તેવા હોતા નથી, પરંતુ કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહનાં ઇચ્છા અને તરંગ પ્રમાણે તે બદલી શકાતા નથી. એ અંશત: જે તે રાજ્યના ઇતિહાસનાં ફરજંદ હોય છે. તેના પર, વ્યક્તિઓનો જે સમૂહ બળવાન હોય તેની સામાજિક અને રાજકીય વિચારસરણી અને ફિલસૂફીનો પ્રભાવ હોય છે.

સારા બંધારણનાં મુખ્ય લક્ષણો સંક્ષિપ્તમાં નીચે મુજબ હોય છે : (1) સત્તાનું વિભાજન : ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી – આ ત્રણ શાસનવ્યવસ્થાનાં મુખ્ય અંગો વચ્ચે સત્તાનું વિભાજન કરેલું હોય. (2) પ્રતિનિધિત્વ : હોદ્દા પર હોય તે ચૂંટાયેલા હોય કે નહિ, પરંતુ તેમના મતદાર મંડળ(કૉન્સ્ટિટ્યુઅન્સી)નું પ્રતિનિધિત્વ કરતા હોય છે. (3) ઉત્તરદાયિત્વ : શાસનકર્તાઓ, તેમને સત્તાસ્થાને બેસાડનાર સામાન્ય ઘટકોને જવાબદાર હોય છે. (4) પારદર્શકતા (openness) : જાહેર વહીવટને લગતા બધા જ નિર્ણયો ખુલ્લી રીતે, જનતાની ટીકાને અધીન રહીને લેવાય છે. (5) સુધારાવધારા : મૂળભૂત નિયમો સ્વચ્છંદપણે અને વારંવાર બદલવામાં ન આવે અને સુધારાવધારા નિયત કાર્યરીતિ પ્રમાણે જ થાય તેની જોગવાઈ કરવામાં આવે છે. (6) ન્યાયિક પુનરવલોકન (judicial review) : સરકારનું દરેક અંગ કાયદાના શાસનને અધીન રહે અને તેનાં કાર્યોનું ન્યાયિક પુનરવલોકન થઈ શકે તેવી ગોઠવણ તેમાં કરેલી હોય છે. સત્તાનો ઉપયોગ કરવાનાં ધોરણોની સતત સમીક્ષા થતી હોવાથી એના ઉપયોગ પર નિયંત્રણ રહે છે.

જેટલે અંશે બહુમતી લોકોનાં વર્તન, રિવાજ અને તેમની વિચારવાની રીતને અનુરૂપ બંધારણના નિયમો અને શિરસ્તાઓ હશે તેટલે અંશે બંધારણીય સરકારનું આયુષ્ય વધશે. વળી બંધારણ તેમાં થતા સુધારાવધારાઓથી, અર્થઘટનથી અને શિરસ્તાઓથી કેવો વિકાસ સાધે છે, તેમાં કેવા ફેરફાર અને સુધારા થઈ શકે છે, તે ઉપર પણ તેની અવધિનો આધાર રહેલો છે. ભાષામાં ફેરફાર કર્યા વિના વિકાસને સ્થાન આપે તે બંધારણને જ સફળ બંધારણ ગણવામાં આવે છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી