બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર 

January, 2000

બંદ્યોપાધ્યાય, હેમચંદ્ર  (જ. 1838; અ. 1903) : બંગાળી કવિ. વિનયન અને કાયદાના સ્નાતક. તેમનું દીર્ઘકાવ્ય ‘ચિન્તાતરંગિણીકાવ્ય’  (1861) અંગત મિત્રની આત્મહત્યાથી પ્રેરાયેલું હતું. યુનિવર્સિટીમાં તે પાઠ્યપુસ્તક બનતાં ઊગતા કવિ તરીકે તેમને પ્રસિદ્ધિ મળે છે. ઈશ્વરચંદ્ર ગુપ્ત (1812–1859) અને રંગલાલ બંદ્યોપાધ્યાયની રીતિ પર તે રચાયેલું છે. પછીની કૃતિ ‘વીરબાહુકાવ્ય’ (1864) પર પણ પડોશી રંગલાલનો પ્રભાવ સ્પષ્ટ હતો. કથા કાલ્પનિક છે; દૂરના ભૂતકાળનાં રાષ્ટ્રવાદી હિંદુઓની સાહસિક ચેતનાને પ્રક્ષેપિત કરવાનો હેતુ છે. તેમનાં કેટલાંક કાવ્યો અંગ્રેજીમાંથી રૂપાંતરિત અથવા અનૂદિત છે. તેમણે શેક્સ્પિયરનાં બે નાટકો ‘ટેમ્પેસ્ટ’ (1868) અને ‘રોમિયો ઍન્ડ જુલિયેટ’(1895)નું રંગમંચીય રૂપાંતર કર્યું છે. તે એમની સૌથી વધુ લોકપ્રિય અને પ્રતિભાશાળી કૃતિ છે. ‘ભારતસંગીત’ (1870) બંગાળીઓ માટે રાષ્ટ્રગીત બની ગયું. કવિતાનો આવેગભર્યો પ્રવાહ સદીના અંત સુધી સાહિત્યિક પ્રવૃત્તિ પર પ્રભાવક રહ્યો, તેમજ અવ્યક્ત રહેલી બ્રિટિશ- વિરોધી લાગણીઓને વ્યક્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અંગ્રેજોના નામનો ઉલ્લેખ નથી, છતાં ગર્ભિત અર્થ અત્યંત સ્પષ્ટ છે. બંદ્યોપાધ્યાયે ‘મેઘનાદવધ’ની સટીક આવૃત્તિની પ્રશંસાત્મક ભૂમિકા લખી હતી, પણ મધુસૂદન દત્તના એ કાવ્યનો એમના પર બહુ પ્રભાવ નહોતો. તેમના એક સંપૂર્ણ મહાકાવ્ય અને પ્રખ્યાત ‘વૃત્રસંહાર’ (બે ભાગ, 1875–1877)માં પણ દત્તનો પ્રભાવ ઓછો  છે. બંદ્યોપાધ્યાય એક પરિપક્વ પદ્યરચનાકાર અને ઈ. ગુપ્તના સાચા અનુગામી હતા. ‘વૃત્રસંહાર’નું ફલક વ્યાપક છે, વિષય મહત્વાકાંક્ષી છે. એમાં દ્ઘીચિની પુરાણકથા છે. એમનો છંદ સરળ અને મુક્ત, પરિચિત છંદ હોવાથી, તેમજ રાષ્ટ્રીય ભાવનાની અંતર્ધારા હોવાના કારણે ‘મેઘનાદવધ’ કરતાં પણ વધારે સમય તે લોકપ્રિય બન્યું. તેમના બીજા મોટા કાવ્યમાં ‘છાયામયી કાવ્ય’(1980)ના કેટલાક ખંડોમાં દાન્તેના ‘લા કૉમેદિયા’નું અનુસરણ છે. તેમાં છંદરચનાનું કૌશલ જોવા મળે છે, પણ કાવ્યતત્વનો અભાવ વર્તાય છે. પણ બોલચાલની શૈલીમાં તથા બાલગીતો – લોકકાવ્યોના ઊછળતા છંદોમાં લખાયેલાં તેમજ સમકાલીન રુચિના વિષયો સંબંધી લખાયેલાં, હાસ્ય-વ્યંગ્ય-કાવ્યો બંદ્યોપાધ્યાયની રચનાઓમાં સૌથી સફળ થયાં છે અને તેમાં જ તેમની પ્રતિભા દેખાય છે.

અનિલા દલાલ