બંદ્યોપાધ્યાય, વિભૂતિભૂષણ (જ. 1894; અ. 1950) : પ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. વાર્તા વાંચી સંભળાવવાનો વ્યવસાય કરનારા પિતા સાથે બંગાળમાં ખૂબ ભ્રમણ કર્યું, જુદાં જુદાં ગામોની ‘પાઠશાળા’માં પ્રાથમિક શિક્ષણ; માતા ઓછી આવકમાં ઘર ચલાવતી; પૈતૃક ગામ બરાકપુરથી 9 કિલોમીટરના અંતરે આવેલી માધ્યમિક શાળામાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી 1914માં કલકત્તાની રિપન કૉલેજમાં; રવીન્દ્રનાથના પ્રથમ દર્શનથી મુગ્ધ અને ‘કલ્પલોક’ની ખેવના; 1918માં બી.એ., ગૌરી સાથે લગ્ન, પણ ગૌરીનું એક વર્ષમાં જ મૃત્યુ, વ્યથિત હૃદયે અહીંતહીં ભ્રમણ; પછી ગામડાંની શાળાઓમાં નોકરી. 1924માં ખેલતચંદ્ર ઘોષ દ્વારા ભાગલપુર જિલ્લામાં વન-અધિકારી તરીકે નિમણૂક, તે દરમિયાન જંગલોમાં ભ્રમણ, તેનાં ચિત્રો નવલોમાં ઝિલાયાં છે. પહેલી નવલકથા ‘પથેર પાંચાલી’ (1929) નવા સામયિક ‘વિચિત્રા’માં પ્રકટ થયેલી. આ શ્રેષ્ઠ રચના અને તેના અનુસંધાનમાં રચાયેલી ‘અપરાજિત’ (1932) લેખકની પોતાની જીવનકથા પર ઘણી આધારિત છે; તે અસાધારણ નિષ્ઠાથી લખાઈ છે. ભાવનાપ્રવણ વાચક પણ ભૂતકાળની ઝંખનાનો અતીતરાગ અનુભવે છે; સત્યજિત્ રાયે આ કથાને કચકડામાં મઢી અમરતા બક્ષી છે.
નવલકથાસાહિત્યમાં આ બે નવલોમાં નાયક અપુનું ચરિત્રચિત્રણ અદ્વિતીય છે. શિશુમનની રહસ્યમયતા સંપૂર્ણપણે પ્રતિષ્ઠિત થઈ છે. આરંભમાં દૂરની ફોઈ ઇંદિરા ઠાકુરાણીનું સંક્ષેપમાં ચિત્રણ આવે છે; અપુની માતા સર્વજયાના તેના પ્રત્યેના વ્યવહારની નિર્મમતા સંજોગોને વશ છે. નાયિકા સમી અપુની બહેન દુર્ગાનું સાહચર્ય અપુ માટે પણ મુખ્ય બની રહે છે. દુર્ગા જ અપુનો હાથ પકડી અરણ્ય-પ્રકૃતિની રહસ્યમય નિર્જનતામાં લઈ જાય છે. કલ્પનાપ્રવણતા, વ્યાકુળ ઝંખના એ અપુની પોતાની પ્રકૃતિ છે. એ કલ્પલોકમાં મગ્ન બને છે. નિર્ભીકતા, ભ્રમણઝંખના અને સ્વાવલંબન-પ્રિયતા દુર્ગાની લાક્ષણિકતાઓ છે. દુર્ગાના મૃત્યુ પછીની કાશીયાત્રા અપુમાં નવી અભિજ્ઞતા જગાડે છે; પોતાના ગામ નિશ્ચિન્તપુર માટેની તન્મયતા ઓછી થાય છે; બાહ્ય જગત માટેનું તીવ્ર આકર્ષણ અને સાહિત્યિક પ્રેરણા પ્રબળ બને છે; પિતાની સંગીતપ્રિયતા કાવ્યપ્રવણતાને વેગ આપે છે; પણ પિતાનું મૃત્યુ અને પછીની ધનિક લોકોની અવહેલના તેને અત્યંત વ્યથિત કરે છે; માત્ર લીલાની સહાનુભૂતિ જ મરુભૂમિમાં ઝરણા સમાન છે. મા સર્વજયા ત્યાંથી મનસાપોતા ગામે ઘર બાંધી રહેવા જાય છે. માની ઇચ્છાવિરુદ્ધ અપુ પાશ્ચાત્ય શિક્ષણ લેવા તરફ વળે છે; મા સાથેની ઘનિષ્ઠતા યુવાન અપુ ત્યજે છે, કલકત્તાના કૉલેજજીવન દરમિયાન તો અવિશ્રાન્ત સંઘર્ષ છે. ત્યાંની યાંત્રિકતા તેના વિકાસોન્મુખ ચિત્તની અને પહેલાંની આકાંક્ષાઓની વિરોધી છે.
જીવનમાં પછીની બે ઘટનાઓ તે માતાનું મૃત્યુ અને અપર્ણા સાથે લગ્ન. મંગલાકાંક્ષી અપર્ણા જાણે માતાનું સંસ્કરણ છે. થોડા સમયની ઘરસંસારની શાંતિ પછી અપર્ણાનું મૃત્યુ તેને નિ:સંગ શૂન્યતામાં ધકેલે છે. પણ પછી આ કઠોર આઘાત જીવનની પરમ સાર્થકતાના માર્ગે તેને લઈ જાય છે. થોડો સમય ઉદ્દેશહીન, નિરુદ્યમી જીવન વ્યતીત કર્યા પછી તે એકદમ પ્રેરણા પામી દિલ્હી અને પછી મધ્યપ્રદેશમાં રઝળપાટ કરે છે. વિશેષે મધ્યપ્રદેશના વિજન અરણ્યમાં અને પછી નિશ્ચિંતપુરનાં વનજંગલોમાં અપુ નવસંસ્કાર પામે છે. બંગાળમાં થોડાં વર્ષો પછીનું પરિભ્રમણ તેની કવિત્વર્દષ્ટિને ઉઘાડે છે; કાશીયાત્રા દરમિયાન નિશ્ચિંતપુરની બાલ્યસખી લીલા સાથેનું મિલન અને શૈશવસ્મૃતિ નવજીવન અર્પે છે. નિશ્ચિંતપુરમાં જ વનછાયા મધ્યે ઘર બાંધવાનો સંકલ્પ કરે છે, પોતા માટે જ નહિ, પોતાના માતૃહારા પુત્ર કાજલ માટે પણ. ગામનું સંકીર્ણ વન પણ અસીમનું આહવાન બને છે. નિશ્ચિંતપુરે અપુને બાહ્યજીવનમાં કવિ બનાવ્યો હતો. પ્રૌઢ વયે તે દાર્શનિકની, યોગીની ર્દષ્ટિ બક્ષે છે. આ ઉચ્ચ દાર્શનિક સૂર પર મહાકાવ્યાત્મક નવલકથા સમાપ્ત થાય છે. પ્રકૃતિવર્ણન, શૈશવચિત્ર અને વાસ્તવિકતાનું સ્તર, આધ્યાત્મિકતાનું ઉચ્ચ શિખર વગેરેના પ્રભાવે વિભૂતિભૂષણની આ નવલકથાને શ્રેષ્ઠતા બક્ષી છે.
વિભૂતિભૂષણના સાહિત્યમાં આ ઉપરાંત બીજી કૃતિઓનો પણ સમાવેશ થાય છે : ‘ર્દષ્ટિદીપ’ (1935), ‘આરણ્યક’ (1938), ‘આદર્શ હિંદુ હોટેલ’ (1940), ‘ઇચ્છામતી’ (1945) વગેરે. ‘આરણ્યક’ની પરિકલ્પના અભિનવ અને વિસ્મયકર છે. અહીં પ્રકૃતિ મુખ્ય છે અને મનુષ્ય ગૌણ છે. અરણ્યની પરિવર્તનશીલતામાં રહસ્યબોધ કેન્દ્રબિંદુ છે. ‘આદર્શ હિંદુ હોટેલ’માં રાણાઘાટમાં હોટેલ-પરિચાલનની વ્યાવસાયિક બુદ્ધિનું સરસ ચિત્ર આપ્યું છે.
1931માં પ્રકટ થયેલ ‘મેઘમલ્લાર’ની વાર્તાઓમાં ઇતિહાસ અને રોમાન્સનું મિશ્રણ મળે છે.
‘મૌરી ફૂલ’, ‘ઉપેક્ષિતા’, ‘ઉમારાણી’ જેવી વાર્તાઓમાં પારિવારિક જીવનની ભૂમિકા છે. સહાનુભૂતિ સ્નિગ્ધ કરુણ રસ છે, અતિપ્રાકૃતનો ભાવ છે. ‘અભિશપ્ત’ અને ‘હાસિ’ વાર્તાઓમાં પ્રેતલોક સાથેના મનુષ્યલોકના વાર્તાવિનિમયની જે ગોપિત સુરંગ આપણા અંતરાલમાં ખોદાયેલી છે તેની વાત લેખકે કુશળતાથી મૂકી આપી છે. ‘કિન્નરદલ’ (1978) સંગ્રહની કેટલીક વાર્તાઓમાં પણ ભયાનક અને રમણીયનું અદભુત સંમિશ્રણ મળે છે. વિભૂતિભૂષણ રોમૅન્ટિક અને ઊર્મિપ્રવણ મિજાજના હતા, અગમ અને અધ્યાત્મ તરફ તેમનું ચોક્કસ વલણ હતું તે તેમની પરવર્તી રચનાઓમાં વિશેષ જોવા મળે છે.
અનિલા દલાલ